તમારી પાસે કોઈ પરંપરાગત કૌશલ્ય છે, પરંતુ પૈસાની અછતને કારણે પોતાનો વ્યવસાય આગળ વધારી શકતા નથી? તો PM વિશ્વકર્મા યોજના તમારા માટે ઉપયોગી બની શકે છે. કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ પાત્ર કારીગરો અને શિલ્પકારોને ₹3 લાખ સુધીની કોલેટરલ-ફ્રી ‘એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ લોન’ બે તબક્કામાં આપવામાં આવે છે. લાભાર્થી માટે લોનનો વ્યાજદર 5% નક્કી કરવામાં આવ્યો છે, જ્યારે સરકાર તરફથી 8% સુધીની interest subvention આપવામાં આવે છે.
શું છે PM વિશ્વકર્મા યોજના?
PM વિશ્વકર્મા કેન્દ્ર સરકારની યોજના છે, જે 17 સપ્ટેમ્બર 2023ના રોજ શરૂ કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય હાથ અને પરંપરાગત સાધનો વડે કામ કરતા કારીગરો તથા શિલ્પકારોને ઓળખ, કૌશલ્ય તાલીમ, આધુનિક ટૂલ્સ, ક્રેડિટ અને માર્કેટિંગ સહિતની સહાય પૂરી પાડવાનો છે. યોજના FY 2023-24થી FY 2027-28 સુધી મંજૂર છે અને તેમાં 18 પરંપરાગત વ્યવસાયોને આવરી લેવામાં આવ્યા છે.
કયા 18 વ્યવસાયોને લાભ મળશે?
યોજનામાં સુથાર, હોડી બનાવનાર, આર્મરર, લુહાર/મેટલ કાસ્ટર, હથોડી તથા ટૂલ કિટ બનાવનાર, તાળાં બનાવનાર, સોની, કુંભાર, શિલ્પકાર/સ્ટોન વર્કર, મોચી/ફૂટવેર કારીગર, રાજમિસ્ત્રી, ટોપલી-ચટાઈ-સાવરણી બનાવનાર અથવા કોયર વણનાર, પરંપરાગત ઢીંગલી-રમકડાં બનાવનાર, વાળંદ, માળા બનાવનાર, ધોબી, દરજી અને માછીમારીની જાળ બનાવનારનો સમાવેશ થાય છે.
બે તબક્કામાં મળશે ₹3 લાખની લોન
યોજનાની લોન એકસાથે ₹3 લાખ મળતી નથી.
પ્રથમ તબક્કો: પાત્ર લાભાર્થીને ₹1 લાખ સુધીની લોન મળે છે. તેની ચુકવણીની મુદત 18 મહિના છે. પ્રથમ કિસ્ત માટે 5થી 7 દિવસની Basic Skill Training પૂર્ણ કરવી જરૂરી છે.
બીજો તબક્કો: પ્રથમ કિસ્તની લોન સંપૂર્ણ ચૂકવ્યા બાદ ₹2 લાખ સુધીની બીજી કિસ્ત મળી શકે છે. જોકે બીજી કિસ્ત પ્રથમ લોનના વિતરણથી ઓછામાં ઓછા 6 મહિના પહેલાં મળતી નથી. સાથે લોન એકાઉન્ટ નિયમિત હોવું અને વ્યવસાયમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન અપનાવવું અથવા 15 દિવસ કે તેથી વધુની Advanced Training પૂર્ણ કરવી જરૂરી છે. બીજી કિસ્તની ચુકવણીની મુદત 30 મહિના છે.
5% વ્યાજ અને કોલેટરલની જરૂર નહીં
PM વિશ્વકર્મા હેઠળની Enterprise Development Loan કોલેટરલ-ફ્રી છે એટલે લાભાર્થી પાસેથી મિલકત કે અન્ય જામીન માગવામાં આવતી નથી. લોન પર લાભાર્થી માટે નક્કી કરાયેલ વ્યાજદર 5% છે અને સરકાર તરફથી 8% સુધીની interest subvention આપવામાં આવે છે. લોન માટે લાભાર્થી પાસેથી guarantee fee પણ લેવામાં આવતી નથી.
₹15,000ની ટૂલકિટ અને તાલીમ દરમિયાન સ્ટાઇપેન્ડ
યોજનામાં કારીગરોને આધુનિક સાધનો ખરીદવા માટે ₹15,000 સુધીની toolkit incentive e-voucher મારફતે આપવામાં આવે છે. ઉપરાંત Basic Training 5થી 7 દિવસ અને Advanced Training 15 દિવસ કે તેથી વધુની હોય શકે છે. તાલીમ દરમિયાન દરરોજ ₹500નું સ્ટાઇપેન્ડ મળે છે. સત્તાવાર FAQ મુજબ ₹1,000નું transport allowance પણ છે.
કોણ અરજી કરી શકે?
અરજદાર ભારતનો નાગરિક અને નોંધણીના દિવસે ઓછામાં ઓછો 18 વર્ષનો હોવો જોઈએ અને યોજનામાં સમાવિષ્ટ 18માંથી કોઈ એક વ્યવસાયમાં સંકળાયેલો હોવો જોઈએ. વધુમાં વધુ ઉંમરની કોઈ મર્યાદા નથી. એક પરિવારના માત્ર એક સભ્યને યોજનાનો લાભ મળી શકે છે. સરકારી કર્મચારી અથવા તેમના પરિવારના સભ્યો આ યોજનામાં અરજી કરી શકતા નથી. અન્ય પાત્રતા તથા અગાઉ લીધેલી સરકારી લોન સંબંધિત નિયમો પણ લાગુ પડે છે.
અરજી કેવી રીતે કરવી?
PM વિશ્વકર્મા માટે www.pmvishwakarma.gov.in પોર્ટલ મારફતે અથવા નજીકના Common Service Centre (CSC) દ્વારા નોંધણી કરી શકાય છે. સરકારી FAQ મુજબ CSC પર અરજી પ્રક્રિયા દરમિયાન Aadhaar નંબર અને બેંક એકાઉન્ટ સહિતની જરૂરી માહિતી આપવાની રહે છે અને પોર્ટલ પર અલગથી દસ્તાવેજો અપલોડ કરવાની જરૂર નથી. નોંધણી મફત છે.
આ યોજનામાં નોંધણી અને ચકાસણી માટે ત્રણ તબક્કાની પ્રક્રિયા છે. અરજીની ચકાસણી સ્થાનિક સ્તરથી શરૂ થઈ જિલ્લા સ્તરની સમિતિ અને અંતે સ્ક્રીનિંગ કમિટી સુધી થાય છે.
નોંધ: લોનની મંજૂરી અને વિતરણ સંબંધિત પ્રક્રિયા બેંક અથવા અન્ય પાત્ર lending institution દ્વારા જરૂરી ચકાસણી બાદ કરવામાં આવે છે. તેથી માત્ર અરજી કરવાથી ₹3 લાખની લોન આપમેળે મંજૂર થતી નથી.








