Home Blog Page 112

ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે? અંબાલાલ પટેલે જાહેર કરી ચોક્કસ તારીખ

ગુજરાત સહિત દેશભરમાં હાલ ભીષણ ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે. જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. આ વચ્ચે હવામાન વિભાગ તરફથી રાહતના સમાચાર મળ્યા છે. નવી આગાહીઓ મુજબ, આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં થોડું વહેલું દસ્તક આપી શકે છે.સૌથી પહેલા આંદામાન અને નિકોબાર ટાપુઓમાં 18થી 25 મે દરમિયાન ચોમાસું પહોંચી શકે છે, જ્યારે કેરળમાં તે 25 મેની આસપાસ પ્રવેશ કરવાની સંભાવના છે.

યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ-રેન્જ વેધર ફોરકાસ્ટ્સના ડેટા મુજબ, મે મહિનાના અંત સુધીમાં દક્ષિણ ભારતમાં ચોમાસું સક્રિય થઈ શકે છે. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે અલ નીનોની નબળી સ્થિતિ અને પોઝિટિવ ઇન્ડિયન ઓશન ડાયપોલના કારણે ચોમાસું વહેલું આવી શકે છે. જોકે, આ વર્ષે કુલ વરસાદ સામાન્ય કરતાં થોડો ઓછો રહેવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે ગુજરાત માટે મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, 28 એપ્રિલથી મેની શરૂઆત વચ્ચે પશ્ચિમી વિક્ષેપના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. પ્રિ-મોન્સૂન પ્રવૃત્તિ શરૂ થવાની સાથે પવન અને ગાજવીજ સાથે અચાનક વરસાદી ઝાપટાં પણ પડી શકે છે. અંબાલાલ પટેલના અંદાજ મુજબ, ગુજરાતમાં 8થી 15 જૂન વચ્ચે ચોમાસું પ્રવેશી શકે છે.

સુરતમાં વોર્ડ નંબર 21માં બુથ નંબર 88માં EVM ખોટકાયુ

રાજ્યભરમાં આજે ખરાખરીનો જંગ યોજાશે. આજે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત માટે ચૂંટણી માટે મતદાન શરુ થઇ ગયુ છે. ગુજરાતના ચૂંટણીપંચના દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, આગામી ચૂંટણી દરમિયાન ચાર કરોડ 19 લાખ જેટલા મતદારો તેમના બંધારણીય અધિકારનો ઉપયોગ કરશે. 26મી એપ્રિલના રોજ ચૂંટણી યોજાશે તથા 28મી એપ્રિલે પરિણામો જાહેર થશે. આ સિવાય જો કોઈ પોલિંગ સ્ટેશન ઉપર ફેરમતદાનની જરૂર પડશે તો તે 27મી એપ્રિલના રોજ યોજાશે.

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર 21ના બુથ નંબર 88માં EVM મશીન અચાનક બંધ પડી ગયું હોવાની ઘટના સામે આવી છે. મશીન બંધ થતા મતદાન કરવા આવેલા મતદાતાઓને થોડો સમય હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, તંત્ર દ્વારા તાત્કાલિક સ્થિતિને સંભાળવામાં આવી અને અન્ય વિકલ્પ તરીકે નવા EVM મશીનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અધિકારીઓએ સ્થળ પર પહોંચી મતદાન પ્રક્રિયા ફરીથી સુચારુ રીતે ચાલુ રહે તે માટે કાર્યવાહી શરૂ કરી છે.

ગુજરાતમાં 15 મનપાના 261 વોર્ડની 1044 બેઠકો પર ચૂંટણી

રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી માટે વ્યાપક સ્તરે મતદાન યોજાઈ રહ્યું છે. કુલ 15 મહાનગરપાલિકાના 261 વોર્ડની 1,044 બેઠકો, 84 નગરપાલિકાના 656 વોર્ડની 2,624 બેઠકો, 34 જિલ્લા પંચાયતની 1,090 બેઠકો તેમજ 260 તાલુકા પંચાયતની 5,234 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીમાં ભાજપે તમામ 9,292 બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે, જ્યારે કોંગ્રેસના 8,443 ઉમેદવારો અને આમ આદમી પાર્ટીના 5,261 ઉમેદવારો પણ મેદાનમાં ઉતરી ચૂંટણી જંગને રોમાંચક બનાવી રહ્યા છે.

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, ફરજમાં બેદરકારી બદલ પાંચ અધિકારીઓ સસ્પેન્ડ

0

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન કથિત ગેરવર્તણૂક અને નિષ્પક્ષતા જાળવવામાં નિષ્ફળતા બદલ ચૂંટણી પંચે પાંચ પોલીસ અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓમાં ડાયમંડ હાર્બરના અધિક પોલીસ અધિક્ષક સંદીપ ગરાઈ, સબ-ડિવિઝનલ પોલીસ અધિકારી સજલ મંડલ, ડાયમંડ હાર્બર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર મૌસમ ચક્રવર્તી, ફાલતા ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં પાંચ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો.

પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર અજય બાગ અને ઉસ્થી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી સુભેછા બાગનો સમાવેશ થાય છે.

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 પહેલા સુરતમાં રાજકીય ગરમાવો: પૂર્ણેશ મોદી સામે જ્ઞાતિનો મોરચો

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપના દિગ્ગજ નેતા પૂર્ણેશ મોદી માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સુરતની શ્રી અમદાવાદી ચાંપાનેરી મોઢ ઘાંચી જ્ઞાતિએ ધારાસભ્ય પૂર્ણેશ મોદી સામે ખુલ્લો મોરચો માંડ્યો છે. જ્ઞાતિના અગ્રણીઓએ પૂર્ણેશ મોદી પર સમાજમાં ભાગલા પડાવવાનો ગંભીર આરોપ મૂકતા સુરતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

મોઢ ઘાંચી જ્ઞાતિના પ્રમુખ ચંદ્રેશ મોદીએ મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, ધારાસભ્ય પૂર્ણેશ મોદી પોતાની સત્તાનો દુરુપયોગ કરી સમાજની એકતા તોડવાનું કામ કરી રહ્યા છે. જ્ઞાતિના પ્રમુખે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, અમારો વિરોધ કોઈ રાજકીય પક્ષ સામે નથી, પરંતુ પૂર્ણેશ મોદીની વ્યક્તિગત કાર્યશૈલી સામે છે.

ચંદ્રેશ મોદીએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની સમસ્યાઓનો વહેલી તકે ઉકેલ નહીં આવે, તો જ્ઞાતિના અંદાજે 70 થી 80 હજાર મતદારો ચૂંટણીમાં મતદાન તો કરશે, પરંતુ કોઈ પક્ષને નહીં પણ NOTA ને મત આપશે.

સુરતમાં સગીરાની છેડતી મામલે લોકોમાં ભારે રોષ, આરોપીનું રી-કન્સ્ટ્રક્શન કરાશે

સુરતના પોશ ગણાતા અલથાણ વિસ્તારમાં 12 વર્ષની સગીરાની છેડતીની ઘટનાએ સમગ્ર શહેરમાં ભારે રોષ જગાવ્યો છે. ટ્યુશનથી પરત ફરી રહેલી સગીરા સાથે મહંમદ અઝીઝ નામના શખ્સે કરેલી અડપલાંની ઘટના બાદ લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. સ્થિતિની ગંભીરતા જોતા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને આજે આરોપીને સાથે રાખી ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ઘટનાની વિગત મુજબ, સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી એટલાન્ટા મોલ પાસે એક 12 વર્ષની પાટીદાર સગીરા સાંજે પોતાના ટ્યુશન ક્લાસ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહી હતી. આ દરમિયાન મહંમદ અઝીઝ નામના શખ્સે સગીરા પર નજર બગાડી તેની છેડતી કરી હતી. નિર્દોષ બાળકી સાથે થયેલી આ હરકતને પગલે વિસ્તારના રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. દીકરીઓની સુરક્ષાને લઈને સ્થાનિકોમાં ચિંતા અને ગુસ્સાનું મોજું ફરી વળ્યું છે.

ગઈકાલે આ ઘટનાની જાણ થતા જ હજારોની સંખ્યામાં લોકો અલથાણ પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યા હતા. લોકોની માંગ હતી કે આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. ભીડ બેકાબૂ બનતા અને સ્થિતિ તંગ થતા પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. મોડી રાત સુધી પોલીસ સ્ટેશન બહાર સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન ચાલ્યા હતા, જેના કારણે વાતાવરણ અત્યંત તંગ બની ગયું હતું.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પકડાયેલા આરોપી મહંમદ અઝીઝને આજે ઘટનાસ્થળે લઈ જવામાં આવશે. જે સ્થળે છેડતીની ઘટના બની હતી ત્યાં પોલીસ દ્વારા રી-કન્સ્ટ્રક્શન કરી પુરાવા એકત્રિત કરવામાં આવશે. આ પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આખા રૂટ પર પોલીસનો લોખંડી બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. સ્થાનિક સંગઠનો અને સમાજના અગ્રણીઓ દ્વારા ન્યાયની માંગ સાથે શાંતિ જાળવવા પણ અપીલ કરવામાં આવી રહી છે.

સુરતમાં AAPના પ્રભારી સામે રૂપિયા લઈ ટિકિટ આપવાનો આરોપ

સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં AAPના વોર્ડ નંબર 1-2 ના પ્રભારી ઓમ પ્રકાશ વિરુદ્ધ ગંભીર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમના પર 18 લાખ રૂપિયાના સોદાની વાટાઘાટો કરીને લાખો રૂપિયાની ખંડણી ઉઘરાવવાનો આરોપ છે.

ફરિયાદી નવનીત નવદિયાએ આરોપ લગાવ્યો છે કે પ્રભારીએ તેમની પત્ની માટે ટિકિટ મેળવવાના બહાને 18 લાખ રૂપિયાની માંગણી કરી હતી. બાદમાં 8 લાખ રૂપિયામાં સોદો નક્કી થયો હતો. સમગ્ર વાટાઘાટોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પોલીસે ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના બે દિવસ પહેલા જ રાજકારણ ગરમાયું છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા ઓમ પ્રકાશ વિરુદ્ધ ટિકિટના બદલામાં પૈસા માંગવાના ગંભીર આરોપો ધરાવતો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, AAPના ભૂતપૂર્વ પ્રમુખ મહેન્દ્ર નવનીતના પિતરાઈ ભાઈ નવનીત નવદિયાએ આરોપ લગાવ્યો છે કે જ્યારે તેમણે તેમની પત્ની લિપ્સા માટે ટિકિટ માંગી ત્યારે પ્રભારીએ ₹18 લાખની માંગણી કરી હતી.

આ અંગે એવો આરોપ છે કે સોદો આખરે ₹8 લાખમાં થયો હતો, જેમાં પૈસા હપ્તામાં ચૂકવવામાં આવ્યા હતા. જોકે, પૈસા મળ્યા છતાં તેમની પત્નીને નોમિનેટ ન કરવામાં આવ્યા હોવાથી છેતરપિંડીનો અનુભવ થતાં, નવનીત નવદિયાએ પ્રભારીનો વીડિયો શૂટ કર્યો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો.

સુરતના પુણા લેન્ડમાર્ક પાસે દુર્ઘટના: પત્ની સામે જ ટ્રક નીચે કચડાઈ પતિનું મોત

સુરતના પુણા-ડુંભાલ રોડ પર આવેલ લેન્ડમાર્ક ચાર રસ્તા પાસે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ટ્રક ચાલકે બાઈક સવાર દંપતીને અડફેટે લીધું હતું. આ અકસ્માતમાં ટ્રકનું ટાયર માથા પરથી ફરી વળતા પતિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે પત્નીને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. પોતાની નજર સામે જ જીવનસાથીને ગુમાવતા પત્ની આઘાતમાં સરી પડ્યા હતા.

ઘટનાની વિગત મુજબ, મૂળ બિહારના બકસર જિલ્લાના વતની અને હાલ પલસાણાની ઊર્મિલાનગર સોસાયટીમાં રહેતા 46 વર્ષીય કમલેશકુમાર રામાશંકર પરમાર તેઓ ચાની કેન્ટીન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગુરુવારે બપોરે તેઓ 40 વર્ષીય પત્ની ચિંતાદેવી સાથે બાઈક પર પરવટ પાટિયા વિસ્તારની એક ખાનગી હોસ્પિટલમાં દવા લેવા માટે ગયા હતા. દવા લઈને પરત ઘરે ફરી રહ્યા હતા, તે દરમિયાન પુણા-ડુંભાલ લેન્ડમાર્ક ચાર રસ્તા પાસેથી પસાર થતી વખતે એક ટ્રક ચાલકે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી.

ટક્કર વાગતાની સાથે જ દંપતી રોડ પર પટકાયું હતું, આ દરમિયાન કમલેશકુમારના માથાના ભાગે ટ્રકનું ટાયર ફરી વળતા તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. પત્ની ચિંતાદેવીને હાથ અને કમરના ભાગે ઈજાઓ પહોંચી હતી, પરંતુ પતિને લોહીલુહાણ હાલતમાં મૃત જોતા તેઓ આઘાતને કારણે બેભાન થઈ ગયા હતા. અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત મહિલાને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતા પુણા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ મામલે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે અને અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે. દંપતીને બે સંતાનો હોવાનું જાણવા મળ્યું છે, પિતાના અકાળે અવસાનથી પરિવાર પર આભ ફાટી પડ્યું છે.

કોઈ પણ કોર્ટ સગીરાને મરજી વિરુદ્ધ ગર્ભ રાખવા ફરજ પાડી શકે નહીંઃ સુપ્રીમ કોર્ટ

0

કોઈ પણ મહિલાને તથા ખાસ કરી સગીરાને પોતાની મરજી વિરુદ્ધ ગર્ભ રાખવાની ફરજ કોર્ટ દ્વારા પાડી શકાય નહીં, તેવા તારણ સાથે સુપ્રીમ કોર્ટે 15 વર્ષની સગીરાને ગર્ભપાત કરવા મંજૂરી આપી હતી. સાત માસનો ગર્ભ ધરાવતી સગીરાના કેસમાં સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું હતું કે, જે બાળકે હજુ જન્મ પણ લીધો નથી, તેની સરખામણીએ વધારે મહત્ત્વ ગર્ભસ્થ મહિલાની પસંદગીનું છે.

મરજી વિરુદ્ધ ગર્ભને જાળવી રાખવાથી સગીરાના માનસિક આરોગ્યને લાંબા સમયની ક્ષતિ પહોંચી શકે છે. તેના શિક્ષણ અને સામાજિક દરજ્જા ઉપરાંત સર્વગ્રાહી વિકાસને ગર્ભ રાખવાથી વિપરિત અસર થવાનું જોખમ છે.

જસ્ટિસ બી વી નાગરત્ના અને ઉજ્જલ ભુયાનની બેન્ચે ઠરાવ્યુ હતું કે, જન્મ આપવા બાબતે મહિલાની ઈચ્છાને સૌથી વધુ મહત્ત્વ અપાવું જોઈએ. મહિલા પોતાની મરજી વિરુદ્ધ સગર્ભા થઈ હોય અને તેને ગર્ભ જાળવી રાખવાની પરજ પડાય તો તેનાથી મહિલાના બંધારણીય અધિકારનું હનન થશે. બંધારણની કલમ 21 અન્વયે જન્મ આપવાનો અધિકાર એ વ્યક્તિગત સ્વતંત્રતા અને ગોપનીયતાનો અભિન્ન ભાગ છે. મહિલાઓ અને ખાસ કરીને સગીરાને બિન-ઈચ્છિત ગર્ભ રાખવાની ફરજ પાડી તેના બંધારણીય અધિકારને પ્રભાવહીન બનાવી શકાય નહીં.

દેશની તમામ કોર્ટ માટે આ પ્રકારના કેસમાં નિર્દેશ આપતાં સુપ્રીમ કોર્ટે નોંધ્યુ હતું કે, કોઈ પણ કોર્ટે મહિલાને તથા સગીરાને તેની મરજી વિરુદ્ધ ગર્ભ રાખી સંતાનને જન્મ આપવા ફરજ પાડવી જોઈએ નહીં. આ પ્રકારની ફરજ રાખવાથી તેના મૂળભૂત અધિકારોનું અપમાન થાય છે અને તેને પારાવાર માનસિક-શારીરિક હેરાનગતિમાંથી પસાર થવું પડે છે.

બાળક ન જોઈતું હોય તો તેને જન્મ આપ્યા પછી કોઈને દત્તક આપી દેવું જોઈએ, તેવી સલાહ ઘણાં લોકો આપતા હોય છે. સુપ્રીમ કોર્ટે ઠરાવ્યુ હતું કે, આ પ્રકારની સલાહો આપવાનું સહેલું છે, પરંતુ પરિસ્થિતિ અને સંજોગોને ધ્યાને લેતાં બિન-ઈચ્છિત બાળકને જન્મ આપવાની ફરજ પડાય નહીં. આમ કરવાથી ગર્ભસ્થ શિશુ અને તેની માતા બંનેના માનસિક-શારીરિક સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડે છે.

કાનપુર કોર્ટમાં હ્રદયદ્રાવક ઘટના: ફેસબુક સ્ટેટસ મૂકી વકીલે 5મી માળેથી કૂદીને આત્મહત્યા

0

ગુરુવારે ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક 24 વર્ષીય વકીલે કોર્ટ બિલ્ડિંગના પાંચમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી. આત્મહત્યા કરતા પહેલા, તેણે બે પાનાની એક નોંધ લખી અને તેને તેના વોટ્સએપ સ્ટેટસ પર પોસ્ટ કરી, જેમાં લખ્યું, “મારી સાથે જે કંઈ બન્યું છે તે જોતાં, મને નથી લાગતું કે આ બેશરમીનું જીવન જીવવા યોગ્ય છે.”

ડેપ્યુટી પોલીસ કમિશનર સત્યજીત ગુપ્તાએ જણાવ્યું હતું કે પ્રિયાંશુ શ્રીવાસ્તવ નામના વકીલે ઇમારત પરથી કૂદી પડ્યો હતો. તેમને તાત્કાલિક ઉર્સુલા હોર્સમેન મેમોરિયલ (UHM) હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટના બાદ કોર્ટ પરિસરમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી અને મોટી સંખ્યામાં વકીલો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. કોતવાલી પોલીસે પહોંચીને વિસ્તારને ઘેરી લીધો હતો.

2 પાનાની સુસાઇડ નોટમાં પ્રિયાંશુની દર્દનાક કહાની
ઘટનાના થોડા સમય પહેલા પ્રિયાંશુએ પોતાના વોટ્સએપ સ્ટેટસ પર બે પાનાની સુસાઇડ નોટ શેર કરી હતી. સુસાઇડ નોટમાં તેણે લખ્યું હતું કે, “મારી છેલ્લી ઇચ્છા છે કે દરેક વ્યક્તિ આ સુસાઇડ નોટને અંત સુધી વાંચે… હું પ્રિયાંશુ શ્રીવાસ્તવ છું, જે કાનપુરના બારા-8 સ્થિત વરુણ વિહારનો રહેવાસી છું. આજે, 23 એપ્રિલ, લગભગ 12:05 વાગ્યે, હું કોઈ પણ દબાણ કે બળજબરી વિના, મારી સંપૂર્ણ સમજશક્તિમાં આ સુસાઇડ નોટ લખીને આત્મહત્યા કરી રહ્યો છું. હું એક રજિસ્ટર્ડ એડવોકેટ છું જેણે 2025 માં કાનપુર નગરથી મારો કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. સમયના અભાવે, હું ઉત્તર પ્રદેશ, પ્રયાગરાજની બાર કાઉન્સિલ પાસેથી મારું રજીસ્ટ્રેશન મેળવી શક્યો નથી.”

“મારા પિતા મારા મૃતદેહને સ્પર્શ પણ ન કરી શકે.”
તેમણે આગળ લખ્યું, “આ વાર્તા મારા બાળપણમાં શરૂ થાય છે. જ્યારે હું લગભગ 6 વર્ષનો હતો, ત્યારે મેં ફ્રિજમાં રાખેલો કેરીનો રસ પીધો હતો અને તેને કપડાં ઉતારીને ઘરમાંથી કાઢી મૂકવામાં આવતો હતો. દર મિનિટે મને શંકાની નજરે જોતો હતો, દર મિનિટે ગણતરી કરતો હતો… આ માનસિક ત્રાસ છે. મારા હાઇસ્કૂલના પરિણામો જાહેર થાય તે પહેલાં, મારા પિતાએ ધમકી આપી હતી કે જો મને ઓછા માર્ક્સ મળશે, તો તેઓ મને કપડાં ઉતારીને ઘરમાંથી કાઢી મૂકશે. દરરોજ પીડાદાયક મૃત્યુ પામવા કરતાં એક દિવસ મરવું લાખ ગણું સારું છે. મારી બધા માતાપિતાને અપીલ છે કે તેઓ તેમના બાળકોને એટલું જ ત્રાસ આપે જેટલું તેઓ સહન કરી શકે. મારી વિનંતી છે કે મારા પિતા મારા મૃતદેહને સ્પર્શ પણ ન કરે. હું હારી ગયો, મારા પિતા જીતી ગયા. લવ યુ, મમ્મી…”

આત્મહત્યા કરતા પહેલા, પ્રિયાંશુએ બપોરે 12:05 વાગ્યે બે પાનાની સુસાઇડ નોટ લખી હતી. તેણે 21 મિનિટ પહેલા તેને તેના વોટ્સએપ સ્ટેટસ પર પોસ્ટ કરી હતી. તેણે તે નોટ તેના પિતા અને મિત્રોને પણ ફોરવર્ડ કરી હતી. જો કે, તેના પરિવાર અને મિત્રોએ નોટ જોઈ ત્યાં સુધીમાં તે આત્મહત્યા કરી ચૂક્યો હતો. પોલીસે તેનો મોબાઇલ ફોન જપ્ત કર્યો છે અને સુસાઇડ નોટ અને અન્ય ડિજિટલ પુરાવાઓની તપાસ કરી રહી છે. પોલીસ નજીકના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી રહી છે.

આગામી પાંચ દિવસ સુધી ઉત્તર-પૂર્વોત્તર ભારતમાં ઝંઝાવાતી વરસાદની આગાહી

0

દેશના અનેક રાજ્યોમાં આગામી પાંચ દિવસ દરમિયાન હવામાનમાં મોટા ફેરફારની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ ઉત્તર ભારત અને ઉત્તર-પૂર્વીય વિસ્તારોમાં ઝંઝાવાતી વરસાદ, વીજળી અને તેજ પવનની અસર જોવા મળી શકે છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 24 થી 29 એપ્રિલ દરમિયાન છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં બરફવર્ષાની પણ શક્યતા છે.

પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તર પ્રદેશમાં પણ 26 થી 29 એપ્રિલ દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે. આ દરમિયાન 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, જે સામાન્ય જનજીવનને અસર કરી શકે છે.

ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં ખાસ કરીને આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં 25 થી 29 એપ્રિલ દરમિયાન ભારે વરસાદની આગાહી છે. કેટલાક વિસ્તારોમાં 50 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વાવાઝોડા પણ આવી શકે છે. નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ આ સમયગાળા દરમિયાન વીજળી અને ભારે વરસાદની શક્યતા છે.

પૂર્વીય ભારતના રાજ્યો જેમ કે બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને સિક્કિમમાં પણ 24 થી 29 એપ્રિલ દરમિયાન વાવાઝોડા અને વરસાદની અસર રહેશે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ 26 અને 27 એપ્રિલે વીજળી સાથે વરસાદની શક્યતા છે.

દક્ષિણ ભારતના રાજ્યો કેરળ, માહે અને કર્ણાટકમાં પણ 24 થી 27 એપ્રિલ દરમિયાન વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવાની અપીલ કરી છે.