મુંબઈ: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના ઐતિહાસિક દાદર રેલવે સ્ટેશનનું નામ બદલીને હવે ‘ચૈત્યભૂમિ’ રાખવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. રાજ્ય સરકારે દાદર સ્ટેશનનું નામ બદલવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે નામ બદલવાની પ્રક્રિયા માટે જરૂરી કાયદાકીય અને વહીવટી કાર્યવાહી આગામી શિયાળુ વિધાનસભા સત્ર દરમિયાન પૂર્ણ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર તરફથી મળેલી માર્ગદર્શિકા અનુસાર આ પ્રક્રિયામાં વિધાનમંડળની સમિતિ સંબંધિત જરૂરી ઔપચારિકતાઓ પણ પૂર્ણ કરાશે. ત્યારબાદ સ્ટેશનનું સત્તાવાર નામ બદલવાની કાર્યવાહી આગળ વધશે.
ડૉ. બાબાસાહેબ આંબેડકર સાથે જોડાયેલી છે ચૈત્યભૂમિ
મુંબઈના દાદર વિસ્તારમાં આવેલી ચૈત્યભૂમિ ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરનું સ્મારક સ્થળ છે. દર વર્ષે 6 ડિસેમ્બરે તેમના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે દેશભરમાંથી લાખો અનુયાયીઓ અહીં શ્રદ્ધાંજલિ આપવા પહોંચે છે. લાંબા સમયથી વિવિધ સંગઠનો દ્વારા દાદર રેલવે સ્ટેશનનું નામ ચૈત્યભૂમિ રાખવાની માંગ કરવામાં આવી રહી હતી.
6 ડિસેમ્બરની તૈયારીઓ માટે પણ સૂચના
મહાપરિનિર્વાણ દિવસને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ વહીવટી તંત્રને સુરક્ષા, આરોગ્ય, સ્વચ્છતા, પીવાના પાણી અને ટ્રાફિક વ્યવસ્થાની પૂરતી તૈયારી કરવા સૂચના આપી છે. ચૈત્યભૂમિ વિસ્તારમાં ધરણાં, પ્રદર્શન અને મોરચા પર પ્રતિબંધ મૂકવા માટે પણ ગૃહ વિભાગને જરૂરી કાર્યવાહી કરવા નિર્દેશ આપવામાં આવ્યા છે.
આ ઉપરાંત દાદરના ઇન્દુ મિલ ખાતે બની રહેલા ડૉ. બાબાસાહેબ આંબેડકરના ભવ્ય સ્મારકનું બાકી કામ ઝડપથી પૂર્ણ કરવા અને તેના માટે ભંડોળની કોઈ અછત ન રહે તેની પણ મુખ્યમંત્રીએ ખાતરી આપી છે.








