નોકરી કરતા કરોડો કર્મચારીઓ માટે પ્રોવિડન્ટ ફંડ (PF) અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) દ્વારા PF ઉપાડવાના નિયમોમાં છૂટછાટ આપવામાં આવી છે. નવા ફેરફાર મુજબ હવે 55 વર્ષથી ઓછી ઉંમરના PF સભ્યો તેમના ખાતામાં જમા થયેલી રકમમાંથી 90 ટકા સુધીની રકમ ઉપાડી શકશે. અગાઉ આ મર્યાદા 75 ટકા હતી.
હવે ખાતામાં માત્ર 10 ટકા રકમ રાખવી પડશે
નવા નિયમ મુજબ PF ખાતાધારકોએ તેમના કુલ PF બેલેન્સના ઓછામાં ઓછા 10 ટકા રકમ ખાતામાં જાળવી રાખવાની રહેશે. અગાઉ આ મર્યાદા 25 ટકા હતી. એટલે કે હવે કર્મચારીઓ જરૂરિયાતના સમયે અગાઉ કરતાં વધુ રકમનો ઉપયોગ કરી શકશે.
નોકરી છૂટ્યા બાદ બે મહિનામાં PF ઉપાડી શકાશે
EPFO દ્વારા બેરોજગારીની સ્થિતિમાં PF ઉપાડવા માટેનો રાહ જોવાનો સમયગાળો પણ ઘટાડવામાં આવ્યો છે. અગાઉ નોકરી છૂટ્યા બાદ સંપૂર્ણ સેટલમેન્ટ માટે 12 મહિના રાહ જોવી પડતી હતી. હવે આ સમયગાળો ઘટાડીને બે મહિના કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી નોકરી ગુમાવનારા કર્મચારીઓને આર્થિક મુશ્કેલીના સમયે મોટી રાહત મળશે.
નિવૃત્તિ બાદ હપ્તામાં PF મેળવવાની સુવિધા
EPFO દ્વારા નિવૃત્ત કર્મચારીઓ માટે Systematic Withdrawal Plan (SWP)ને પણ મંજૂરી આપવામાં આવી છે. આ સુવિધા હેઠળ કર્મચારીઓ નિવૃત્તિ સમયે PFની સંપૂર્ણ રકમ એકસાથે ઉપાડવાને બદલે નિશ્ચિત સમયાંતરે હપ્તામાં મેળવી શકશે. કર્મચારીના અવસાનની સ્થિતિમાં બાકી રકમ નોમિની અથવા આશ્રિતને મળવાની જોગવાઈ પણ રહેશે.
પેન્શનના નિયમોમાં ફેરફાર નહીં
જોકે, આ નિર્ણયમાં Employees’ Pension Scheme (EPS) હેઠળ મળતા પેન્શનના લાભમાં કોઈ વધારો જાહેર કરવામાં આવ્યો નથી. એટલે PF ઉપાડના નિયમોમાં રાહત મળી છે, પરંતુ પેન્શન સંબંધિત માગણીઓ અંગે હાલ કોઈ નવો નિર્ણય લેવાયો નથી.
આ તમામ ફેરફારોનો હેતુ કર્મચારીઓને જરૂરિયાતના સમયે તેમની બચતનો સરળતાથી ઉપયોગ કરવાની સુવિધા આપવાનો અને નિવૃત્તિ માટેની લઘુતમ બચત પણ જાળવી રાખવાનો છે.








