હિમાચલ પ્રદેશના સોલન જિલ્લાના નાલાગઢ વિસ્તારમાં નકલી દવાઓ બનાવતી ફેક્ટરી ઝડપાઈ હોવાની ઘટના સામે આવી છે. ઉત્તર પ્રદેશ STF અને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FSDA)ની સંયુક્ત ટીમે દરોડો પાડીને આ કાર્યવાહી હાથ ધરી હતી.
તપાસ દરમિયાન સામે આવ્યું કે ફેક્ટરીમાં જાણીતી દવા કંપનીઓના નામ અને પેકિંગનો ઉપયોગ કરીને નકલી દવાઓ તૈયાર કરવામાં આવતી હતી. તેમાં એન્ટિબાયોટિક, ન્યુરો મેડિસિન અને એસિડિટીની દવાઓનો સમાવેશ થાય છે.
ફેક્ટરીમાંથી અનેક મશીનો અને સાધનો મળ્યાં
દરોડા દરમિયાન બ્લિસ્ટર પેકિંગ મશીન, એલ્યુમિનિયમ પેકિંગ મશીન, કેપ્સ્યુલ ભરવાનાં મશીનો, વજન માપવાનાં સાધનો, પ્રિન્ટેડ ફોઇલ અને પ્રિન્ટિંગ મશીનો મળી આવ્યાં હતાં. આ સાધનોની મદદથી નકલી દવાઓને જાણીતી કંપનીઓની અસલી દવાઓ જેવી પેક કરવામાં આવતી હોવાની આશંકા છે.
વારાણસીમાં 17 પ્રકારની નકલી દવાઓ મળી હતી
આ સમગ્ર મામલાની તપાસ ઉત્તર પ્રદેશના વારાણસી, મોરાદાબાદ અને લખનઉમાં નકલી દવાઓ મળી આવ્યા બાદ શરૂ કરવામાં આવી હતી. ખાસ કરીને વારાણસીના રોહણિયા વિસ્તારમાં ગયા અઠવાડિયે દરોડા દરમિયાન 17 પ્રકારની શંકાસ્પદ નકલી દવાઓ મળી આવી હતી. તપાસની કડીઓ જોડતાં ટીમ હિમાચલ પ્રદેશના નાલાગઢ સુધી પહોંચી હતી.
આંતરરાજ્ય નેટવર્કની તપાસ તેજ
હાલ તપાસ એજન્સીઓ ફેક્ટરી સાથે સંકળાયેલા લોકો, દવાઓના ઉત્પાદન અને સપ્લાય નેટવર્કની તપાસ કરી રહી છે. આ નકલી દવાઓ કયા રાજ્યો અને શહેરોમાં પહોંચાડવામાં આવતી હતી તેની પણ તપાસ ચાલી રહી છે. નકલી દવાઓના આ ગેરકાયદે કારોબારથી લોકોના સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે.








