Friday, Apr 25, 2025

ભાવનગરમાં માલધારી સમાજની 75 હજારથી વધુ બહેનોએ વિશ્વ રેકોર્ડ સર્જ્યો

2 Min Read

ભાવનગરના ભાલ પંથકમાં આવેલ બાવળિયાળી ઠાકર ધામમાં માલધારી સમાજની દીકરીઓએ ગોપી હુંડા મહારાસ રમીને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. આ ઉપલબ્ધિ એક સાથે 75 હજારથી વધુ દીકરીઓ દ્વારા ગોપી હુડો રાસ રમીને મેળવવામાં આવી છે. આ ઐતિહાસિક પ્રસંગને નિહાળવા માટે રાજ્યના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત હતા અને તેમણે માલધારી ભરવાડ સમાજને અભિનંદન પાઠવ્યા હતા.

બાવળિયાળી ઠાકર ધામ ખાતે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે રમેશભાઈ ઓઝા દ્વારા શ્રીમદ્ ભગવત ગોપ જ્ઞાન કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે. આ કથાના પાંચમા દિવસે ગોપી મહાહુડો રાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માલધારી સમાજની દીકરીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે સમાજની સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરની બાવળીયાળી ઠાકર ધામ ને આજે ગોકુળિયું બનાવી દીધું હતું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધોલેરા નજીક બાવળીયાળીમાં સંત શ્રી નગાલખા બાપા-ઠાકરધામના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ગોપજ્ઞાન ગાથામાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મોટી સંખ્યામાં ઉપસ્થિત ભરવાડ સમાજના લોકોને સંબોધિત કરતા તેમણે જણાવ્યું હતું કે, ભરવાડ સમાજ ‘ઠાકર કરે ઈ ઠીક’ના વિચાર સાથે ભગવાન સઘળું સારું કરશે તેવી આસ્થા રાખનારો સમાજ છે. દેશભરના દેવસ્થાનોને આધુનિક થવા સાથે ભવ્ય અને દિવ્ય બની રહ્યા છે. વિરાસતથી વિકાસની આ યાત્રામાં નાનામાં નાનો નાગરિક પણ જોડાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભગવાન શ્રી કૃષ્ણના ઉપાસક ગોપાલક સમાજનું પશુપાલન ક્ષેત્રે પણ મોટું યોગદાન છે. રચનાત્મક પ્રવૃતિઓમાં પણ સમાજની એકતાના દર્શન કરાવી સમાજમાં વિશ્વાસનું વાતાવરણ સર્જ્યું છે. ભરવાડ સમાજે રૂઢિગત પરંપરાઓને તિલાંજલિ આપી આધુનિક પ્રગતિશીલ પરંપરા અપનાવી શિક્ષણ અને તાલીમ દ્વારા પરિવર્તનશીલ સમાજનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Share This Article