મોરબી પુલ દુર્ઘટના : સહાય રકમથી ગુજરાત હાઈકોર્ટ નારાજ કહ્યું કે મૃતકોને 4 લાખનું વળતર….

Share this story

Morbi Bridge tragedy

  • ઘરમાં એકમાત્ર કમાનાર અને મોતને ભેટનાર યુવકોના પરિવારને 4 લાખ નહીં 10 લાખનું વળતર ચુકવવું જોઈએ. હવે આ કેસમાં 12 ડિસેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે.

મોરબી ઝુલતો પુલ તૂટવાની (Morbi suspension bridge collapse) દુર્ઘટનાને લઈને આજે હાઈકોર્ટેમાં (High Court) જાહેર હિતની અરજી પર સુનાવણી થઈ છે. મોરબી પુલ દુર્ઘટનામાં સરકારે જાહેર કરેલી સહાય રકમથી ગુજરાત હાઈકોર્ટ નારાજ થઈ છે અને જણાવ્યું છે કે ઘરમાં એકમાત્ર કમાનાર અને મોતને ભેટનાર યુવકોના પરિવારને 4 લાખ નહીં 10 લાખનું વળતર (Compensation) ચુકવવું જોઈએ. હવે આ કેસમાં 12 ડિસેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે.

હાઈકોર્ટે નોંધ્યું છે કે 30 થી 40 વર્ષના ઘણા લોકોએ જીવ ગુમાવ્યા. જે ઘરના એક માત્ર કમાનાર હોઈ શકે. મૃતકોને 4 લાખનું વળતર પૂરતું નથી. અમને સંતોષ નથી. કોર્ટે પ્રાથમિક રીતે કહ્યું, સરકારે ઓછામાં ઓછું 10 લાખ વળતર ચૂકવવું જોઈએ. કોર્ટે પૂછ્યું મૃતકોની જ્ઞાતિ જાતિ લખવાની શું જરૂર છે? તમામ મૃતકો સમાન રીતે જ ગણાય.

મોરબીના રાજવી પરિવારે તમામ મૃતકોને 1 લાખ વળતર ચૂકવ્યું. માતા અને પિતા બંને ગુજરી ગયા હોય એવા બાળકોને પ્રતિ મહિને 3 હજારનું વળતર સરકાર ચૂકવશે. કોર્ટે કહ્યું, 3000માં બાળકના સ્કૂલના યુનિફોર્મ અને પુસ્તકો પણ નહિ આવે વળતર પૂરતું નથી.

એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે માતા પિતા બંને ગુજરી ગયા હોય એવા કુલ 7 બાળકો છે. જેમણે મુખ્યમંત્રી રાહત કોષ, પ્રધાનમંત્રી રાહત કોષ અને ખાનગી દાતાઓ થકી મળેલા દાનમાં પ્રતિ બાળકને 37 લાખ રૂપિયા ચૂકવવાશે.

તમને જણાવી દઈએ કે ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકના પરિવારજનો પણ હાઇકોર્ટમાં અરજી દ્વારા નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. ઉપરાંત મૃતકોને 25 લાખ રૂપિયાનું વળતર તેમજ જવાબદાર કંપનીના લોકો સામે કાર્યવાહીની માંગ સાથે અન્ય એક અરજી પણ કરાઈ છે. જેની આજે હાઇકોર્ટમાં સુનાવણી થશે. આજે મોરબી ઝુલતા પુલના મેન્ટેનન્સ અંગેની આખી રેકોર્ડ ફાઈલ પણ કોર્ટમાં રજૂ કરાશે. માનવ અધિકાર પંચ તેમજ રાજ્ય સરકાર પોતાના સોગંદનામાં રજૂ કરશે.

ઉલ્લેખનિય છે કે 30 ઓક્ટબરે સાંજે 6 વાગ્યાની આસપાસ મોરબીનો ઝુલતો પુલ તૂટી પડતાં 135થી વધુ લોકોના મોત થયા હતા. નગરપાલિકાની લાપરવાહીના કારણે 140 લોકો મોતના મુખમાં હોમાઇ જતાં આ ઘટના પર અનેક સવાલ ઉઠી રહ્યાં છે. આ બ્રીજને રિનોવેટ કરીને ખુલ્લો મૂકાયાના ગણતરીના દિવસમાં જ તે તૂટી પડ્યો હતો.

આ પણ વાંચો :-