Saturday, Sep 13, 2025

હજી ચોમાસું ગયુ નથી, ગુજરાતના આ સુંદર ધોધને નિહાળવાની છેલ્લી તક ગુમાવતા નહિ

3 Min Read
  • વરસાદી મોસમમાં પ્રવાસીઓ માટે સૌથી મનમોહક સ્થળ એટલે વોટર ફોલ. ડુંગર અને પહાડોને ચીરીને આવતી નદીઓના ધોધ પ્રકૃતિપ્રેમીઓને ખુબ આકર્ષતા હોય છે.

વલસાડ જિલ્લાના કપરાડાના જંગલ વિસ્તાર તેની વનરાજી માટે જાણીતો છે. ગુજરાતના ચેરાપુંજી ગણાતા કપરાડામાં ચોમાસામાં દર વર્ષે ૧૨૫ ઈંચથી પણ વધારે વરસાદ નોંધાય છે. આ વર્ષે પણ કપરાડામાં ૧૨૦ ઈંચથી વધારે વરસાદ પડ્યો છે. જેના કારણે તાલુકાના તમામ નદીનાળામાં પાણીની ભરપૂર આવક થઈ છે. ત્યારે અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં કેટલાક વોટર ફોલ્સ પણ સક્રિય થયા છે. ત્યારે સિલધા પાસે આવેલ માઉલી વોટરફોલમાં પાણીની ભારે આવક થઈ છે.

સુંદર કળાએ ખીલેલો લુહાર માવલી ધોધનો અદભુત નજારો જોવા મળી રહ્યો છે. માવલી ધોધ પરથી વહી રહેલ પાણીનો સુંદર નજારો કોઈ પણ પ્રવાસીઓને આકર્ષે તેમ છે. વરસાદી માહોલમાં વાદળો વચ્ચે ઘેરાયેલો આ પ્રદેશ નયનરમ્ય નજારો હિલ સ્ટેશનની યાદ અપાવી રહ્યો છે.

કપરાડાના જંગલ વિસ્તારમાં આવેલ આ ધોધની આજુબાજુનો અદભુત નજારાની સાથે સાથે પ્રવાસીઓ આ ધોધથી અજાણ છે. જોકે પ્રવાસન વિભાગ આ સ્થળમાં થોડું વિકાસ કરે તે ખૂબ જરૂરી છે. જેના કારણે સ્થાનિક રોજગારી પણ મળી શકે તેવી સંભાવના જોવાઈ રહી છે. હાલ તો ગણ્યા ગાઠ્યાં સ્થાનિક લોકો આ ધોધની મજા માણી રહ્યાં છે.

કપરાડાના જંગલ વિસ્તારમાં અનેક રમણીય સ્થળો આવેલા છે. આ જંગલ વિસ્તારમાં ફરવાલાયક અનેક મનમોહક જગ્યાઓ આવેલી છે. ત્યારે સિલધા ગામના ડુંગરમાં આવેલ માઉલી ધોધ સોળે કળાએ ખીલ્યો છે. જોકે કમનસીબી એ છે કે, પ્રવાસીઓ માટે આ સ્થળ હજી અજાણ છે.

ધરમપુરના વિલસન હિલ પાસે આવેલ શંકર ધોધ કે પછી ડાંગનો ગીર ધોધ જેટલી પ્રસિદ્ધિ મળી છે તેવી પ્રસિદ્ધિ આ ધોધ ને મળી નથી. આ ધોધની ખાસિયત એ છે કે આ ધોધમાં છેક દિવાળી સુધી ભરપૂર પાણી રહે છે. આદિવાસીઓ માટે આ સ્થળ અતિ પવિત્ર છે. દિવાળી તેમજ હોળીના સ્થાનિક લોકો પૂજા અર્ચના પણ કરે છે.

કપરાડાના જંગલ વિસ્તારમાં રોજગારીનો અભાવ છે. ત્યારે ધરમપુરના વિલસન હિલનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે તેવો વિકાસ કપરાડાના આ સ્થળનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થાય તે પણ ખૂબ જરૂરી છે. આ ધોધની ખાસિયત એ છે કે તમામ ઉમરના લોકો આ ધોધમાં ન્હાવાની મજા માણી શકે છે.

રોડની નજીક આવેલ આ વોટરફોલ પ્રવાસીઓ માટે સુગમતા પૂરું પાડે છે. એક દિવસીય પીકનીક માટે આ ધોધ બેસ્ટ ડેસ્ટિનેશન બની જાય છે. જે પ્રકૃતિ પ્રેમીઓને આ સ્થળની જાણકારી છે તે લોકો અચૂક આ ધોધમી મજા માણી રહ્યાં છે. પરંતુ પ્રવાસન વિભાગ થોડોક વિકાસ આ ધોધ પર કરે તો પ્રવાસીઓ માટે અચૂક યાદગાર સંભારણું બની શકે તેમ છે.

આ પણ વાંચો :-

Share This Article