Sunday, Mar 23, 2025

મિથુન ચક્રવર્તીને દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવશે, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત

3 Min Read

પીઢ અભિનેતા મિથુન ચક્રવર્તીના નામ પર વધુ એક સિદ્ધિ જોડાઈ ગઈ છે. તેમને દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કરીને આની જાહેરાત કરી છે. મિથુનને આ એવોર્ડ નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહમાં આપવામાં આવશે. આ એવોર્ડ સમારોહ 8 ઓક્ટોબર 2024 ના રોજ આયોજિત કરવામાં આવશે.

મિથુન ચક્રવર્તી, જેમને મિથુન દા તરીકે પણ ઓળખવામાં આવે છે, તેઓ એક પ્રતિષ્ઠિત ભારતીય અભિનેતા, નિર્માતા અને રાજકારણી છે, જેમને તેમની બહુમુખી ભૂમિકાઓ અને વિશિષ્ટ નૃત્ય શૈલી માટે ઓળખવામાં આવે છે. તેમણે પોતાની ફિલ્મોમાં વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવી છે, જેમાં એક્શનથી ભરપૂર પાત્રોથી લઈને માર્મિક નાટકીય અભિનય સુધી સામેલ છે.

Mithun Chakraborty to receive Dadasaheb Phalke Award for contribution to Indian cinema - IndiaPost NewsPaper

મંત્રીએ જણાવ્યું કે એક સાધારણ પરિવારથી લઈને એક જાણીતા ફિલ્મ આઈકોન બનવા સુધી મિથુન ચક્રવર્તીની સફર આશા અને દ્રઢતાની ભાવનાને દર્શાવે છે, જે તે પુરવાર કરે છે કે જુસ્સા અને સમર્પણ સાથે, કોઈ પણ વ્યક્તિ પોતાના સૌથી મહત્વાકાંક્ષી સપનાંને પણ પ્રાપ્ત કરી શકે છે. તેમના સમર્પણ અને સખત મહેનતે તેમણે મહત્વાકાંક્ષી અભિનેતાઓ અને કલાકારો માટે રોલ મોડેલ બનાવ્યા છે.

16 જૂન, 1950ના રોજ પશ્ચિમ બંગાળના કોલકાતામાં જન્મેલા ગૌરાંગ ચક્રવર્તીએ પોતાની પહેલી જ ફિલ્મ “મૃગયા” (1976)માં શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મેળવ્યો હતો. પ્રતિષ્ઠિત ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (એફટીઆઇઆઇ)ના ભૂતપૂર્વ વિદ્યાર્થી મિથુન ચક્રવર્તીએ તેમની કળાનું સન્માન કર્યું હતું અને સિનેમામાં તેમની ઝળહળતી કારકિર્દીનો પાયો નાંખ્યો હતો.

મૃણાલ સેનની ફિલ્મમાં તેમના સંથાલ બળવાખોરની ભૂમિકા ભજવવા માટે તેમને રાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મળી. મિથુને 1980ના દાયકામાં “ડિસ્કો ડાન્સર” (1982)માં તેમની ભૂમિકાથી નોંધપાત્ર લોકપ્રિયતા મેળવી હતી, આ એક એવી ફિલ્મ હતી જેણે ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી સફળતા મેળવી હતી, જેને તેને એક ડાન્સિંગ સનસની તરીકે સ્થાપિત કર્યા હતા. ડિસ્કો ડાન્સર (1982)માં તેમની આઇકોનિક ભૂમિકા સાથે તેઓ ઘરે ઘરે પ્રસિદ્ધ થઈ ગયા, આ એક એવી ફિલ્મ હતી જેમાં તેમની અસાધારણ નૃત્ય કુશળતા દર્શાવવામાં આવી હતી એટલું જ નહીં, પરંતુ ભારતીય સિનેમામાં ડિસ્કો સંગીતને પણ લોકપ્રિય બનાવ્યું હતું. અગ્નિપથમાં તેમના અભિનયથી તેમને 1990માં શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.

બાદમાં તેમણે તહદર કથા (1992) અને સ્વામી વિવેકાનંદ (1998)માં પોતાની ભૂમિકાઓ માટે વધુ બે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો જીત્યા હતા. પોતાની વિસ્તૃત કારકિર્દી દરમિયાન મિથુને હિન્દી, બંગાળી, ઓડિયા, ભોજપુરી અને તેલુગુ સહિત વિવિધ ભારતીય ભાષાઓની 350થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓ એક્શનથી માંડીને ડ્રામા અને કોમેડી સુધીના વૈવિધ્યસભર અભિનય માટે જાણીતા છે, અને તેમણે અનેક પુરસ્કારો જીત્યા છે, જેમાં શ્રેષ્ઠ અભિનેતા માટેના ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો :-

Share This Article