કદાચ નરેશ પટેલને એ ખબર હશે જ કે દિલ્હી કરતાં ખોડલધામની ગાદી વધુ શક્તિશાળી છે
અપવાદરૂપ ઘટનાઓ સિવાય ક્યારેય કોઇ ધાર્મિકગાદીનો વડો સક્રિય રાજકારણમાં જોડાયો નથી, પરંતુ રાજકારણીઓને હંમેશા લાઇનમાં ઊભા રાખ્યા હશે
રાજકીયપક્ષોને નરેશ પટેલમાં જરા પણ રસ નહોતો, પરંતુ તેમની સાથેનો પાટીદાર સમાજ અને ખોડલધામના શ્રધ્ધાળુઓના મતો જોઇતા હતા
નરેશ પટેલ રાજકીય પ્રભાવમાંથી બહાર આવશે તો અનેકને ‘કીંગ’ બનાવી શકશે, ઉપરાંત પોતાનો પ્રભાવ વધુ ઊભો કરી શકશે
ગામ આખાને ચકરડે ચઢાવીને નરેશ પટેલે આખરે અપેક્ષા મૂજબ રાજકારણમાં જોડાવાના મામલે હાથ અધ્ધર કરી દીધા છે. હકીકતમાં પહેલાથી જ નક્કી હતું કે નરેશ પટેલ રાજકારણમાં નહીં જોડાય પરંતુ સામાજિક સરવેના નામે રાજકીય પક્ષોને ઉલ્લુ બનાવી રહ્યા હતા. જે માણસ રાજકારણમાં જોડાવાનો હોય એ પોતાના સમાજને એટલા માટે પુછવા જવાનો નથી. કારણ કે રાજકારણ કોઇ એક સમાજ ઉપર નિર્ભર નથી. પરંતુ દિવસો સુધી રાજકીય પક્ષોને રમાડનાર નરેશ પટેલ એક ખંધા રાજકારણી કરતા પણ વધુ ગણતરી બાજ છે એવું પુરવાર કરી બતાવ્યું છે. વળી તેમના આખા ડ્રામા દરમિયાન ખોડલધામ હંમેશા કેન્દ્રમાં રહ્યું હતું અને મોટાભાગની બેઠકો ખોડલધામમાં જ કરવામાં આવી હતી.
નરેશ પટેલે એવો રાજકીય મધપુડો તૈયાર કર્યો હતો કે ભાજપ, કોંગ્રેસ અને આપ સહિતના બધા જ પક્ષો એવું માની રહ્યા હતા કે નરેશ પટેલ તેમની સાથે આવી જશે તો રાજકીય જંગ જીતી જવાશે. અલબત આ વાસ્તવિકતા નથી તેમ છતા રાજકીય પક્ષના નેતાઓ પણ એક ચોક્કસ ભ્રમણાની માયાજાળમાં ફસાઇ ગયા હતા. રાજકીય નેતાઓ ખોડલધામમાં ખોડિયાર માતાને બદલે નરેશ પટેલના દર્શન કરવા લાઇન લગાવતા જોવા મળ્યા હતા અને વળી નરેશ પટેલે પણ મહિનાઓ સુધી બધાને જ ઉલ્લુ બનાવ્યા હતા. નરેશ પટેલ જે રીતે સમય પસાર કરી રહ્યા હતા એ જોતા ચોક્કસ એમ લાગતું હતું કે તેઓ ક્યારેય પણ રાજકારણમાં નહી જોડાય.
અને હકીકત પણ એ છે કે નરેશ પટેલ સક્રિય રાજકીય જીવનમાં આવશે તો આજે તેમનો જેટલો માન, મોભો છે કદાચ એટલો પણ નહીં રહે કારણ કે આજે તેઓ પાટીદાર સમાજ ઉપરાંત એક ધાર્મિક સંસ્થાના વડા હોવાના નાતે લોકો અને રાજકીયપક્ષો તેમને આદર આપી રહ્યા છે. સ્વભાવિક છે કે રાજકીયપક્ષોને નરેશ પટેલ કરતા તેમની સાથે જોડાયેલા પાટીદાર મતદારોની વધુ ગરજ હોવાથી દરેક નરેશ પટેલને પોતાની છાવણીમાં ખેંચવાના પ્રયાસો કરી રહ્યા હતા.
ખેર, નરેશ પટેલનો રાજકારણમાં નહી જોડાવાનો નિર્ણય ચોક્કસ યથાયોગ્ય ગણી શકાય આ નિર્ણયથી ખોડલધામના વડા તરીકેની તેમની પ્રતિષ્ઠા અને પદ બન્ને વધુ ઉજળા બનશે. પરંતુ તેમનામાં છુપાયેલો ‘રાજકીય જીવ’ શાંત નહીં થાય તો આજે નહીં તો કાલે નરેશ પટેલ પક્ષપાતનો ચોક્કસ શિકાર બની જશે કારણ કે રાજકીયપક્ષોને ચૂંટણીના સમયે જ ધાર્મિક અને સામાજિક નેતાઓની તરફદારીની જરૂર હોય છે. ચૂંટણી પતી ગયા પછી કોઇપણ સામાજિક, ધાર્મિક કે અન્ય સંસ્થાઓના વડા શાસકોની આગળ, પાછળ ચક્કર કાપતા હોવાના દ્રષ્યો નવાઇ પામવા જેવા નથી.
ખરેખર તો ખોડલધામની ગાદી રાજકીય પક્ષો કરતા વધુ મહત્વની અને કિંમતી છે અને એટલે જ રાજકીય આગેવાનો નરેશ પટેલને મળવા માટે ચક્કર કાપતા હતા. નરેશ પટેલે ‘કિંગ’ બનવા કરતા ‘કિંગ મેકર’ બનવાની જરૂર છે. તેઓ રાજકીયપક્ષોના પ્રભાવથી પોતાની જાતને દૂર રાખી શકશે તો ચોક્કસ તેમની ભલામણથી ઘણાને કિંગ બનાવી શકશે. અપવાદરૂપ સિવાય અત્યાર સુધીમાં કોઇ ધાર્મિક સંસ્થાના વડા સક્રિય રાજકારણમાં જોડાયા હોવાનુ યાદ નથી પરંતુ ધાર્મિક સંસ્થાના વડાના કહેવાથી ઘણા લોકો રાજકીય કારકિર્દીમાં મહત્વના પદો મેળવવામાં સફળ રહ્યા છે.
હકીકતમાં નરેશ પટેલને પોતાની વેલ્યુ સમજવાની જરૂર છે. આજે સર્વસમાજના લોકો તેમનો આદરભાવ કરે છે તેમને પગે લાગે છે કારણ કે તેઓ ખોડલધામના ગાદીપતી છે આ ગાદી દિલ્હીની ગાદી કરતા પણ વધુ કિંમતી અને વધુ શક્તિશાળી છે. બસ આટલી વાત નરેશ પટેલ અને તેમના સમર્થકોને જે દિવસે સમજાઇ જશે એ દિવસે રાજકીય મહારથીઓ પણ નરેશ પટેલના આશીર્વાદ (શુભેચ્છા) મેળવવા લાઇનમાં ઉભા હશે.