ગાંધીનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ વાતાવરણમાં સંપન્ન કરાવવા માટે પોલીસ પ્રશાસને કમર કસી છે. આજ સાંજથી જ સમગ્ર જિલ્લામાં સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈ પણ અનિચ્છનીય ઘટનાને રોકવા અને મતદારો નિર્ભય થઈને મતદાન કરી શકે તે માટે પોલીસ દ્વારા હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જિલ્લામાં 1,500 પોલીસ જવાનો અને 1,000 હોમગાર્ડ-જીઆરડી ના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષા વ્યવસ્થાના સીધા મોનિટરિંગ માટે 150 જેટલા પીઆઈ (PI), ડીવાયએસપી (DySP) અને એસપી (SP) કક્ષાના ઉચ્ચ અધિકારીઓ મેદાનમાં ઉતરશે. ખાસ કરીને 8 ડીવાયએસપી સહિત એલસીબી અને એસઓજીની ટીમો પણ સતત વોચ રાખશે.
જિલ્લામાં કુલ 210 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. આ મથકો પર કોઈ ગરબડ ન થાય તે માટે વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત, સમગ્ર જિલ્લામાં ચૂંટણીલક્ષી ગરબડ અને આચારસંહિતાના ભંગને રોકવા માટે 57 પોલીસ મોબાઈલ વાન સતત પેટ્રોલિંગ કરશે. દરેક તાલુકા મથકે સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યા છે, જ્યાં મતદાન બાદ EVM મશીનોને ચુસ્ત સુરક્ષા વચ્ચે રાખવામાં આવશે.
ચૂંટણીને શાંતિપૂર્ણ રીતે યોજવા માટે છેલ્લા 25 દિવસમાં પોલીસે આક્રમક અભિગમ અપનાવ્યો છે. અત્યાર સુધીમાં 5,000 લોકોની અટકાયત કરવામાં આવી છે અને અંદાજે 1,000 જેટલા પરવાનાવાળા હથિયારો જમા લેવામાં આવ્યા છે. અસામાજિક તત્વોને કાબૂમાં રાખવા માટે 10 લોકો સામે પાસા (PASA) અને 6 શખ્સોને તડીપાર કરવાની કાર્યવાહી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.
પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ ડર વગર બહાર આવે અને લોકશાહીના આ પર્વમાં ભાગ લઈને વધુમાં વધુ મતદાન કરે. સુરક્ષાના તમામ પાસાઓને ધ્યાને રાખીને પોલીસ સજ્જ છે અને કોઈ પણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા જણાવાયું છે.