શું સંયુક્ત રાષ્ટ્ર (UN) માત્ર પુસ્તકોમાં જ શક્તિશાળી છે, અને વાસ્તવિકતામાં ‘શોલે’ ના ઠાકુર જેવું લાચાર છે? વૈશ્વિક રાજનીતિ અને યુદ્ધના માહોલ વચ્ચે, ભારતમાં સ્થિત ઈરાની દૂતાવાસે કૂટનીતિનો એક નવો જ અને મજેદાર રસ્તો અપનાવ્યો છે. ઈરાને હોલીવુડના સુપરહીરો ‘ડૉક્ટર સ્ટ્રેન્જ’ અને બોલીવુડની આઇકોનિક ફિલ્મ ‘શોલે’ ના પાત્ર ‘ઠાકુર’ નો ઉપયોગ કરીને સંયુક્ત રાષ્ટ્રની નિષ્ફળતા પર આકરો કટાક્ષ કર્યો છે. આ ‘મીમ ડિપ્લોમસી’ હાલ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી રહી છે.
ડૉક્ટર સ્ટ્રેન્જ અને ઠાકુરની સરખામણી શા માટે?
ઈરાની દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક મીમ શેર કર્યું છે. આ મીમમાં બે તસવીરો છે. પ્રથમ તસવીરમાં માર્વેલ સિનેમેટિક યુનિવર્સના સુપરહીરો ‘ડૉક્ટર સ્ટ્રેન્જ’ ને તેના અનેક હાથો સાથે દર્શાવવામાં આવ્યો છે, જેની ઉપર લખ્યું છે: “શાળાના પુસ્તકો મુજબ UN”. આ તસવીર એવું દર્શાવે છે કે પુસ્તકોમાં સંયુક્ત રાષ્ટ્રને અનેક મોરચે એકસાથે કામ કરી શકતી સર્વશક્તિમાન સંસ્થા તરીકે ભણાવવામાં આવે છે.
બીજી તરફ, મીમના બીજા ભાગમાં 1975ની બ્લોકબસ્ટર હિન્દી ફિલ્મ ‘શોલે’ ના પ્રખ્યાત પાત્ર ‘ઠાકુર બલદેવ સિંહ’ (સંજીવ કુમાર) ની તસવીર મૂકવામાં આવી છે. ફિલ્મમાં વિલન ગબ્બર સિંહ દ્વારા ઠાકુરના બંને હાથ કાપી નાખવામાં આવે છે. આ તસવીર સાથે કેપ્શન છે: “વાસ્તવિકતામાં UN”. એટલે કે, ઈરાને એવો કટાક્ષ કર્યો છે કે જ્યારે ખરેખર વૈશ્વિક કટોકટી ઉકેલવાની વાત આવે છે, ત્યારે સંયુક્ત રાષ્ટ્ર ‘શોલે’ ના હાથ વગરના ઠાકુરની જેમ સાવ બેબસ અને લાચાર સાબિત થાય છે.
યુદ્ધ અને વૈશ્વિક કટોકટી વચ્ચે ‘મીમ ડિપ્લોમસી’
આ કટાક્ષ એવા સમયે આવ્યો છે જ્યારે ન્યૂયોર્કમાં 81મી યુએન જનરલ એસેમ્બલી (UNGA) ની બેઠક ચાલી રહી છે, જ્યાં દુનિયાભરના નેતાઓ શાંતિ મંત્રણા માટે ભેગા થયા છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષ દરમિયાન યુએન દ્વારા માત્ર શાંતિની અપીલ કરવામાં આવી હતી, પરંતુ યુદ્ધ રોકવામાં કોઈ ઠોસ પરિણામ મળ્યું ન હતું. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ પણ તાજેતરમાં અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા યુએન ચાર્ટરના કથિત ભંગ સામે સંયુક્ત રાષ્ટ્રની ઉદાસીનતાની આકરી ટીકા કરી હતી.
તાજેતરના મહિનાઓમાં ઈરાની દૂતાવાસો અને સરકારી અધિકારીઓએ કંટાળાજનક અને પરંપરાગત રાજદ્વારી ભાષાને બદલે મીમ્સ, ઇન્ટરનેટ હ્યુમર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને પોપ કલ્ચરનો મોટા પાયે આશરો લીધો છે. ભારતીય પ્રેક્ષકોના મનમાં પોતાની વાત ઉતારવા માટે હિન્દી સિનેમાના આ જાણીતા દ્રશ્યનો ઉપયોગ ઈરાનની સ્માર્ટ ‘મીમ ડિપ્લોમસી’ દર્શાવે છે. આ માત્ર એક રમૂજ નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય કટોકટીઓ ઉકેલવામાં વિશ્વની આટલી મોટી સંસ્થાની મર્યાદાઓ પર ઉઠાવેલો એક ગંભીર સવાલ છે.








