In Ahmedabad
- અમદાવાદમાં મેઘરાજા મહેરબાન થતા તંત્રની ખૂલી પોલ, રો઼ડ રસ્તા બેસી જવા-તૂટી ગયા હોવાનુ આવ્યુ સામે, એએમસીની પ્રિમોન્સૂન કામગીરી સામે સવાલ.
8 જુલાઇ, શુક્રવારે અમદાવાદમાં (Ahmedabad) અનરાધાર વરસાદ પડ્યો. મેઘરાજાએ તો 3 કલાકમાં આખુ અમદાવાદ પાણી પાણી કરી નાંખ્યુ. જો કે શહેરીજનો પણ કાગડોળે ધમાકેદાર વરસાદની રાહ જોઇ રહ્યા હતા. વાતાવરણમાં ઠંડકની લહેર ફરી વળી ગઇ, દાળવડાની (Dalwada) દુકાને લાંબી લાંબી લાઇનો લાગી ગઇ. પરંતુ સવાર પડતા જ જેવા પાણી ઓસર્યા કે તંત્રની પોલ ઉઘાડી પડી. એએમસીએ કરોડોના ખર્ચે કરેલો રોડ રસ્તાનો મેકઅપ ધોવાઇ ગયો અને જોવા મળ્યા મસમોટા ખાડા.
ધોધમાર વરસાદ પડે અને રોડ રસ્તા ન ધોવાય એવું કદી બને ખરુ ? અમદાવાદ ભલે સ્માર્ટ સિટી કહેવાતું પરંતુ વરસાદ તો તંત્રની પોલ ખોલીને જ રહે. અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારના આ દ્રશ્યો જોઇ શકો છો. પેટ્રોલ પંપ બહાર રસ્તો બેસી ગયો. લોકોનું કહેવુ છે કે થોડા સમય પહેલા જ તંત્ર દ્વારા આ રોડ બનાવવામાં આવ્યો હતો. પરંતુ પહેલા જ વરસાદમાં કરોડોના ખર્ચે બનાવેલા પોલા રસ્તા ખખડધજ બની ગયા. રસ્તા પરથી પોપડા ઉખડી ગયા, એટલે અંદાજો લગાવી શકાય છે કે રોડ રસ્તામાં વપરાયેલા મટીરિયલની ગુણવત્તા કેવી હશે.
એક તરફ કરોડોના ખર્ચે રોડ રસ્તાના ટેન્ડર પાસ કરવામાં આવે છે પરંતુ કામગીરીના નામે માત્ર પોપડા જોવા મળે છે. ત્યારે આવી હલકી ગુણવત્તાવાળી કામગીરી માટે જવાબદાર કોણ , તંત્ર કે પછી કોન્ટ્રાક્ટરો ? પ્રિ મોન્સૂન કામગીરીને લઇને મોટા મોટા બણગાં ફૂંકવામાં આવે છે પરંતુ વરસાદ પડતા આ વાતો પોલી સાબિત થાય છે. વળી વોટર કમિટીના ચેરમેન જતીન પટેલ એમ કહે છે સ્માર્ટ સિટી સ્માર્ટ સિટી એટલે સોનાના રોડ કે એવું નથી.
અરે સાહેબ, અમને રસ્તા સોનાના નથી જોઇતા પરંતુ સમયસર વેરો ભરવા છતાં અમને ટેમ્પરરી સુવિધા મળે તે શું કામનું ? ક્યાં જાય છે એ કરોડો રૂપિયા ? રોડ રસ્તા બન્યા પછી કેમ ગુણવત્તાની નથી કરાતી ચકાસણી ? શું કોન્ટ્રાક્ટ આપ્યો એટલે કામ પુરુ થઇ ગયુ ? ઠેર ઠેર આવા રોડ બેસી જશે, ઠેર ઠેર ખાડાઓ પડશે તો પછી શહેરીજનો કરશે શું ? વાહનચાલકોને પડતી મુશ્કેલીનું શું ? જો આવા ખખડધજ રસ્તાને કારણે કોઇએ જિંદગીથી હાથ ધોવાનો વારો આવશે તો જવાબદાર કોણ ? ત્યારે આવી સ્થિતિમાં તાત્કાલિક રોડ રસ્તાનું સમારકામ થાય તે હિતાવહ થઇ પડે છે .
આ પણ વાંચો –