વેપાર, ઉદ્યોગક્ષેત્રે આર્થિક સુધાર નહીં થાય તો અનેકની હાલત સંજય મોવાલિયા જેવી થશે

Share this story
  • ઘણાંની મુઠ્ઠી ખુલી ગઈ છે તો ઘણાંની બંધ છે,  પરંતુ આર્થિક કટોકટીનાં ભરડામાંથી કોઈ બહાર નથી.
  • અનેક બિલ્ડર્સ પાસે કરોડોની મિલક્તો ઊભી છે, પરંતુ ખરીદનાર કોઈ નથી, બેંકોનાં ચક્કરમાં ફસાયેલા લોકો પાસે હાથ અધ્ધર કરવા સિવાય કોઈ જ રસ્તો નથી.
  • સમાજમાં વકરી રહેલી ગુનાખોરી પાછળ પણ આર્થિક બેહાલી, મંદી જવાબદાર; કોઈને મફતનું જોઈતુ નથી પરંતુ પરિવાર ભૂખે મરતો હોય ત્યારે ‘મજબૂરી’ નહીં કરવાનાં કામો કરાવતી હોય છે.
  • ખુદ સરકાર પાછલાં ચાર વર્ષથી ૮૦ કરોડ લોકોને સાવ મફતમાં અનાજ પહોંચાડે છે, પરંતુ આ મફતનું ક્યાં સુધી આપી શકાશે, આવી સ્થિતિ કાયમ રહી તો દેવાળિયા જેવી સ્થિતિનું ‌સર્જન થઈ શકે.

સુરત શહેર અને સમગ્ર ગુજરાતમાં બેંકનાં લેણાં માટે ચર્ચાનો વિષય બનેલા રાજગ્રીન ગ્રુપનાં મુખ્ય ડિરેક્ટર સંજય મોવાલિયા સહિત સાથી ડિરેક્ટર્સે યુનિયન બેંકની ૧૭૦ કરોડ જેવી માતબર રકમ ચૂકવીને માર્કેટમાં પોતાની શાખ જાળવી રાખવા સાથે આર્થિક કટોકટીનાં સમયમાં નવો દાખલો બેસાડ્યો હતો. સંજય મોવાલિયા અને સાથી ડિરેક્ટર્સે યુનિયન બેંકમાંથી અમેઝિયા એમ્યુઝમેન્ટ પાર્ક, કલબ અને અડાજણ-પાલ વિસ્તારમાં આવેલા રાજહંસ સિનેમા ગૃહ ઉપર ધિરાણ મેળવ્યું હતું. પરંતુ સમયસર નાણાં નહીં ચૂકવી શકતા બેંકે ડિફોલ્ટર જાહેર કરવા સાથે કલેક્ટર મારફતે મિલકતો જપ્‍ત કરવાનાં હુકમ કર્યાં હતાં.

સંજય મોવાલિયા હજુ અન્ય ધિરાણનાં કેસમાં બેંકોએ કરેલી સીબીઆઇ તપાસની કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહ્યાં છે તથા બાકીનાં કેસમાં પણ ઝડપથી બહાર આવવાનો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પરંતુ એક કેસનો નિકાલ આવી જવાથી તેમની સામાજિક અને વ્યાપારિક પ્રતિષ્‍ઠા પુનઃ સ્થાપિત થવાની આશા બંધાઈ રહી છે.

‌બિલ્ડીંગ

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતનાં મગોબ-ડુંભાલ વિસ્તારમાં સાકાર કરવામાં આવેલા આંતરરાષ્ટ્રીય કક્ષાનાં અમેઝિયા વોટર પાર્ક અને કલબનું વડાપ્રધાન મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ઉદ્‍ઘાટન કર્યું હતું. આ ઉપરાંત હાલમાં સુરતમાં ઉચ્ચ શિખરે વેપારી અને સામાજિક શાખ ધરાવતા જયેશ દેસાઈ (રાજહંસ દેસાઈ જૈન ગ્રુપ) એ સમયે સંજય મોવાલિયાની સાથે હતા. પરંતુ સમય જતાં બંનેએ અલગ અલગ પેઢીઓ શરૂ કરી હતી. જયેશ દેસાઈનાં છુટા પડ્યા બાદ સુરતનાં યુવાન અને હોનહાર બિલ્ડર્સ ‘ગ્રીન ગ્રુપ’વાળા અલ્પેશ કોટડિયા અને સંજય મોવાલિયાએ સાથે મળીને ‘રાજગ્રીન’ ગ્રુપ નામની નવી પેઢી બનાવીને એમ્યુઝમેન્ટ પાર્ક, કલબ, થિયેટર્સ અને બાંધકામ ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. કદાચ જયેશ દેસાઈ અને સંજય મોવાલિયા છુટા પડ્યા નહીં હોત તો આજે સ્થિતિ જુદી હોત.

પરંતુ સંજય મોવાલિયા અને અલ્પેશ કોટડિયાની પેઢી ‘રાજગ્રીન’ ગ્રુપને નસીબે સાથ આપ્યો નહોતો. ઉપરાંત વૈશ્વિક આર્થિક મંદીમાં ‘રાજગ્રીન’ ગ્રુપ બેંકોના હપ્‍તા નહીં ભરી શકતા બેંકોનાં કાયદાનાં ચક્કરમાં ફસાયું હતું અને બનતું આવ્યું છે તેમ બેંકોએ વસૂલાતની કાર્યવાહી હાથ ધરીને મિલકતો જપ્‍ત કરવા સુધીની કાર્યવાહી કરતાં ‘રાજગ્રીન’ ગ્રુપની શાખને મોટો ધક્કો પહોંચ્યો હતો. ઉપરાંત ચારેતરફનાં આર્થિક વહેવારો બંધ થઈ ગયા હતા. મિલકતો હતી પરંતુ ખરીદદાર કોઈ જ નહોતું. માત્ર ‘રાજગ્રીન’ ગ્રુપ જ નહીં શહેરનાં, રાજ્યનાં અને દેશનાં એક નહીં અનેક બિલ્ડર્સ કંપનીઓ બેંકો સહિતનાં આર્થિક વહેવારોની કટોકટી અને બેંકોની વસૂલાતનો સામનો કરી રહ્યાં છે. કેટલાંકની મુઠ્ઠી બંધ છે તો કેટલાંકની મુઠ્ઠીઓ ખુલી ગઈ હોવાથી વેપારી શાખ ગુમાવી બેઠા છે. કરોડોની મિલકતો છે, પરંતુ રૂપિયા નથી.

સુરતમાં સંજય મોવાલિયા જેવા ઘણાં ઉદ્યોગકારો, બિલ્ડર્સ છે, જેની હાલત આર્થિક રીતે ઘેરાઈ ગયેલા જેવી છે. બની શકે કે, માર્કેટનાં પ્રવાહને ઓળખવામાં આ લોકો કાચા પડ્યાં હશે અથવા તો વધારે પડતુ આર્થિક જોખમ લઈ બેઠા હશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે, એકસોમાંથી નેવું ટકા ઉદ્યોગકારોની હાલત સંજય મોવાલિયા કરતાં વિશેષ સારી નથી. આર્થિક વહેવાર જળવાઈ રહ્યાં હોવાથી બધા તમાચો મારીને ગાલ લાલ રાખી રહ્યાં છે.

આ વાત બેંકો અને સરકાર પણ જાણે છે, પરંતુ કોરોનાની મહામારી અને આર્થિક મંદીએ બધાને ‘સંવેદનહીન’ બનાવી દીધા છે. કોઈ કોઈને મદદ કરવા રાજી નથી અને મદદ કરવાની ઈચ્છા હોય તો પણ કરી શકે તેમ નથી.

નોટબંધી પહેલાં જ્યાં માંગો ત્યાં રૂપિયા ભરેલા થેલા મળી જતાં હતાં. આંગડિયાની પેઢીઓ રૂપિયા ભરેલા થેલાથી ઉભરાતી હતી. ઘણાં લોકો તો પડોશીને ત્યાં થેલા મુકી આવતાં હતાં, પરંતુ હવે થેલાની વાત છોડો ખાલી થેલી લેવાનાં પણ લોકો પાસે રૂપિયા નથી!

એક વાત ચોક્કસ છે કે, બદલાયેલી સ્થિતિમાં કેટલાંક મુઠ્ઠીભર લોકો વધુ માલદાર બન્યા છે.

આ મુઠ્ઠીભર લોકો આજે પણ રૂપિયાની પથારીમાં આળોટી રહ્યાં હશે, પરંતુ બીજી તરફ ખુબ મોટા વર્ગ માટે ઘરમાં અનાજ-પાણી ભરાવવાની પણ ચિંતા કોરી ખાય છે અને એટલે જ રોજેરાજ આપઘાતનાં બનાવો વધી રહ્યાં છે. ગરીબો અને મજબૂર લોકો પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે થઈને ગુનાખોરી તરફ ધસી રહ્યાં છે. સજજન સમાજનાં લોકોને ગુનાખોરી કરવી નથી. શ્રમજીવી સમાજને મહેનતનું મળતુ હોય તો મફતનું જોઈતું નથી. પરંતુ દિવસે દિવસે પરિસ્થિતિ એટલી હદે વણસી રહી છે કે, ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકો પણ ગુનાખોરી તરફ વળી રહ્યાં છે. અનેક યુવાનો વિદેશમાં જવા ઈચ્છે, પરંતુ રૂપિયા નથી.

કેન્દ્ર સરકાર પાછલાં ચાર વર્ષથી દેશનાં ૮૦ કરોડ લોકોને મફતમાં અનાજ પહોંચાડી રહી છે. સદ્નસીબે કેન્દ્ર સરકારે કરેલા નિર્ણયથી કરોડો લોકોનાં પેટની આગ શાંત થવા સાથે જીવી ગયા હશે. પરંતુ આવી સ્થિતિ ક્યાં સુધી ચાલશે? સરકાર ક્યાં સુધી મફત અનાજ આપશે? દેશનાં વેપાર, ઉદ્યોગ, રોજગાર, ખેતીવાડી સહિત આર્થિક મોરચે સાર્વત્રિક સુધારો નહીં થાય ત્યાં સુધી સંજય મોવાલિયા જેવા અનેક ઉદ્યોગપતિઓ બેંકનાં ડિફોલ્ટર બનતા રહેશે અને એક દિવસ સમાજનો ખુબ મોટો વર્ગ આર્થિક મોરચે ડિફોલ્ટર હશે.