રાજકોટ જિલ્લામાં હાર્ટ એટેકે પાંચ લોકોને ભોગ લીધો

Share this story

ગુજરાતના રાજકોટ જિલ્લામાં હાર્ટ એટેકથી પાંચ લોકોના મૃત્યુ થયા છે. જેમાં રીબડાના કારખાનામાં યુવાન, જસદણનાં ખડવાવડીમાં આધેડ, નવાગામમાં મુળ બંગાળના યુવકનું અને રણુજાનગર કવાર્ટરમાં એક મહિલા અને અવધના ઢાળીયા પાસે આધેડનો સમાવેશ થાય છે. રાજકોટનાં રણુજાનગરમાં રહેતા દયાબેન હકાભાઈ સોરાણી નામના મહિલા ગઈકાલે લાપાસરી ગામે મનોજભાઈની વાડીએ બેભાન થઈ જતાં તેમનું મોત નિપજ્યું હતું. તેમના પરિવારે જણાવ્યું હતું કે, દયાબેનને બે મહિનાથી તાવ આવતો હતો તેમની સિવિલની દવા ચાલુ હતી તેમને સંતાનમાં બે દીકરા અને બે દીકરી છે. તેમને હાર્ટએટેક આવ્યાની શક્યતા છે.

બીજા બનાવમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે નવાગામમાં રહેતો છોટાન જતાભાઈ ડોલાવ મુળ બંગાળી યુવક મોડીરાત્રે ત્રણેક વાગ્યે બેભાન થઈ જતાં તેમને હોસ્પિટલે ખસેડવામાં આવતાં તેમને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતાં. રાજકોટના કાલાવડ રોડ ઉપર અવધના ઢાળીયા પાસે આવેલ પરિશ્રમ કો.ઓપ.હાઉસિંગ સોસાયટીમાં રહેતા ભુપત બ્રહ્મજાદવ રાજપૂતને રાત્રે સૂતા બાદ આજે વહેલી સવારે તેના પરિજનોએ ઉઠાડતા તેઓ જાગ્યા ન હતા જેથી તેમને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ તેમને હાર્ટ એટેકથી મૃત જાહેર કર્યા હતા.

જસદણના ખડવાવડીમાં રહેતા ખોડા બિજલભાઈ મેર નામનો આધેડ વાડીએ કામ કરતાં કરતાં અચાનક બેભાન થઈ જતાં તેમને સારવાર માટે સિવિલ લઈ જવાતાં ત્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતાં. તેમને સંતાનમાં બે દીકરા ચાર દીકરી છે. પોતે એક ભાઈ બે બહેનમાં નાના હતાં. ઉપરોકત ચારેય વ્યક્તિનાં હાર્ટએટેકથી મોત નિપજતાં અરેરાટી મચી ગઈ છે. રીબડા હાઈવે પર આવેલા કારખાનામાં મજુરી કરતા મુળ બિહારના ધનંજયકુમાર અવતારામ યાદવ નામના યુવકનું છાતીમાં દુઃખાવો ઉપડતાં તેમનું મોત નિપજ્યું હતું. પોતે ત્રણ ભાઈ અને એક બહેનમાં નાનો હતો અને તેમજ સંતાનમાં બે દીકરા એક દીકરી છે. પોતે દોઢ મહિનાથી અહિં કામ કરવા આવ્યો હતો.

આ પણ વાંચો :-