હાર્દિકનો ભાજપ પ્રવેશ, ‘સોનાની થાળીમાં લોઢાની મેખ’, નેતાગીરીએ કોઈ મીર માર્યો નથી!

Share this story

Gujarat Guardian Nagar Charya by Manoj Mistry

આખરે હાર્દિક પટેલે ભાજપ સાથે નાતરું કરી લીધું અને ભાજપના નેતાઓએ પણ જાણે પરિવારમાં બત્રીસ લક્ષણા પુત્રનો અવતાર થયો હોય એમ ‌મિઠાઈ વહેંચીને આનંદોત્સવ મનાવ્યો. પરંતુ આ કુંવર કેટલા લક્ષણોનો છે તેનો આવનારા દિવસોમાં ખ્યાલ આવશે. હાર્દિકને કેસરિયા કરાવવા ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ જોડાય એ સ્વભાવિક છે, પરંતુ ભાજપના નીતિનકાકા પણ હોંશે હોંશે દોડી આવ્યા. આ થોડું અચરજ પમાડનારું હતું. રાજકીય પક્ષોમાં કોઈનું આવવું અને જવું હવે નવાઈ પમાડનારું રહ્યું નથી. કારણ કે, જ્યાં નૈતિકતા જ મરી પરવારી હોય ત્યાં આવી ઘટનાઓ સહજરીતે બનતી રહેવાની.

ગઈકાલ સુધી ભાજપ નેતાગીરીને ભાંડનાર, મહિલા મુખ્યમંત્રીની ગ‌િરમા સામે કાદવ ઉછાળનારને પચાવવો ભાજપ કાર્યકરો માટે મુશ્કેલ થઈ પડશે

સત્તાનો વિસ્તાર વધારી રહેલી ભારતીય જનતાપાર્ટીમાં પણ નૈતિક મૂલ્યોનું ધોવાણ થઈ રહ્યું છે અને વડાપ્રધાન મોદીએ હાથમાં સુકાન સંભાળ્યા પછી જાણે આખા માપદંડ બદલાઈ ગયા છે. મોદી માટે કોઈપણ ભોગે ભાજપના હાથમાં સત્તા રાખવાનું સર્વોપરી છે. કાશ્મીર સરકારમાં ભાગીદારી કરવા તદ્દન વિરોધી વિચારધારાની મુફતી મોહંમદની પાર્ટી સાથે કરેલી ભાગીદારી ભાજપની સત્તા લાલચાનું સૌથી મોટું ઉદાહરણ હતું.

કાશ્મીરમાં મુફતી સાથેનું રાજકીય નાતરું લાંબુ ચાલ્યું નહોતું, પરંતુ કાશ્મીરમાં ભાજપને લહેરાતો કરવાની તક મળી ગઈ હતી. આવી જ રીતે દેશના ઘણાં રાજ્યોમાં ભાજપે ગણતરીની એકાદ-બે સીટ સાથે પણ સત્તામાં ભાગીદારી કરીને આજે દેશના ઘણાં રાજ્યોમાં ભાજપના પ્રભુત્ત્વવાળી સરકારો હોવાનું ચિત્ર ઊભું કર્યું છે.

ભાજપ માટે પક્ષ કોઈપણ હોય સત્તામાં ભાજપની ભાગીદારી હોય તો કોઈની પણ સાથે રહેવામાં વાંધો નથી. ઉત્તરપ્રદેશમાં એક સમયે માયાવતી સાથે પણ ભાજપે ભાગીદારી કરી હતી. ખરેખર તો માયાવતી સાથેની ભાઈબંધીથી ભાજપને ઉત્તરપ્રદેશમાં ભાજપની સંપૂર્ણ બહુમતીવાળી સરકાર બનાવવામાં સફળતા મળી છે. અલબત્ત આજે માયાવતીની હાલત કેવી છે તેનો વિચાર કરવાની જરૂર નથી.

મોડે-મોડે માયાવતીને પણ આ વાત સમજાઈ હતી. પરંતુ અફસોસ કરવા સિવાય માયાવતી પાસે કોઈ સહારો નથી. સરેરાશ જોવામાં આવે તો ભાજપને સત્તા સિવાય કંઈ જ ખપતું નથી અને સત્તા માટે કોઈની પણ સાથે બેસવામાં આભડછેટ નથી. દુનિયાના બદનામ વ્યક્તિને પણ ભગવો પહેરાવવામાં વાંધો નથી.

અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે, ભાજપની માતૃસંસ્થા આરએસએસના મુખિયાનો ભાજપ ઉપર અંકુશ હતો, પરંતુ હવે ક્રમશઃ ચિત્ર બદલાઈ ગયું છે અને હવે ભાજપનો આરએસએસ ઉપર અંકુશ આવી ગયો છે એવું કહેવામાં ખોટું નથી. પહેલાં બધો કારભાર નાગપુરથી થતો હતો, હવે મોટાભાગના નિર્ણય દિલ્હીના દરબારમાંથી લેવાય છે.

નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તે દિવસથી ‘કોંગ્રેસ મુક્ત ભારત’ તેમનો નારો હતો. પરંતુ તે સમયે કોંગ્રેસીઓ મુછમાં હસતાં હતા. કોંગ્રેસ નેતાગીરીને નરેન્દ્ર મોદીની રાજકીય મુત્સદીનો અંદાજ નહોતો અને કોંગ્રેસ નેતાગીરી ઊંઘમાં જ ઘેરાઈ ગઈ. મોદીએ ચારેતરફથી ઘેરીને આગ લગાડતા આજે કોંગ્રેસીઓની હાલત તંબુમાં સળગી મરવા જેવી થવા પામી છે. કોંગ્રેસ માટે મોદી ખરેખર કાળ જેવા પુરવાર થઈ રહ્યાં છે. કેન્દ્રમાં સત્તા હાંસલ કર્યા બાદ એક-એક કોંગ્રેસીઓને ભયનો પરસેવો પડાવી રહ્યાં છે. કોણ ક્યારે અને ક્યાં કેસમાં સnAપડાઈ જશે તેનો કોઈને અંદાજ નથી. ઘણાંને તો રાતની ઊંઘમાં નરેન્દ્ર મોદી દેખાતા હશે!!

પરિણામે મોટાભાગના ખમતીધર કોંગ્રેસીઓ ક્રમશઃ ભાજપ તરફ સરકી રહ્યાં છે. ઘણાએ તો કેસરિયો પહેરીને પોતાની જાતને સલામત કરી લીધી છે. આનો મતલબ એવો નથી કે, આખી જી‍ંદગી કોંગ્રેસમાં કાઢનાર નેતાની વિચારધારા બદલાઈ ગઈ છે. પરંતુ ભાજપમાં શરણું મેળવીને ઘણાં લોકો પોતાના ભૂતકાળ ઉપર પડદો પાડી રાખવા પ્રયાસ કરી રહ્યાં છે.

અલબત્ત આ એક એક બાબતોથી નરેન્દ્ર મોદી બિલકુલ વાકેફ છે. નરેન્દ્ર મોદીને એ પણ ખબર છે કે, કોણ શા માટે ભાજપ તરફ ધસારો કરી રહ્યાં છે. પરંતુ આ બધાની વચ્ચે મોદી ‘કોંગ્રેસ મુક્ત ભારત’નું મિશન પાર પાડવામાં સફળ ખેલાડી પુરવાર થઈ રહ્યાં છે.

ખેર, વિતેલા એક દાયકાનો ભારતનો રાજકીય ઈતિહાસ તાજો છે. દેશના ભૂતકાળમાં ક્યારેય પણ આટલી મોટી રાજકીય ઊથલ-પાથલો થવા પામી નથી. કોઈ આગેવાન પક્ષ છોડવાની વાત કરે તો ભૂકંપ સર્જાવા જેવી હાલત થતી હતી. પરંતુ નરેન્દ્ર મોદીએ ભારતનો રાજકીય ઇ‌િતહાસ બદલી નાંખ્યો છે. આજે સ્થિતિ એવી છે કે, લોકો સવાર-સાંજ પક્ષ બદલી રહ્યાં છે અને છતાં શરમ સંકોચ જેવું કંઈ જ નથી.

સી. આર. પાટીલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે તેમણે એવી જાહેરાત કરી હતી કે, ભાજપને એકપણ કોંગ્રેસીની જરૂર નથી. અલબત્ત, સી. આર. પાટીલ નરેન્દ્ર મોદીને પુરેપુરા સમજી શક્યા નહીં હોય. આજે સ્થિતિ લોકોની નજર સામે છે. કોંગ્રેસીઓ લાઈન લગાવીને ઊભા છે અને ખુદ સી. આર. પાટીલ કોંગ્રેસીઓને ભાજપમાં આવકારી રહ્યાં છે! આ નરેન્દ્ર મોદીના એજન્ડાનું પરિણામ છે.

કદાચ, નરેન્દ્ર મોદીના ‘કોંગ્રેસ મુક્ત ભારત’ના અભિયાનનો એક ભાગ હશે, પરંતુ પક્ષમાં હાવી થઈ જશે તો બાવાના બેઉ બગડ્યાં જેવો ઘાટ થશે

હાર્દિક પટેલે કોંગ્રેસમાં રહીને અને પાટીદાર આંદોલન સમિતિ ‘પાસ’ના આગેવાન તરીકે નરેન્દ્ર મોદી અને ભાજપને ભાંડવામાં શું બાકી રાખ્યું હતું? અમિત શાહને જનરલ ડાયર કહ્યાં હતાં અને સાવ નિર્દોષ મુખ્યમંત્રી આનંદીબેનને ફોઈબા કહીને ઉશ્કેરણી કરવામાં કંઈ બાકી રાખ્યું નહોતું. હાર્દિક પટેલ અને પાટીદાર આંદોલનને કારણે મુખ્યમંત્રી આનંદીબેન ઉપરાંત પાટીદાર ધારાસભ્યોને બદનામ કરવામાં કોઈ કસર છોડી નહોતી. અમરેલીના દિલીપ સંઘાણી, મહેસાણાના રજની પટેલ, અમદાવાદના મહેશ કસવાળા, સાવરકુંડલાના વી.વી. વઘાસિયા ચૂંટણી હારી ગયા હતા અને આનંદીબેન પટેલને અડધી સરકાર મુકીને ગાદી છોડવાની ફરજ પડી હતી.

આંદોલનકારીઓને કારણે જ ૧૧ પાટીદાર યુવાનોએ શહીદ થવું પડ્યું હતું. અસંખ્ય યુવાનો સામે પોલીસ કરાયા હોવાથી આજે પણ કોર્ટ કેસનો સામનો કરી રહ્યાં છે. આ પૈકીના ઘણાં યુવાનોને વિદેશમાં અભ્યાસ માટે જવાનું પણ રખડી પડ્યું છે!

બીજી તરફ જાહેર અને ખાનગી સંપત્તિને કરોડોનું નુકસાન પહોંચ્યું હતું. પાટીદાર સમાજની ‘અનામત’ની માંગણી કદાચ વ્યાજબી હશે. પરંતુ એક સમાજની માંગણી માટે થઈને ગુજરાતનું જાહેર જીવન છીન્‍ન‌િભન્‍ન કરી નાંખનાર મુખ્ય ચહેરો હવે ભાજપનું અંગ બની ગયો છે. ગઈકાલ સુધી ભાજપ નેતાગીરીને બેફામ ગાળો ભાંડનાર આવતીકાલે ભાજપની આગલી હરોળની નેતાગીરીમાં બેસીને નિર્ણય કરતો હશે, એવું પણ બની શકે.

હાર્દિકના આવવાથી ભાજપના નહીં બલ્કે હાર્દિકના રાજકીય કદમાં વધારો થશે અને
વધારે ઘંમડી બનશે, હાર્દિકમાં એવું કોઈ જ કૌવત નથી કે ભાજપ નેતાગીરીએ આટલા માન, પાન આપવા પડે

અલબત્ત હાર્દિકના ભાજપ પ્રવેશથી એકપણ ભાજપ નેતા કે કાર્યકર ખુશ નહીં જ હોય. પરંતુ શિર્ષ નેતૃત્ત્વના નિર્ણય સામે મૌન રહેવા સિવાય કોઈ રસ્તો પણ નહીં હોવાથી આજે ચૂપ બેઠેલા કાર્યકરોના મનમાં ધુંધવાતી નારાજગી આવતીકાલે વિસ્ફોટક પણ બની શકે. કારણ કે, હાર્દિકને પચાવવાનું કાર્યકરો માટે ખુબ જ કપરું છે.

હાર્દિક પહેલા કોંગ્રેસમાંથી સ્વ.વિઠ્ઠલ રાદડિયા, પુત્ર જયેશ રાદડિયા, કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા સહિત ઘણાં ધૂરંધરોએ ભાજપમાં પ્રવેશ મેળવીને મંત્રી પણ બન્યા હતા. પરંતુ આ નેતાઓને ભાજપે અને કાર્યકરોએ સ્વીકારી લીધા હતા. થોડા મહિનાઓ પહેલા આખા મંત્રી મંડળનું વિસર્જન કરી દેવાયું ત્યારે આ લોકોએ પણ મંત્રીપદા ગુમાવ્યા હતા. પરંતુ કોઈએ પોતાની વ્યક્તિગત તાકાત હોવા છતાં બળવો કે નારાજગી વ્યક્ત કરી નહોતી.

હાર્દિક પહેલાં કોંગ્રેસમાંથી સ્વ. વિઠ્ઠલ રાદડિયા, પુત્ર જયેશ રાદડિયા, કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા વગેરે ઘણાં ખમતીધર નેતા ભાજપમાં આવ્યા પરંતુ આવા તાયફા કોઈએ પણ કર્યા નહોતા

હકીકત એ પણ છે કે, હાર્દિકમાં એવું કોઈ જ કૌવત નથી કે ભાજપ માટે જડીબુટ્ટી પુરવાર થઈ શકે. કોઈના માટે વ્યંગ કરવો કે ભાંડવા સિવાય હાર્દિકની કોઈ જ વિશેષતા નથી. હકીકતમાં એ પાટીદાર સમાજના નામે એક ચહેરો બની ગયો હતો. આનાથી વિશેષ હાર્દિક પટેલમાં એવું કોઈ કૌવત નથી કે, ભાજપને મોટો ફાયદો કરાવી શકે.
ખેર, કેન્દ્રીય નેતૃત્ત્વ એટલે કે નરેન્દ્ર મોદીની ઈચ્છા વગર હાર્દિકને ભાજપમાં પ્રવેશ અપાયો નહીં હોય, મતલબ કે હાર્દિકને ‘હીરો’ બનાવવા પાછળ નરેન્દ્ર મોદીનું કોઈ ચોક્કસ ગણિત હશે.

આનંદીબેન પટેલની સરકાર ઉથલાવવા પાછળના ઘણાં સમીકરણો હતા એમાં ‘પાસ’નું આંદોલન પણ નિમિત્ત હતું પરંતુ હાર્દિકે ભજવેલી ભૂમિકા દાયકાઓ સુધી યાદ રહેશે

Gujarat Guardian Nagar Charya by Manoj Mistry

ઇ-પેપર વાંચવા માટે અહિયાં ક્લિક કરો