ગુજરાત સરકારે ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં 30% વધારો કર્યો, જુઓ કોને કેટલો મળશે

Share this story

ગુજરાત સરકારના વિવિધ વિભાગમાં સરકારી નોકરી કરતા ફિક્સ પગારના કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. દિવાળી પહેલા ગુજરાત સરકાર ફિક્સ પેના કર્મચારીઓને મોટી ભેટ આપી છે. દિવાળી પહેલા સરકાર ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં ૩૦ ટકાના વધારાની જાહેરાત કરી છે. આપને જણાવી દઈએ કે, લાંબા સમયથી પગાર વધારો આપવાનો બાકી હતો

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના ફિક્સ પગારના તમામ કર્મચારીઓના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યના ફિક્સ-પગાર આધારિત ૬૧,૫૬૦ કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં 30 % જેટલો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની અમલવારી તા.૧ લી ઓક્ટોબર ૨૦૨૩ની અસરથી કરવામાં આવશે.

ગુજરાતના વિકાસમાં રાજ્યના કર્મચારીઓનો ખુબ જ મહત્વનો ફાળો રહ્યો છે. દરેક સરકારી યોજનાઓના અમલીકરણ તથા તેના પર યોગ્ય દેખરેખ થકી છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભ પહોંચાડવામાં કર્મચારીઓએ હંમેશા ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. ત્યારે દિવાળી પૂર્વે લેવામાં આવેલા આ નિર્ણય રાજ્યના પ્રત્યેક ફિક્સ પગારના કર્મચારીઓ તથા તેમના પરિવારજનો માટે ખુશીની લહેર લાવશે તેવો વિશ્વાસ મંત્રીએ વ્યક્ત કર્યો હતો.

આ નિર્ણયથી વર્ગ-૩ના ૪૪૦૦૦ ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. ૩૮,૦૯૦ થી વધીને રૂ. ૪૯,૬૦૦ થશે. ઉપરાંત વર્ગ-૩ ના ૪૨૦૦ અને ૨૮૦૦ ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. ૩૧,૩૪૦ થી વધીને રૂ. ૪૦,૮૦૦ થશે. વર્ગ-૩ ના ૨૪૦૦, ૨૦૦૦, ૧૯૦૦અને ૧૮૦૦ ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. ૧૯,૯૫૦ થી વધીને રૂ. ૨૬,૦૦૦ થશે. જ્યારે વર્ગ-૪ ના ૧૬૫૦,૧૪૦૦ અને ૧૩૦૦ ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. ૧૬,૨૨૪ થી વધીને રૂ. ૨૧,૧૦૦ થશે. આ નિર્ણયથી રાજ્ય સરકારની તિજોરી પર વાર્ષિક રૂ.૫૪,૮૬૪ કરોડ રૂપિયાનું ભારણ વધશે.

આ પણ વાંચો :-