હસનલ બોલ્કિયા કે જેની પાસે છે 7000 કાર અને 2550 કરોડનો મહેલ , જાણો કોણ છે આ વ્યક્તિ 

Share this story

Hasanal Bolkia who

  • દરેક વ્યક્તિ વધારે પૈસા કમાવા અને વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં આવવા માંગે છે પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેઓ રાજ કરવા માટે જ જન્મ લેતા હોય છે અને આલિશાન મહેલો અને કારનો આનંદ માણે છે.

બ્રુનેઈ

સંપત્તિનો (Property) ખરો અર્થ તો એ જ છે કે પૈસા બંને હાથે ખર્ચવા જોઈએ. આવા લોકો બહુ ઓછાં છે અને તેમાંથી એક છે હસનલ બોલ્કિયા (Hasanal Bolkia). વિશ્વના ઘણા દેશોમાં રાજાશાહી ખતમ થઈ ગઈ છે, પરંતુ હજુ પણ એવા ઘણા દેશો છે જ્યાં રાજાઓ સત્તા પર છે. એશિયાઈ દેશ બ્રુનેઈ (Asian country Brunei) તેમાંથી એક છે જેના પર સુલતાનનું શાસન છે અને હસનલ બોલ્કિયા અહીંના સુલતાન (Sultan) છે.

બ્રુનેઈના 75 વર્ષીય સુલતાન હસનલ બોલ્કિયાનો જન્મ 15 જુલાઈ, 1946ના રોજ સુલતાન ઓમર અલી સૈફુદ્દીનના ત્રીજા પુત્ર તરીકે થયો હતો. સુલતાન ઉમર અલી સૈફુદ્દીનને ઘણી પત્નીઓ ઉપરાંત 10 બાળકો, છ પુત્રીઓ અને ચાર પુત્રો હતા. પરંતુ તેણે નાની ઉંમરે જ બોલ્કિયાને તેના અનુગામી તરીકે પસંદ કર્યા. હસનલ બોલ્કિયાએ કુઆલાલંપુર, મલેશિયામાં વિક્ટોરિયા ઇન્સ્ટિટ્યુશન અને ઇંગ્લેન્ડના સેન્ડહર્સ્ટમાં રોયલ મિલિટરી એકેડમીમાં અભ્યાસ કર્યો. હસનલ બોલ્કિયાને ત્રણ પત્નીઓ સાથે પાંચ પુત્રો અને સાત પુત્રીઓ છે.

4 ઓક્ટોબર, 1967 ના રોજ, તેમના પિતાની નિવૃત્તિ પછી પ્રિન્સ હસનલ બોલ્કિયા સુલતાનની ગાદી પર બેઠા. 1 ઓગસ્ટ, 1968ના રોજ તેમનો રાજ્યાભિષેક થયો હતો. હસનલ બોલ્કિયાની ગણતરી વિશ્વના સૌથી ધનિક સુલતાનોમાં થાય છે. તેઓ 1980 સુધી વિશ્વના સૌથી અમીર વ્યક્તિ હતા. એક અહેવાલ મુજબ, હસનલ બોલ્કિયા પાસે 14,700 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે, તેલ ભંડાર અને કુદરતી ગેસમાંથી તેમની આવક સૌથી વધારે થતી હોય છે.

સેલિબ્રિટી નેટ વર્થ અનુસાર, હસનલ બોલ્કિયા 30 બિલિયન ડૉલરની અંદાજિત નેટવર્થ સાથે વિશ્વના સૌથી ધનિક રાજવીઓમાંના એક છે. ઈન્ડોનેશિયા, મલેશિયા, વિયેતનામ અને થાઈલેન્ડ પછી દક્ષિણપૂર્વ એશિયામાં બ્રુનેઈ પાંચમું મુખ્ય તેલ ઉત્પાદક છે. ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસની નિકાસે સુલતાન હસનલ બોલ્કિયાને વિશ્વના સૌથી ધનિક લોકોમાં સ્થાન આપ્યું છે. ફોર્બ્સે 1988માં સુલતાન બોલ્કિયાને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકે સ્થાન આપ્યું હતું.

બોલ્કિયા પાસે ખુબ સારા પ્રમાણમાં પૈસા છે. તેમની પાસે કારનું પણ સારું કલેક્શન છે. બ્રુનેઈના સુલતાન પાસે સોનાની પ્લેટેડ રોલ્સ રોયસ સહિત દુર્લભ કારનો વિશ્વનો સૌથી મોટો સંગ્રહ છે. એક અહેવાલ મુજબ, બોલ્કિયા લગભગ 7,000 કારની માલિકી ધરાવે છે, જેની કિંમત યુએસ $5 બિલિયનથી વધુ હોવાનો અંદાજ છે. બ્રુનેઈના સુલતાન પાસે 500 રોલ્સ રોયસ અને 300 ફેરારી છે. એક અહેવાલ મુજબ, બ્રુનેઈના સુલતાન પાસે લક્ઝરી સુવિધાઓથી સજ્જ ઘણા ખાનગી જેટ છે. તેમની પાસે બોઇંગ 747-400, બોઇંગ 767-200 અને એરબસ A340-200 જેટ છે. રિપોર્ટ અનુસાર, બોઇંગ 747-400 જેટ પર સોનાનો ઢોળ ચડાવવામાં આવ્યો છે. તેમાં લિવિંગ રૂમ અને બેડરૂમ સહિત ઘણી સુવિધાઓ છે.

જ્યારે કાર આટલી આલિશાન હોય તો ઘરનું શું વિચારવું. તે જે મહેલમાં રહે છે તેની કિંમત જાણીને તમને આશ્ચર્ય થશે. બોલ્કિયાના ઈસ્તાના નુરુલ ઈમાન પેલેસની કિંમત 2550 કરોડ રૂપિયાથી વધુ છે. આ મહેલમાં 1700થી વધુ રૂમ, 257 બાથરૂમ અને પાંચ સ્વિમિંગ પુલ છે. 110 ગેરેજ ઉપરાંત, 200 ઘોડાઓ માટે વાતાનુકૂલિતથી સજ્જ તબેલા છે. બ્રુનેઈમાં માત્ર અને માત્ર બોલ્કિયાનું શાસન ચાલે છે. તેઓ માત્ર બ્રુનેઈના રાજા જ નહીં પરંતુ દેશના વડાપ્રધાન, નાણા મંત્રી, વિદેશ અને વેપાર મંત્રી, પોલીસ અધિક્ષક, સંરક્ષણ મંત્રી અને સશસ્ત્ર દળોના કમાન્ડર પણ છે. એક રિપોર્ટ અનુસાર, બોલ્કિયા પોતાના વાળ કપાવવા માટે 13 લાખ રૂપિયા ખર્ચે છે. બોલ્કિયા લંડનથી તેમના મનપસંદ વાળંદને બોલાવે છે, જ્યાં તે મેફેયરની ડોરચેસ્ટર હોટેલમાં કામ કરે છે.

આ પણ વાંચો –