સુરતમાં નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું

Share this story

સુરત શહેરમાં ઘી ખાતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. શંકાસ્પદ પનીર બાદ નકલી બનાવતી ઘીનો જથ્થો ઝડપાયો છે. રાંદેરના ગોગા ચોક વિસ્તારમાંથી ૨૨૫ કિલો નકલી ઘીનું કારખાનું ઝડપાયું છે. ડાલડા ઘીમાં સોયાબીનનું તેલ, હળદળ, કેમિકલ નાખી ઘી બનાવતા હતા. આ ઘી અલગ-અલગ ડેરીમાં વેચવામાં આવતું હતું. તમામ ઘીના ડબ્બા પર બ્રાન્ડેડ ઘીનો લોગો હોવાનું પણ સામે આવ્યું છે. સાથે જ રાજેશ પટેલ નામના આરોપીની ધરપકડ કરાઇ છે.

રાંદેર ઝોનમાં ગોગા ચોક વિસ્તારમાં રાજેશ પટેલ નામના વ્યક્તિ દ્વારા નકલી ઘી બનાવવામાં આવતું હોવાની માહિતી પાલિકાને મળી હતી. આ વ્યક્તિ દ્વારા વનસ્પતિ ઘી તથા રાગ વનસ્પતિ ઘી તથા જેમીની સોયાબીન તેલ તથા હળદર તથા સુગંધી ફ્લેવર્ડનું ભેળસેળ કરી શુદ્ધ ઘી ના નામે બનાવટી ઘી બનાવવામાં આવ્યું હતું. આ જથ્થો તૈયાર કરીને શહેરના જુદા જુદા વિસ્તારની ડેરીમાં વેચાણ કરવામાં આવતું હતું. આ ઉપરાંત તમામ ધીના ડબ્બા પર બ્રાન્ડેડ ઘીના લેબલ લગાવવામાં આવતા હતા.

સુરત પાલિકાના દરોડા દરમિયાન બનાવટી ઘી બનાવવાની સામગ્રી સાથે સાથે રાજેશ પટેલ નામના વ્યક્તિ મળી આવ્યો હતો. પાલિકાએ જાણવા જોગ કરેલી ફરિયાદ બાદ આરોપીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતા. જ્યાં આરોપીએ બનાવટી ઘી કઈ રીતે બને છે તેનો ડેમો આપીને ગણતરીની મિનિટોમાં બનાવટી ઘી બનાવીને બતાવી દીધું હતું.

ભેળસેળ ઘી બનાવવાની સાધનસામગ્રી તથા જેમીની વનસ્પતિ ૧૫ કીલોગ્રામના પતરાના શીલબંધ ડબ્બાઓ નંગ-૦૨ જેની કીં રૂ.૩૪૦૦/-ની મત્તાની તથા જેમીની રીફાઇન્ડ સોયાબીન તેલ ૧૫ કીલોગ્રામના પતરાના શીલબંધ ડબ્બાઓ નંગ-૦૫ જેની કુલ્લે કીં.રૂ.૮૨૫૦/-ની મત્તાની તથા રાગ વનસ્પતિ ૧૫ કીલોગ્રામના પતરાના શીલબંધ ડબ્બાઓ નંગ-૦૩ છે જેની કુલ્લે કીં રૂ.૫૧૦૦/-ની મત્તાની તથા ભેળસેળ યુક્ત પતરાના ૧૫ કીલોગ્રામના ખુલ્લા ઢાંકણવાળા ડબ્બાઓ નંગ-૦૫ છે જેની કુલ્લે કીં રૂ.૧૨,૦૦૦/- ની મત્તાની તથા ભેળસેળ યુક્ત છુટક ૫.૫ કીલોગ્રામ ઘી જેની કુલ્લે કીં રૂ.૮૮૦/- ના મતાની ગણી જે તમામની કુલ્લે કીં રૂ.૨૯,૬૩૦/- ના મતાનો મુદ્દામાલ પોલીસે કબ્જો કર્યો છે.