પેરિસના વિશ્વવિખ્યાત એફિલ ટાવર પર તાજેતરમાં એક એવી ઘટના બની હતી જેણે સમાનતા અને મહિલા સન્માનના મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવી છે. એક હિંદુ ધાર્મિક સંગઠનના પ્રતિનિધિમંડળની મુલાકાત દરમિયાન મહિલા કર્મચારીઓને ફરજ પરથી હટાવી પુરુષોને તૈનાત કરવાના વિવાદે હવે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. આ ભારે વિરોધ અને કર્મચારીઓની હડતાળના પરિણામે એફિલ ટાવર ઓપરેટિંગ કંપની ‘SETE’ના પ્રમુખે વર્ષના અંતે પોતાનું પદ છોડવાની જાહેરાત કરવી પડી છે.
સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં ‘બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા’ (BAPS) સાથે જોડાયેલા આશરે ૧૦૦ લોકોના એક પ્રતિનિધિમંડળે એફિલ ટાવરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત પેરિસ નજીક એક નવા હિંદુ મંદિરના ઉદ્ઘાટન સમારોહનો ભાગ હતી. અહેવાલો અનુસાર, પ્રતિનિધિમંડળ દ્વારા એવી વિનંતી કરવામાં આવી હતી કે મુલાકાતનું આયોજન એ રીતે કરવામાં આવે જેથી મહિલાઓ સાથેનો સંપર્ક મર્યાદિત રહે. પરિણામે, ટાવરનું સંચાલન કરતી કંપની SETE દ્વારા મહિલા કર્મચારીઓને તેમના કામના સ્થળેથી હટાવીને તેમની જગ્યાએ પુરુષ સહકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. મહિલાઓને પ્રતિનિધિમંડળની હાજરી દરમિયાન અમુક વિસ્તારોમાંથી પસાર ન થવાની સૂચના પણ આપવામાં આવી હતી.
આવા ભેદભાવભર્યા નિર્ણયથી કર્મચારીઓમાં ભારે રોષ ફેલાયો હતો. પોતાનું અપમાન થયું હોવાનું અનુભવતા કર્મચારીઓએ ૭ સપ્ટેમ્બરના રોજ હડતાળ કરી હતી, જેના કારણે આ ઐતિહાસિક સ્મારકને કામચલાઉ ધોરણે પ્રવાસીઓ માટે બંધ કરવાની ફરજ પડી હતી. ભારે વિરોધ બાદ SETE દ્વારા આંતરિક તપાસ કરવામાં આવી, જેમાં આયોજન સ્તરની મોટી ખામીઓ બહાર આવી હતી અને મહિલાઓને હટાવવાની ક્રિયાને ‘અસ્વીકાર્ય’ ગણવામાં આવી હતી. આ સમગ્ર પ્રકરણ બાદ વર્ષ ૨૦૧૮થી ડાયરેક્ટર જનરલ તરીકે ફરજ બજાવતા પેટ્રિક બ્રાન્કો રુઇવોએ ૨૦૨૬ના અંતમાં પોતાના પદ પરથી રાજીનામું આપવાની સત્તાવાર જાહેરાત કરી છે.
ફ્રાન્સમાં સમાનતા અને બિનસાંપ્રદાયિકતાના મૂલ્યોને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવે છે. ફ્રાન્સની નેશનલ એસેમ્બલીના અધ્યક્ષ યેલ બ્રાઉન-પિવેટ અને પેરિસના સમાજવાદી મેયર ઈમેન્યુઅલ ગ્રેગોયરે આ ઘટનાની આકરી નિંદા કરી તેને બેતુકી, અન્યાયપૂર્ણ અને અસ્વીકાર્ય ગણાવી હતી. બીજી તરફ, વિવાદ વધતા BAPS સંસ્થાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે તેમનો હેતુ કોઈને પરેશાન કરવાનો ન હતો અને આ અગવડતા કે પીડા બદલ તેઓ હૃદયપૂર્વક માફી માંગે છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા અને કાર્યસ્થળ પર લિંગ સમાનતા જાળવી રાખવા માટે કંપનીના અધ્યક્ષ એરિયલ વેલે ખાસ તાલીમ કાર્યક્રમો લાગુ કરવાની ખાતરી આપી છે.








