દિલ્હીના CM કેજરીવાલની પૂછપરછ પહેલાં વધું એક AAPના મંત્રીની ઘરે EDની રેડ

Share this story

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે EDએ દારૂ કૌભાંડ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા છે. દારૂ કૌભાંડ કેસમાં તેમની પૂછપરછ કરવામાં આવશે. જોકે આ પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે કે, EDની ટીમે આજે સવારે દિલ્હી સરકારના અન્ય મંત્રીના ઘરે દરોડા પાડ્યા છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દિલ્હી સરકારના અન્ય મંત્રી રાજકુમાર આનંદના ઘરે દરોડા પાડી રહી છે. EDની ટીમ સિવિલ લાઇન્સમાં મંત્રીના સત્તાવાર નિવાસસ્થાન સહિત ૯ સ્થળોએ તપાસ કરી રહી છે. રાજકુમાર આનંદના બિઝનેસ સાથે જોડાયેલા મામલામાં EDની ટીમ દરોડા પાડી રહી છે. સૂત્રોનું માનીએ તો રાજકુમાર આનંદ હવાલા વ્યવહારમાં સામેલ હોવાની શંકા છે. આ દરોડાને કસ્ટમના મામલામાં પણ જોડવામાં આવી રહ્યો છે.

રાજકુમાર આનંદ વર્ષ ૨૦૨૦માં પહેલીવાર પટેલ નગર બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. આ પહેલા તેમની પત્ની વીણા આનંદ પણ આ જ વિધાનસભા ક્ષેત્રમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. દિલ્હી સરકારના પૂર્વ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમના સ્થાને રાજકુમાર આનંદને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, બૌદ્ધ સંમેલનના એક કાર્યક્રમમાં હિંદુ દેવી-દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી, જેમાં રાજેન્દ્ર પાલ ગૌતમ પણ હાજર હતા, જે બાદ ઘણો હોબાળો થયો હતો અને રાજેન્દ્ર ગૌતમને કેબિનેટમાંથી રાજીનામું આપવું પડ્યું હતું.

EDએ દિલ્હી દારૂ કૌભાંડની તપાસમાં આજે સવારે ૧૧ વાગ્યે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ મામલે ૧૬ એપ્રિલે કેજરીવાલની પણ પૂછપરછ કરવામાં આવી હતી. તે સમયે CBIએ લગભગ ૯ કલાક સુધી સીએમની પૂછપરછ કરી હતી. આ એ જ કેસ છે જેમાં મનીષ સિસોદિયા અને સંજય સિંહની ધરપકડ કરવામાં આવી છે. લગભગ ૯ મહિના બાદ કેજરીવાલની ફરી એકવાર પૂછપરછ કરવામાં આવશે. જેના કારણે સીએમ ઓફિસથી લઈને ઈડી ઓફિસ સુધી સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત છે. દરેક ખૂણે-ખૂણે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-