સુરતની સાત્વી પિતા ડો.મુકુલ ચોક્સી કરતાં સવાઈ પુરવાર થશે.

Share this story
  • હજુ ગઈકાલ સુધી તો સાત્વી સાવ ઢીંગલી અને પપ્પાની પરી હતી. પરંતુ અભિનયક્ષેત્રે પદાર્પણ કર્યા પછી ક્યારે મોટી થઈ ગઈ ખબર જ પડી નહીં.
  • સાત્વી અગાઉ ફિલ્મોમાં અભિનય કરી ચૂકી છે, પંરતુ નાટકમાં બહેરા-મુંગાનાં પાત્રમાં પરિવાર અને સંતાનનાં ઓપરેશનને લઈ માત્ર હાવભાવ અને ‘ઈશારા ઈશારામાં’ કરેલા અભિનયે લોકોની આંખો ભીની કરી દીધી.
  • સુરતનાં પોલીસ કમિશનર અજયકુમાર તોમર પણ સાત્વીના અભિનયથી આફ્રિન થઈ ગયા અને નાટકની છેલ્લી મિનિટ સુધી બેસી રહ્યાં.
  • સતત બડબડ કરતી અને નટખટ સાત્વીને નાટકનાં પ્રારંભે ડો.પ્રશાંત નાયકે પ્રશ્ન કર્યો હતો કે, તું અઢી કલાક સુધી મોઢું કઈ રીતે બંધ રાખી શકીશ? પરંતુ નાટકનાં અંતે સાત્વીની સરાહના કરવા માટે ડૉ.નાયક પાસે શબ્દો નહોતા.

ઘણી વખત કળા, સ્વભાવ, સાહિત્ય સહિત ઘણું બધું વારસામાં મળતું હોય છે. સુરતની ‘સાત્વી’ પણ એક આવું જ વ્યક્તિત્વ છે. હજુ તો થોડા દિવસ પહેલા આ સાત્વી નાની ઢીંગલી અને  પપ્પાની પરી જેવી લાગતી હતી. ચહેરા ઉપર ખડખડાટ હાસ્ય અને સતત ચપળ અને ખિસકોલી જેવી કોમળ સાત્વી અચાનક દોડીને પપ્પાની પીઠ પાછળ ચીપકી જતી હતી. સુરતનાં જાણિતા મનોચિકિત્સક ડો.મુકુલ ચોક્સીની આ ઢીંગલી સાત્વી ક્યારે મોટી થઈ ગઈ એની ખબર જ પડી નહીં. થોડા દિવસ પહેલા ‘‘ઈશારા ઈશારામા’’ નાટકમાં એક બહેરી મુંગી છોકરીનાં અભિનયમાં જ્યારે લોકોએ સાત્વીને જોઈ ત્યારે લોકો દંગ રહી ગયા હતા. સતત બડબડ કરતી રહેતી સાત્વીએ અઢી કલાકનાં નાટકમાં એક પણ શબ્દ બોલ્યા વગર માત્રને માત્ર ‘ઈશારા’માં ખુશી, વેદના, માતૃત્વ જેવી ધીર-ગંભીર રજુઆત કરીને લોકોને દંગ કરી દીધા હતા. ડો.મુકુલ ચોક્સી પરિવાર સાથે નાતો ધરાવતા લોકોએ ‘સાત્વી’માં સાક્ષાત કલાનાં દર્શન કર્યાં હતાં.

સાત ચોક્સી ફોટો-૧

સુરત મેડિકલ કન્સલ્ટન્ટ એસોસિએશનનાં ઉપક્રમે ‘ઈશારા ઈશારામાં’ નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. નાટકનું ટાઈટલ વાંચીને નાટક જોવા જવાનું મન થઈ આવે એવો ખાસ ઉત્સાહ જાગ્યો નહોતો. પરંતુ ડોક્ટર્સ આલમ સાથેનો નાતો અને ડો.મુકુલ ચોક્સી પરિવારની દીકરી અભિનય કરવાની હોય એટલે જવું જ પડે. પરંતુ નાટક જોયા બાદ આફ્રીન થઈ જવાયુ. નાટકનાં પ્રથમ અંક બાદ બીજા અંકમાં સાત્વી ચોક્સી જાણે સોળે કળાએ ખિલી ઉઠી હતી. બહેરા મુંગા વ્યક્તિનાં મનમાં, હૃદયમાં પ્રગટ થતી લાગણીઓને ઈશારામાં વ્યક્ત કરવાનું વાત કરવા જેટલું સરળ નથી. પરંતુ સાત્વીએ તેના સાથી કલાકાર જય કાપડિયા, વિનાયક કેતકર, પ્રિત અને ઓજસ રાવલ સાથે અદ્‍ભૂત રજુઆત કરીને લોકોની આંખો ભીની કરી દીધી હતી.

મા પોતે તો મુકબધીર છે અને કુદરત સંતાન પણ મુકબધીર આપે છે અને આ સંતાનને નિષ્ણાંત તબીબો બોલતો સાંભળતો કરવા ‘કોકલીયર ઈમ્પ્લાંટ’ નામનું મશીન બેસાડવાની સલાહ આપે છે ત્યારે મુકબધીર માતાએ બાળક માટે માત્રને માત્ર ચહેરાનાં હાવભાવ અને ઈશારામાં વ્યક્ત કરેલી ચિંતા લાગણીએ પ્રેક્ષકોને રડાવ્યા હતા. માતા ઈચ્છતી નહોતી કે તેના પુત્ર ઉપર સર્જરી કરવામાં આવે. સંજીવકુમાર ઓડિટોરિયમ પ્રેક્ષકો તરીકે ડોક્ટર્સથી ખીચો ખીચ ભરેલું હતું અને સાત્વી આ દરેકનાં માનસપટમાં છવાઈ ગઈ હતી ! સુરતનાં પોલીસ કમિશનર અજયકુમાર તોમર પણ એક પ્રેક્ષક બનીને નાટકનાં અંત સુધી પેક્ષાગારમાં બેસી રહ્યાં હતાં.

સાત ચોક્સી ફોટો

પોલીસ કમિશનર અજયકુમાર તોમર પણ પોતાની લાગણી રોકી શક્યા નહોતા. ‘સાત્વી’નાં અભિનયની છાપ તેમના માનસપટ ઉપર પણ છવાઈ ગઈ હતી.

સાત્વીક-૩

નાટક શરૂ થયાની મિનિટો અને નાટકનાં અંતે પ્રત્યેક વ્યક્તિનાં મોઢામાંથી નાટકનાં તમામ કલાકારો માટે ‘અદ્‍ભુત’ આફ્રીન જેવા શબ્દ નીકળતા હતા. આ અગાઉ સાત્વી ચોક્સી ગુજરાતી ફિલ્મોમાં પણ અભિનય કરી ચૂકી છે. પરંતુ ‘ઈશારા ઈશારામા’ નાટકમાં સાત્વીએ કરેલો અભિનય તેની અત્યાર સુધીની કારકિર્દીનો ‘ધ બેસ્ટ’ પર્ફોમન્સ હશે. ડો.મુકુલ ચોક્સી સુરતનાં જાહેરજીવનમાં એક હાથવગુ વ્યક્તિત્વ છે. બિલકુલ નિરઉપદ્રવી અને કોઈને પણ મદદે દોડી જવાનો સ્વભાવ ધરાવતા ડો.મુકુલ ચોક્સી એક ઘડાયેલુ વ્યક્તિત્વ છે. તેમણે પણ અનેક મોરચે લડાઈઓ લડી છે. અનેક સંકટોમાંથી પસાર થયા છે. નખશીખ સુરતી ડો.મુકુલ ચોક્સી સ્વભાવે પણ અદ્દલ સુરતી છે. જૂના જમાનાનાં સુરતની તેમના મોઢેથી સાંભળવા મળતી વાતો જરૂર કોઈક સંદેશ આપે છે. પોતે વ્યવસાયે ડોક્ટર હોવા છતાં એક સારા સમાજ સેવક પણ છે અને તકલીફમાં મુકાયેલા જાણ્યા, અજાણ્યા લોકોનાં હમદર્દ પણ છે અને આ હમદર્દી દાખવામાં તેમણે ઘણું ઘણું ગુમાવ્યું પણ છે. તેમ છતાં કુદરત અને સંજોગો ડો.મુકુલ ચોક્સીને સાથ આપતા રહ્યાં છે. સાહિત્યક જીવ ગણાતા અને મુશાયરાનાં માણસ મનહરલાલ ચોક્સીનાં એક સાત્વિક પરિવારમાંથી આવતા પુત્ર ડો.મુકુલ ચોક્સીની દિકરી ‘સાત્વી’ ખરેખર ‘સાત્વિક’ છે. કોઈ નવલકથાનાં પાત્ર જેવી સાત્વી એક દિવસ ચોક્કસ પિતા ડૉ.મુકુલ ચોક્સીનું નામ ઉજ્જવળ કરશે.

સાત્વીક

અને છેલ્લે સુરતની જાણિતી આભા લેબનાં ડો.પ્રશાંત નાયકે નાટક શરૂ થતાં પહેલા સાત્વીને નાટકમાં તેના અભિનય અંગે પ્રશ્ન કર્યો હતો ત્યારે ડો.પ્રશાંત નાયક એવું માનતા હતા કે, સતત કલબલ કરતી સાત્વી નાટકનાં અઢી કલાકનાં અભિનય દરમિયાન સાવ બહેરા મુંગાનો અભિનય કઈ રીતે કરી શકશે? પરંતુ નાટકનાં અંતે ડો.પ્રશાંત નાયક સાત્વીનાં અભિનય માટે આફ્રિન પોકારી ગયા હતાં.

આ પણ વાંચો :-