કોંગ્રેસની ચૂંટણીલક્ષી તૈયારી : અશોક ગેહલોત આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે, સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકોનો કરશે અભ્યાસ

Share this story

Congress election preparation

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસ એક્ટિવ મોડમાં. ત્યારે પ્રદેશ કોંગ્રેસ ચૂંટણીના મુખ્ય નિરીક્ષક અશોક ગેહલોત આજે રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકોનો અભ્યાસ કરશે.

વર્ષના અંત સુધીમાં ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષોએ તૈયારી આરંભી દીધી છે. ત્યારે કોંગ્રેસ (Congress) દ્વારા એકવાર ફરી ત્રણ દિવસની મહત્વની રણનીતિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં મુખ્ય ચૂંટણી ઓબ્ઝર્વર અશોક ગેહલોત (Ashok Gehlot) હાજરી આપશે.

અશોક ગેહલોત આજે સાંજે રાજકોટ આવશે. સાંજના 4:30 કલાકે રાજકોટ એરપોર્ટ પર ઉતરી હેમુ ગઢવી હોલ પહોંચશે. તમને જણાવી દઇએ કે, અશોક ગેહલોત રાજસ્થાનના મુખ્યમંત્રી છે અને પ્રદેશ કોંગ્રેસના ચૂંટણીના મુખ્ય નિરીક્ષક છે. આજે સાંજે રાજકોટના હેમુગઢવી હોલ ખાતે સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાશે.

જેમાં અશોક ગેહલોત સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકોનો અભ્યાસ કરશે. નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે મુખ્ય ઓબ્ઝર્વર તરીકે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની નિયુક્તિ કરી હતી. તમને જણાવી દઇએ કે, 2017માં અશોક ગેહલોત ગુજરાતના પ્રભારી હતા ત્યારે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ છવાઈ ગઇ હતી.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના મુખ્ય ઓબ્ઝર્વરનો બે વખત રદ થયેલો ગુજરાત પ્રવાસ ફરીવાર ગોઠવાયો છે. 16થી 18 તારીખ સુધી સૌરાષ્ટ્રમાં સતત ચૂંટણીલક્ષી બેઠકોનું આયોજન છે. મહત્વનું છે કે આ પહેલા આરોગ્યને લઇને અશોક ગેહલોતનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.

જુઓ અશોક ગેહલોતનો ત્રણ દિવસનો શું છે સંપૂર્ણ કાર્યક્રમ ?

  • આજે સુરતમાં દક્ષિણ ગુજરાત ઝોનની બેઠકમાં અશોક ગેહલોત હાજર રહી શકે છે.
  • સાંજના 4 વાગ્યે રાજકોટના હેમુગઢવી હોલમાં સૌરાષ્ટ્ર ઝોનની બેઠકમાં ભાગ લેશે.
  • રાજકોટની આ બેઠકમાં સૌરાષ્ટ્રભરના શહેર-જિલ્લા પ્રમુખો, પ્રદેશ સંગઠનના હોદ્દેદારો, નિરીક્ષકો અને પ્રભારીઓને બોલાવવામાં આવ્યા છે.
  • 17મીએ મધ્ય તથા ઉતર ઝોનમાં આ પ્રકારની બેઠક કરશે.
  • 18 ઓગસ્ટે ચૂંટણી જવાબદારી ધરાવતા અને હાઇકમાન્ડે નિયુક્ત કરેલા તમામ ઓબ્ઝર્વરો તથા પ્રદેશ નેતાગીરી સાથે બેઠક કરશે.

જુઓ કોંગ્રેસે કોને કઇ જવાબદારી સોંપી છે ? 

વિશેષમાં તમને જણાવીએ કે, આ વર્ષના અંતમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે અશોક ગેહલોતને સિનિયર ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત કર્યા છે. તો છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલને હિમાચલ પ્રદેશના વરિષ્ઠ નિરીક્ષક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. એ સિવાય રાજસ્થાનના વરિષ્ઠ નેતા સચિન પાયલટને હિમાચલ પ્રદેશના નિરીક્ષક બનાવવામાં આવ્યા છે.

તેઓ ભૂપેશ બઘેલ સાથે મળીને પાડોશી રાજ્યમાં પાર્ટીની ચૂંટણી તૈયારીઓ પર નજર રાખશે. જ્યારે છત્તીસગઢના નેતાઓમાં ટી.એસ સિંહ દેવ અને મિલિંદ દેવરાને નિરીક્ષક તરીકે ગુજરાતમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-