પાકિસ્તાનના આ ક્રિકેટર વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ

Share this story

વર્લ્ડ કપ ૨૦૨૩ પાકિસ્તાનનો વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન અવારનવાર તેની હરકતોના કારણે હેડલાઈનમાં રહે છે. આમાં તેની રમતગમતની સાથે ધાર્મિક કારણોનો પણ સમાવેશ થાય છે. હૈદરાબાદમાં નેધરલેન્ડ સામેની મેચ દરમિયાન ક્રિકેટના મેદાનમાં નમાઝ પઢવા બદલ રિઝવાન સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ભારતની સુપ્રીમ કોર્ટેના વકીલ વિનીત જિંદાલે ICCને પત્ર લખ્યો હતો કે મેચ દરમિયાન રિઝવાન નમાઝ પઢવાથી રમતની ભાવના પર સવાલો ઉભા થાય છે.

વિનીત જિંદાલે ICC અધ્યક્ષ ગ્રેગ બાર્કલેને ફરિયાદ કરી છે. જેમાં તેણે લખ્યું છે  પાકિસ્તાની ક્રિકેટ ખેલાડી મોહમ્મદ રિઝવાન વિશેની ફરિયાદ છે, હૈદરાબાદમાં નેધરલેન્ડ સામે ચાલી રહેલી ICC મેન્સ ODI વર્લ્ડ કપ ૨૦૨૩ની પોતાની ટીમની શરૂઆતની મેચ દરમિયાન ક્રિકેટના મેદાન પર નમાઝ પઢતા જોવા મળ્યો હતો. ક્રિકેટના મેદાનમાં ઘણા ભારતીયો વચ્ચે નમાઝ અદા કરતી વખતે મોહમ્મદ રિઝવાનની ક્રિયા તેના ધર્મનું ઇરાદાપૂર્વકનું ચિત્રણ છે, જે રમતની ભાવનાની વિરુદ્ધ છે.

વિનીતે તેની ફરિયાદની તસવીર તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરી, જેણે દરેક જગ્યાએ ધ્યાન ખેંચ્યું. તાજેતરમાં જ રિઝવાને શ્રીલંકા સામેની પોતાની જીતની સદી ગાઝાના લોકોને સમર્પિત કરી હતી. આ પછી પણ તે વિવાદમાં આવી ગયો હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મોહમ્મદ રિઝવાનનું મેદાન પર તેમના ધર્મનું પ્રતિનિધિત્વ અને ગાઝાના લોકોને તેમની જીત સમર્પિત કરવા વિશે પ્રેસ કોન્ફરન્સમાં તેમનું અનુગામી નિવેદન તેમની ધાર્મિક અને રાજકીય વિચારધારાને પ્રમાણિત કરે છે.

વર્લ્ડ કપ ૨૦૨૩માં પાકિસ્તાનની ચોથી મેચ ઓસ્ટ્રેલિયા સામે છે. બેંગલુરુના એમએ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ૨૦ ઓક્ટોબરે બંને ટીમો વચ્ચે ટક્કર થશે. પાકિસ્તાને અત્યાર સુધી રમાયેલી ૩ મેચમાં બે જીત મેળવી છે. બીજી તરફ સતત બે પરાજય બાદ ઓસ્ટ્રેલિયાનું ખાતું પણ ખુલ્યું છે.

આ પણ વાંચો :-