ચેમ્બર્સની મહિલાઓની જાગૃતિ હોદ્દા વહેચી લેતા કારભારીઓ માટે ચેતવણી સમાન

Share this story
  • વડાપ્રધાન, નાણામંત્રી, વિદેશમંત્રી, બેંકના સીઈઓ સહિતના ક્ષેત્રે મહિલાઓની પસંદગી થઈ શકતી હોય તો ચેમ્બર્સના હોદ્દા ઉપર કેમ નહીં?
  • બિનહરીફની ચોગઠાબાજીમાં દર વર્ષે ગોઠવાઈ જનારાઓ પૈકી મોટાભાગનાઓએ સુરતના વેપાર, ઉદ્યોગ માટે નોંધપાત્ર કામગીરી કરી નથી.
  • સુરત ચેમ્બર્સની મહિલાઓએ પ્રથમ વખત કરેલી હિંમત કાયમી અવગણનામાંથી છુટકારો અપાવશે અને ફરજિયાત મહિલાની પસંદગી કરવાની ફરજ થઈ પડશે.
  • સરસાણામાં ભવ્ય ઈમારત અને કન્વેન્શન સેન્ટર સાકાર કરવા પરસેવો પાડનાર રાજેન્દ્ર ચોખાવાલા, ભરત ગાંધી અને અશોક શાહ વગેરે સામે પણ તાયફા કરવામાં આવ્યા હતા.

સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (Sardhan Gujarat Chamber of Commerce) એટલે કે સુરત ચેમ્બરના ઈતિહાસમાં સૌપ્રથમ વખત મહિલાઓએ વહીવટી મંડળમાં (Administrative Board) સ્થાન મેળવવા જંગ માંડ્યો છે. લગભગ સમગ્ર દ‌િક્ષણ ગુજરાતના વેપાર ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતા ચેમ્બરના કારભારીઓ આધુનિક ૨૧મી સદીમાં પણ હજુ પણ પુરુષપ્રધાન રહ્યા છે. વિશ્વના પછાત દેશોમાં પણ મહિલાઓને પુરુષ સમોવડી ગણવામાં આવે છે. પરંતુ સુરત ચેમ્બરના (Surat Chamber) કહેવાતા બુદ્ધિજીવી આગેવાનો આજે પણ મહિલાઓને ચેમ્બરના વહીવટી મંડળમાં સ્થાન આપવામાં હિચકાટ અનુભવી રહ્યા છે. પરંતુ હવે મહિલાઓએ બંડ પોકાર્યું છે ત્યારે પુરુષપ્રધાન ચેમ્બરના કારભારીઓની નબળી માનસિકતા ઉઘાડી પડી રહી છે.

અત્યાર સુધી ‘હું બાવો અને મંગળદાસ’ની ટોળકી ચોગઠા ગોઠવતી આવી હતી. પ્રતિવર્ષ ચેમ્બરની ચૂંટણી જાહેર થાય એટલે છાપેલા કાટલા જેવા બની બેઠેલા કહેવાતા આગેવાનો વણનોતર્યા મધ્યસ્થી બનીને કૂદી પડતા હતા અને આપસી સમજૂતી કરીને ચૂંટણી ટાળી દેતા હતા અને પોતે જાણે કોઈ ‘મીર માર્યો’ હોય કે પોતે જ ‘‌કિંગમેકર’ હોય એવો લોકોને અહેસાસ કરાવતા આવ્યા હતા.

પરંતુ પાછલા કેટલાક સમયથી આવા આગેવાનોની પોલ ક્રમશઃ ખુલ્લી પડી રહી છે અને સુરત પૂર્વના લોકોના ચેમ્બરમાં પગપેસારા પછી આવા બની બેઠેલા ‘કિંગમેકરો’ની  હવા નીકળી રહી છે.

ખેરખર તો નીલેશ માંડલેવાળા, પરેશ પટેલ ચૂંટણી લડ્યા ત્યારથી ચેમ્બરમાં પરિવર્તનની હવા ફુંકાઈ હતી. નીલેશ માંડલેવાળા વિવાદનો સામનો કર્યા વગર પોતાની અન્ય પ્રવૃત્તિ તરફ વળી ગયા હતા અને ચેમ્બરના કારભારમાં રસ લેવાનું માંડી વાળ્યું હતું ત્યારબાદ પરેશ પટેલે જૂના જોગીઓ સામે મોરચો માંડ્યાે હતાે પરંતુ સરવાળે પરેશ પટેલ પણ નમાલા નહીં પરંતુ નિષ્ફળ પુરવાર થયા હતા અને ચેમ્બરને રામરામ કરીને પરેશ પટેલે સી.આર. પાટીલનો હાથ પકડીને ભાજપના ભગવા રંગથી રંગાઈ જતા આખરે ભાજપની છાવણીમાં પરેશ પટેલનો મજબૂત ઉદય થયો હતો અને આજે સુરત મહાપાલિકાનું સર્વોચ્ચ પદ ગણાતા સ્થાયી સમિતિના ચેરમેનપદ ઉપર બિરાજમાન છે.

ચેમ્બરના રાજકારણમાં બી.એસ. અગ્રવાલ હંમેશા જરૂર કરતા વધારે સક્રિય રહ્યા છે. બી.એસ. અગ્રવાલ છાશવારે ચેમ્બરમાં લવાદી કરવા પહોંચી જાય છે. પરંતુ બી.એસ.અગ્રવાલને કદાચ અહેસાસ નહીં હોય કે બદલાયેલા ચેમ્બરના રાજકારણમાં બી.એસ.અગ્રવાલની નોંધ લેનારા કે શરમ ભરનારા હવે રહ્યા નથી.

ખેર ચેમ્બરનો ભૂતકાળ ખૂબ લાંબો છે. એક જમાનામાં પ્રભાવશાળી શ્રેષ્ઠી આગેવાનો ચેમ્બરનું નેતૃત્વ કરતા હતા જેનું નામ સાંભળીને આપોઆપ આદર આપવાનું મન થઈ જાય એવા પવિત્ર લોકો હતા. સુરત નાનું હતું પરંતુ ચેમ્બરના આગેવાનોના દિલ મોટા હતા. આવા ખમતીધર આગેવાનો વેપાર-ઉદ્યોગ માટે ઘણું ઘણું કરી ગયા છે.
બદલાયેલી સ્થિતિમાં સુરત વધીને ૬૫થી ૭૦ લાખનું થયું.

હવે માત્ર ટેક્સટાઈલ જ નહીં કેમિકલ્સ, એન્જિનિયરિંગ, ડાયમન્ડ, પ્લાસ્ટિક સહિત અનેક ઉદ્યોગોનો ઉમેરો થયો છે. મહિલા આધારિત વેપાર અને ઉદ્યોગોએ પણ સુરતમાં કાઠું કાઢ્યું છે. આવા સંજોગોમાં ચેમ્બરના વહીવટી માળખામાં હવે મહિલાઓને સ્થાન આપવું અનિવાર્ય થઈ ગયું છે.

આ દેશના વડાપ્રધાનપદે, વિદેશ મંત્રાલય, નાણા મંત્રાલય અને બેકિંગ સહિત અનેક ક્ષેત્રે મહિલાઓ સફળ નેેતૃત્વ કરી શકતી હોય તો ચેમ્બર ઓફ કોમર્સમાં કેમ નહીં? વળી વડાપ્રધાન મોદી પણ મહિલાઓ માટે આગ્રહ સેવી રહ્યા છે એવા સમયે સુરત ચેમ્બરના પુરુષપ્રધાન અને સ્વાર્થી નીકળેલા આગેવાનોને પાઠ ભણાવવા આ વખતે ચેમ્બરની સભ્ય મહિલાઓએ જબરજસ્ત એકતા દાખવીને મોરચો માંડ્યો છે અને ઉપપ્રમુખપદે બંદના ભટ્ટાચાર્યની વરણી કરવા આગ્રહી બની છે. ચેમ્બરના કારભારીઓ સમજે તો આ એક ઈશારો છે.

હવે એક વાત ચોક્કસ છે કે ચેમ્બરમાં ‌મિલીભગતનું રાજકારણ નહીં ચાલે, દર વર્ષે હોદ્દા વહેંચી લઈને ‘કુલડીમાં ગોળ’ વહેંચી લેતા કારભારીઓ નહીં સમજે તો આવનારા સમયમાં બેઆબરૂ થવાના દિવસો આવશે એ વાત ચોક્કસ છે. ચેમ્બરની ચૂંટણી આગામી ૨૩મી તારીખે યોજાવા જઈ રહી છે. હજુ પણ દિવસો બાકી છે, મહિલાશક્તિને ઓળખવામાં નહીં આવે તો આવનારા સમયમાં સમજૂતીથી હોદ્દેદારોની પસંદગી કરી લેવાનું ભુલી જવું પડશે અને વાતે વાતે ચેમ્બર્સના કારભારીઓ સામે કિચડ ઉડતો હશે અને ચેમ્બરની યાત્રા અધોગતિ તરફ ધકેલાઈ જશે.

વળી ભાઈબંધીમાં હોદ્દાઓની વહેંચણી કરી કારભારીઓએ વેપાર, ઉદ્યોગ માટે નોંધપાત્ર કામગીરી કરી હોવાનું યાદ નથી. આજે પણ ચેમ્બરનો કારોબાર જ્યાં ચાલી રહ્યો છે એ સરસાણાની જગ્યા મેળવવામાં અને ઈમારત સાકાર કરવામાં રાજેન્દ્ર ચોખાવાલા, ભરત ગાંધી, અશોક શાહ સહિત અન્ય નખ‌િશખ શ્રેષ્ઠીઓની આકરી મહેનત અને બળબળતા તાપમાં કરેલી દોડધામને કારણે જ સુરત ચેમ્બર ઓફ કોમર્સના કારભારીઓ ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર સહિતની સુવિધાઓના નામે કોલર ઊંચો રાખીને ફરી રહ્યા છે.

ભૂતકાળમાં ચેમ્બરના ઘણા ટૂંકા પનાના કારભારીઓએ આખી ઈમારત ઊભી કરનાર સેવાભાવી ટ્રસ્ટીઓને પણ તગેડી મૂકવાની ઝુંબેશ ચલાવી હતી, પરંતુ સદનસીબે તેમાં ફાવ્યા નહોતા. હવે મહિલાઓને પ્રતિનિધિત્વ આપવામાં અવગણના કરવામાં આવશે તો આવનારા દિવસોમાં ચેમ્બર વિવાદોનો અખાડો બની ગયું હશે.

આ પણ વાંચો :-