વન નેશન વન ઈલેક્શનને લઈને દેશમાં ઘણાં લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે ત્યારે મોદી સરકારની કેબિનેટે આ અંગે એક મોટો નિર્ણય લેતાં પ્રસ્તાવને મંજૂરી આપી સૌને ચોંકાવી દીધા છે. આ અંગે મોદી સરકાર હવે શિયાળુ સત્રમાં બિલ રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વ હેઠળની સમિતિએ વન નેશન વન ઈલેક્શન મુદ્દે રિપોર્ટ રજૂ કર્યો હતો. જેના પરથી જ મોદી સરકારે આ નિર્ણય લીધો છે.
દેશમાં છેલ્લા ઘણા સમયથી વન નેશન- વન ઇલેક્શનને લઇને ચર્ચાઓ ચાલી રહી હતી. જેને આજે મોદી કેબિનેટે મંજૂરી આપી દીધી છે. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ આ પ્રસ્તાવના વિવિધ પાસાં પર અભ્યાસ કર્યો હતો અને માર્ચ 2024માં પોતાનો રિપોર્ટ સરકારને સોંપ્યો હતો. આ રિપોર્ટમાં આપવામાં આવેલા સૂચનો અનુસાર, પ્રથમ પગલા તરીકે, લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવી જોઈએ. સમિતિએ વધુમાં એવી ભલામણ કરી છે કે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાના 100 દિવસની અંદર સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પણ યોજવી જોઈએ. આ પ્રક્રિયાથી સમગ્ર દેશમાં એકસાથે તમામ સ્તરે ચૂંટણી યોજવામાં આવશે. હાલમાં રાજ્યની વિધાનસભા અને લોકસભાની ચૂંટણી અલગ-અલગ યોજાય છે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લાં ઘણા સમયથી વન નેશન વન ઈલેક્શનની તરફેણ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, ‘હું દરેકને એક રાષ્ટ્ર, એક ચૂંટણીના સંકલ્પને હાંસલ કરવા માટે એકજૂટ થવા વિનંતી કરું છું, તે સમયની જરૂરિયાત છે.’ લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદીએ આ મુદ્દે કહ્યું હતું કે દરેક રાજ્યની સરકારો સમગ્ર પાંચ વર્ષ શાસન કરે અને આ દરમિયાન ચૂંટણી ન યોજાય. હું હંમેશા કહું છું કે ચૂંટણી ફક્ત ત્રણ કે ચાર મહિનામાં જ થઈ જવી જોઈએ. તેનાથી ચૂંટણીના સંચાલન પર થતા ખર્ચમાં ઘટાડો થશે.
આ પણ વાંચો :-