RBI ધિરાણનીતિથી લોનધારકો નિરાશ, સતત 11મી વખત રેપો રેટ સ્થિર

Share this story

RBI દ્વારા મુખ્ય વ્યાજદરમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા 6 ડિસેમ્બર 2024ના રોજ દ્વીમાસિક ધિરાણનીતિની ઘોષણા કરતા જણાવ્યું કે, RBI મોનેટરી પોલિસી મિટિંગમાં રેપો રેટ, રિવર્સ રેપો રેટ સહિત મુખ્ય વ્યાજદરો સ્થિર રાખવામાં આવ્યા છે. માત્ર કેશ રિઝર્વ રેશિયો 0.50 ટકા ઘટાડ્યો છે. આથી કદાચ ઇતિહાસમાં આ પહેલી ઘટના છે જ્યારે આરબીઆઈ એ સત 11મી ધિરાણનીતિમાં મુખ્ય વ્યાજદરો સ્થિર રાખ્યા છે.

અમુક અર્થશાસ્ત્રીઓ એવી આશા રાખીને બેઠા હતા કે આરબીઆઈ મોનિટરી પોલિસી કમિટીની બેઠકમાં રાહત આપી શકે છે. બીજી બાજુ ઉલ્લેખનીય છે કે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ મોનિટરી પોલિસી બેઠકનું નેતૃત્વ છેલ્લી વખત કરી રહ્યા છે. તેમનો કાર્યકાળ 10 ડિસેમ્બરે ખતમ થઇ રહ્યો છે. આ વખતે ચર્ચા છે કે તેમનો કાર્યકાળ આગળ વધારવામાં આવી શકે છે.

RBIએ બેંકોમાં તરલતા વધારવા માટે CRRમાં 0.50%નો ઘટાડો કર્યો છે. આરબીઆઈએ કેશ રિઝર્વ રેશિયો 4.5% થી ઘટાડીને 4% કર્યો છે. RBIના આ નિર્ણયથી બેંકિંગ સિસ્ટમમાં 1.16 લાખ કરોડ રૂપિયાની લિક્વિડિટી વધશે. ABIના આ નિર્ણયથી બેંક પાસે લોન આપવા માટે વધુ પૈસા હશે. તેઓ તેનો ઉપયોગ સરળતાથી લોન આપવા માટે કરશે.

બીજી તરફ મોંઘવારીના આ યુદ્ધમાં દેશના વિકાસને ફટકો પડી શકે છે. આરબીઆઈના અંદાજ દ્વારા આ સંકેત આપવામાં આવ્યો છે. આરબીઆઈ એમપીસીએ ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપી વૃદ્ધિ અંદાજ ઘટાડીને 6.6 ટકા કર્યો છે. જે અગાઉ 7 ટકા હતો. આ સતત બીજી વખત છે જ્યારે આરબીઆઈએ તેના જીડીપી અંદાજમાં ઘટાડો કર્યો છે. ઓક્ટોબરની બેઠકમાં આરબીઆઈ એમપીસીએ જીડીપી અંદાજ 7.2 ટકાથી ઘટાડીને 7 ટકા કર્યો હતો.

રેપો એ વ્યાજ દર છે કે જેના પર વ્યાપારી બેંકો તેમની તાત્કાલિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે કેન્દ્રીય બેંક પાસેથી નાણાં ઉધાર લે છે. આરબીઆઈ આ દરનો ઉપયોગ ફુગાવાને નિયંત્રણમાં રાખવા માટે કરે છે. રેપો રેટ સ્થિર રાખવાનો અર્થ એ છે કે હોમ લોન, ઓટો લોન સહિત વિવિધ લોનના માસિક ઇએમઆઈમાં ફેરફાર થવાની સંભાવના ઓછી છે.

આ પણ વાંચો :-