વિપક્ષોની છાવણી ખાલી કરાવીને ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવવા ભાજપનો વ્યૂહ

Share this story

BJP’s strategy to get a huge victory in the election by emptying the opposition camp

  • કોંગ્રેસ અને ‘આપ’એ વહેલા ઉમેદવારો જાહેર કરી દેતાં ઠેરઠેર બળવા જેવી સ્થિતિ ઉદ્‍ભવી, બીજી તરફ નારાજ લોકો માટે ભાજપે દરવાજા ખુલ્લા મુકી દીધા
     
  • કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનાં માનવા મુજબ ગત વખતે પણ હરિફ પક્ષે કોંગ્રેસ હતી અને આ વખતે પણ કોંગ્રેસ જ છે, ‘આપ’ની કોઈ જ વિસાત નથી
     
  • સમાન સિવિલ કોડ, બેટ દ્વારકાના ગેરકાયદે દબાણો હટાવવા સામે વિપક્ષ કોંગ્રેસે ઉઠાવેલો મુદ્દો કોંગ્રેસ માટે જ બૂમરેંગ પુરવાર થઈ શકે
     
  • વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહની વ્યૂહરચના અક્ષરસહ સાચી ઠરશે તો કદાચ આ વખતની ચૂંટણીના પરિણામો જુદા હશે; અમિત શાહનાં મતે પાછલાં તમામ રેકોર્ડ તૂટી જશે

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ (Bharatiya Janata Party) હજુ સુધી એકપણ ઉમેદવારની જાહેરાત કરી નથી તેમ છતાં ૧૮૨ ઉમેદવારો લગભગ નક્કી થઈ ચૂક્યા છે. ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) અને ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ (BJP President CR Patil) આજે દિલ્હી જવા રવાના થયા હતા અને ગણતરી મુજબ લગભગ ૧૦મી તારીખે ભાજપનાં ઉમેદવારોની યાદી જાહેર કરી દેવાશે.

આ તરફ કોંગ્રેસ અને ‘આપ’માં બે-ચાર બે-ચાર ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યાં હોવાથી લગભગ રાજ્યભરમાં ક્યાંક ખુશી તો ક્યાંક બળવા જેવી સ્થિતિ આકાર લઈ રહી છે બીજી તરફ અસંતુષ્ટોને આવકારવા ભાજપે પણ દરવાજા ખુલ્લા મુકી દીધા હોવાથી કોંગ્રેસ અને આપની સ્થિતિ ચૂંટણી પહેલા જ નબળી પડી રહી છે. ભાજપ નેતાગીરી આ વખતે ગણી ગણીને પગલાં ભરી રહી છે અને આખો જંગ વ્યૂહાત્મક રીતે લડવા આગળ વધી રહી છે. બની શકે કે, ગુજરાતમાં પગદંડો જમાવવા આવેલા ‘આપ’ના કેજરીવાલને પોતાની જ જાળમાં સપડાવી દેશે.
ઉમેદવારો જાહેર કરવાની બાબતે ‘આપ’ના કેજરીવાલ જરૂર કરતાં વધારે ઉતાવળા બન્યા હોવાથી ‘આપ’ના અપે‌િક્ષતોને ટિકિટ નહીં મળવાથી રઘવાયા બન્યા છે અને નારાજગી વ્યક્ત કરવા માટે ભાજપની છાવણી આશ્વાસનરૂપ બની રહી છે. સામાન્ય રીતે ભાજપ નેતૃત્ત્વ બિનભાજપીઓને આવકારવા આતુર હોતુ નથી, પરંતુ નજીકનો ભૂતકાળ જોવામાં આવે તો કોંગ્રેસ, આપ સહિતનાં અનેક ચહેરાઓ ભાજપનો ખેસ પહેરીને ફરતા જોવા મળશે. હાર્દિક પટેલ આનુ સૌથી મોટું ઉદાહરણ ગણી શકાય.

આ વખતે એવી હવા ચલાવવામાં આવી રહી છે કે, ભાજપને સરકાર બનાવવાનાં ફાંફાં પડી જશે, પંરતુ ચૂંટણીનાં જાહેરનામા બાદની સ્થિતિ જુદી જ જોવા મળી રહી છે. કોંગ્રેસ અને ‘આપ’માંથી ટિકિટ નહીં મળવાથી ભડકેલા કાર્યકરો, આગેવાનો જોઈ લેવાની ચીમકી સાથે જે તે પક્ષ સાથેથી છેડો ફાડી રહ્યાં છે. આ તરફ આવા નારાજ લોકો માટે ભાજપે દરવાજો ખુલ્લો મુકી દીધો છે! ભાજપને કાર્યકરોની ખોટ નથી, પરંતુ નેતાગીરીની વ્યૂહરચનાનો જ આ એક ભાગ છે, એવું ચોક્કસ કહી શકાય. નારાજ લોકોને પક્ષમાં સમાવી લેવાથી જે તે પક્ષને બતાવી દેવાનું તેમનું ઝનૂન પુરું થઈ જાય છે અને ભાજપમાં ભળી ગયા પછી નિષ્ક્રિય પણ થઈ જવાથી આગેવાન, કાર્યકર ગૂમાવનાર પક્ષે ચૂંટણી દરમિયાન સહન કરવાનું રહેશે. વળી પક્ષ છોડીને જનાર વ્યક્તિ એકલો જતો નથી, તેની સાથેનાં ટેકેદારો પણ નિષ્ક્રિય થઈ જતાં હોવાથી સરવાળે પક્ષને નુકસાન સહન કરવું પડે છે.

ખેર, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે આજે એક ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં પુરા આત્મવિશ્વાસ સાથે દાવો કર્યો હતો કે, આ વખતે ભાજપ પાછલી તમામ ચૂંટણીનાં રેકોર્ડ તોડીને પ્રચંડ બહુમતિ સાથે ગુજરાતમાં ભાજપની નવી સરકાર બનાવશે. તેમણે આંકડામાં પડવાનો સ્પષ્ટ ઈન્કાર કરવા સાથે દાવો કર્યો હતો કે, પાંચમી ડિસેમ્બરે ભાજપ ગુજરાતમાં એક નવો ઈતિહાસ રચશે.

અમિત શાહે નરેન્દ્ર મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યાંથી શરૂ કરીને આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને વર્તમાન ભૂપેન્દ્ર પટેલની સરકારની કામગીરી અને ગુજરાતનાં વેપાર, ઉદ્યોગ, આરોગ્ય, સામાજિક, માળખાગત કાયદો-વ્યવસ્થા સહિતનાં ક્ષેત્રે ગુજરાતમાં થયેલી કામગીરીનો ટકોરાબંધ હિસાબ આપ્યો હતો.

તેમણે કેટલીક સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, આનંદીબેનનાં ૭૫ વર્ષ પુરા થતા હોવાથી તેમને મુખ્યમંત્રીપદેથી ખસેડીને ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ બનાવ્યા હતા. આનંદીબેન પટેલની સરકારે પણ ઉત્તમ કામગીરી કરી હતી. ત્યાર બાદ વિજય રૂપાણી સરકારે પણ પાંચ વર્ષ પુરા કરવા સાથે કોરોના જેવી મહામારીનાં દિવસોમાં અદ્‍ભૂત કામગીરી કરી હોવાનો દાવો કર્યો હતો.

ભાજપનાં આંતરિક વિવાદને કારણે રૂપાણી સરકાર બદલવામાં આવી હોવાનો સ્પષ્ટ ઈન્કાર કરતાં અમિત શાહે કહ્યું હતું કે, ભાજપમાં સરકાર અને સંગઠન વચ્ચે કોઈપણ પ્રકારનો અણબનાવ નથી. બધું જ એક રાગીતાથી ચાલી રહ્યું છે. વિજય રૂપાણીને બદલવાનો નિર્ણય પણ શિર્ષ નેતૃત્ત્વનો હતો અને ત્યાર પછી ભૂપેન્દ્ર પટેલની સરકાર પણ નમૂનેદાર કામગીરી કરી રહી છે. લોકોમાં અને પક્ષમાં પણ ભૂપેન્દ્ર પટેલની કાર્યપદ્ધતિ સામે કોઈને પણ ફરિયાદ નથી અને હવે પછી નવી સરકારમાં પણ ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી હશે. કારણ કે, તેમના નેતૃત્ત્વમાં જ ચૂંટણીઓ લડાઈ રહી છે. વર્તમાન સંગઠન અને સરકાર વચ્ચે મતભેદ હોવાની વાત પણ તેમણે ફગાવી દીધી હતી.

પાછલી ચૂંટણીઓનાં પ્રમાણમાં આ વખતે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ગુજરાતમાં વારંવાર હાજરી અને ચૂંટણીલક્ષીનો દોર પોતાનાં હાથમાં લેવા અંગે સ્પષ્ટતા કરતા અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને હું બંને ગુજરાતનાં છીએ અને ચૂંટણી એક એવું પર્વ છે કે, આ દિવસો દરમિયાન વધુમાં વધુ લોકોને રૂબરૂ મળી શકાય. ઉપરાંત ગૃહરાજ્યમાં ઘરઆંગણે ચૂંટણી હોવાથી વડાપ્રધાન મોદી અને મારી વધારે પડતી હાજરી કોઈ વિશેષ બાબત નથી. વળી ભાજપ માટે આ કોઈ પહેલી ચૂંટણી નથી. પાછલાં અઢી દાયકા કરતાં વધુ સમયથી ગુજરાતમાં ભાજપની સત્તા છે. પાટનગર ગાંધીનગરથી શરૂ કરીને રાજ્યનાં છેવાડાઓનાં ગામડાંઓ સુધી ભાજપનાં કાર્યકરોની ફોજ પથરાયેલી છે અને એટલે જ આ વખતે પણ ભાજપની છાવણીમાં કોઈ જ ઉચાટ નથી.

ભાજપમાંથી ચૂંટણી લડવા માટે લગભગ ચાર હજાર કરતાં વધુ કાર્યકરોએ દાખવેલી તૈયારી માટે આનંદ વ્યક્ત કરતાં અમિત શાહે કહ્યું હતું કે, ભાજપની છાવણીમાં આટલો મોટો વિશાળ વર્ગ ચૂંટણી લડવા માંગે છે એજ બતાવે છે કે, લોકોનો ભાજપ પ્રત્યે કેટલો વિશ્વાસ છે, કેટલો ભરોસો છે અને એટલે જ ‘ભરોસાની સરકાર’નો વારંવાર વિજય થતો આવ્યો છે. તેમણે ભારપૂર્વક સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, બધાને જ ખબર છે કે, ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો છે અને ૧૮૨ને જ ટિકિટ મળવાની છે. મતલબ ટિકિટની ફાળવણી બાદ બધાં જ લોકો ઉમેદવારને જીતાડવા કામે લાગી જશે. ભાજપમાં બળવાને કોઈ સ્થાન નથી, શિસ્તબદ્ધ પક્ષ છે અને પુરી શિસ્ત સાથે પક્ષ કામ કરે છે. અલબત્ત પક્ષનાં છેવાડાના કાર્યકરને પણ ટિકિટ માંગવાનો અધિકાર છે. પરંતુ ગુણદોષ અને જીતી જવાની ખાતરી સાથે ટિકિટ કોને આપવી એ ભાજપનું શિર્ષ નેતૃત્ત્વ નક્કી કરે છે. આનો મતલબ એવો પણ નથી કે, ટિકિટ માંગનાર કાર્યકરની કોઈ જ ક્ષમતા નથી.

થોડા દિવસ પહેલાં જયનારાયણ વ્યાસે ભાજપમાંથી આપેલા રાજીનામાનો ઉલ્લેખ કરીને અમિત શાહે કહ્યું હતું કે, ભૂતકાળમાં શંકરસિંહ વાઘેલા અને કેશુબાપાએ પણ પક્ષ સાથેથી છેડો ફાડ્યો હતો. પરંતુ પરિણામ શું આવ્યું લોકો જાણે છે. જયનારાયણ વ્યાસે નારાજગીનાં કારણે પક્ષમાંથી રાજીનામું આપ્યું હશે. આ તેમનો વ્યક્તિગત નિર્ણય છે. પરંતુ જયનારાયણ વ્યાસનાં જવાથી ભાજપ તૂટી પડશે એવું કોઈએ પણ માની લેવાની જરૂર નથી.

પુનઃ ટિકિટ ફાળવણીનાં મુદ્દે પણ અમિત શાહે ભારપૂર્વક સ્પષ્ટતા કરી હતી કે, ‘નો રિપીટ’ થિયરી જેવું કંઈ જ નથી. ઉમેદવાર પસંદ કરતી વખતે સૌથી પહેલા ‘જીત’ના માપદંડને ધ્યાનમાં લેવામાં આવે છે.

ગુજરાતની આ વખતની ચૂંટણીમાં ‘આપ’નાં અસ્તિત્ત્વને પણ સ્વીકારવાનો સાફ સાફ ઈન્કાર કરતાં તેમણે કહ્યું હતું કે, ૨૦૧૭માં પણ ભાજપ સામે વિપક્ષ તરીકે કોંગ્રેસ હતી અને ૨૦૨૨ની ચૂંટણીમાં પણ હરિફ પક્ષ તરીકે કોંગ્રેસ જ હશે.

અમિત શાહે ઘણાં મુદ્દા ઉપર વાતો કરી હતી. તાજેતરમાં ગુજરાત સરકારે ‘સમાન સિવિલ કોડ’ અંગે કરેલો નિર્ણય ચૂંટણીલક્ષી હોવાની વાતને ફગાવી દેતા કહ્યું હતું કે, ભાજપનાં મૂળભૂત ઘોષણાપત્રમાં અન્ય મુદ્દાઓની સાથે ‘સમાન સિવિલ કોડ’ એ પણ એક મુદ્દો છે અને ભાજપ આ મુદ્દાને ફરી દોહરાવે એટલે ચૂંટણીલક્ષી બની જતો નથી. કાશ્મીરમાંથી દૂર કરાયેલી કલમ ૩૭૦, રામ મંદિર નિર્માણ વગેરે આ મુદ્દા ભાજપનાં ઘોષણાપત્રમાં પહેલેથી જ હતા. આ પૈકી કલમ ૩૭૦ દૂર કરવા ઉપરાંત મુસ્લિમ મહિલાઓને સામાજિક સમાનતા અપાવવા ‘તીન તલ્લાક’નો કાયદો ભાજપ સરકારે દૂર કર્યો હતો. આમા ચૂંટણીની વાત ક્યાંથી આવી? અધ્યોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ કરવા સાથે કાશી વિશ્વાસનાથ મંદિર, ઉજ્જૈનમાં કાળભૈરવ , સોમનાથ, પાવાગઢ વગેરે શ્રદ્ધાનાં કેન્દ્રોનું પુનઃ સ્થાપન કે નવસર્જન કરવા એ ચૂંટણીલક્ષી બાબત હોઈ શકે જ નહીં. ભૂતકાળમાં કોંગ્રેસની સરકારો પણ કરી શકી હોત, પરંતુ તેમણે નહીં કર્યું એટલે નરેન્દ્ર મોદીની સરકારે કર્યું છે.

બેટ દ્વારકામાં ધાર્મિક સ્થળોનાં નામે દબાણ કરવાની પ્રવૃત્તિ રોકવા આવા ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરીને ચૂંટણીલક્ષી કઈ રીતે કહી શકાય? તેમણે વળતો સવાલ કર્યો હતો કે, ધર્મની આડમાં દબાણો ઉભા કરવામાં આવે તો આવી પ્રવૃત્તિને ચલાવી લેવાની?

આમ આદમી પાર્ટી ભાજપની ‘બી’ ટીમ હોવાની ચર્ચાને પણ અમિત શાહે રદીયો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભાજપ પોતાની તાકાત ઉપર ચૂંટણી લડે છે. ચૂંટણી જીતવા ભાજપને કોઈ બગલઘોડી ‘બી’ ટીમની જરૂર નથી. અમિત શાહે અનેક ઉદાહરણો ટાંકીને કહ્યું હતું કે, કોઈપણ પક્ષનો વ્યક્તિ ભાજપની વિચારધારાને સ્વીકારીને ભાજપમાં આવતો હોય તો પક્ષને સ્વીકારવા સામે કોઈ જ વાંધો નથી.

એકંદરે અમિત શાહ પુરા આત્મવિશ્વાસથી ભરેલા હતા અને આ વખતે ગુજરાતનો જંગ જીતવા માટે પોતાની વ્યૂહરચના પાર પડી રહી હોવાનો તેમના ચહેરા ઉપર સંતોષ જણાતો હતો. તેમના મનમાં ચૂંટણી હારવાનો કે નબળુ પરિણામ આવવાનો કોઈ જ ઉચાટ જણાતો નહોતો. બલ્કે, પાછલી ચૂંટણીઓ કરતાં વધુ મજબૂતાઈ સાથે અને વધુ બેઠકો કબજે કરવા સાથે પાછલી ચૂંટણીનાં રેકોર્ડ તોડી નાંખવાનો વિશ્વાસ છલકાતો હતો.

ગુજરાત ભાજપમાં ડહોળાયેલા વાતાવરણને પગલે ગુજરાતની ચૂંટણીઓની બાગડોર વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પોતાના હાથમાં લીધી હતી અને દિવસોની મહેનતનાં અંતે ચૂંટણીઓ અપે‌િક્ષત પરિણામ સાથે અને હેમખેમ પાર પાડવાની બાજી ગોઠવવામાં મોદી અને શાહને સફળતા મળી હોવાનો ભરોસો અમિત શાહનાં ચહેરા ઉપર તરી આવતો હતો.

આ પણ વાંચો :-