Friday, May 15, 2026

ભાજપ અને કોંગ્રેસના સાંસદો વચ્ચે ધક્કામુક્કીમાં ભાજપના સાંસદ ઈજાગ્રસ્ત

3 Min Read

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ડો. આંબેડકર મુદ્દે સંસદમાં આપેલા નિવેદન પર રાજકારણ ગરમાયું છે. હવે આ મામલે આજે ભાજપ અને કોંગ્રેસ બંને આક્રમક મૂડમાં દેખાયા હતા અને જેના દૃશ્યો સંસદના પ્રાંગણમાં જ સામે આવ્યા હતા. જ્યાં ભાજપ અને કોંગ્રેસના સાંસદો વચ્ચે ધક્કામુક્કી થઈ હતી, જેમાં ભાજપના સાંસદ પ્રતાપ સારંગી ઈજાગ્રસ્ત થયા છે.

આ મામલે ઈન્ડિયા બ્લોક આજે વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. ઈન્ડિયા બ્લોક રાજ્યસભામાં બાબાસાહેબ આંબેડકર પર ગૃહ મંત્રી અમિત શાહના નિવેદન સામે વિરોધ કૂચ કરી રહ્યું છે, તેમના રાજીનામા અને માફીની માંગણી કરી રહ્યું છે. સંસદમાં આંબેડકરની પ્રતિમાથી લઈ મકર દ્વાર સુધી આ પદયાત્રા કાઢવામાં આવી રહી છે.

ઇન્ડિયા બ્લોકના સાંસદો વાદળી વસ્ત્રો પહેરીને આંબેડકરની પ્રતિમાથી ચાલીને મકર દ્વાર પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે, ગૃહમંત્રી અમિત શાહે આંબેડકરનું અપમાન કર્યું છે. તેમનો ગુનો માફી લાયક નથી. ભાજપનુ સમગ્ર તંત્ર તેમને બચાવવામાં લાગેલું છે. કોંગ્રેસે કહ્યું કે, ગૃહમંત્રીએ બાબાસાહેબ વિશે જે કહ્યું છે અમે તેની જ વાત કરી રહ્યા છીએ. અમે તેમના શબ્દોને તોડી મરોડીને નથી કહી કહ્યા. તેઓ માફી માંગવાને બદલે ધમકીઓ આપી રહ્યા છે. અમે તેમની ધમકીઓથી ડરવાના નથી.

પ્રતાપ સારંગીના આરોપો બાદ લોકસભામાં વિપક્ષના નેતા અને રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધીએ પોતાનો પક્ષ રજૂ કરતી વખતે આ ઘટના અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે, આ ઘટના તમારા કેમેરામાં કેદ હોઈ શકે છે. હું સંસદના પ્રવેશદ્વારથી અંદર જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ભાજપના સાંસદોએ મને રોકવાનો અને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો જેના કારણે આ ઘટના બની છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, મલ્લિકાર્જુન ખડગેને પણ ધક્કો મારવામાં આવ્યો છે, પરંતુ ધક્કાથી અમને કોઈ અસર થવાની નથી. આ પ્રવેશદ્વાર છે અને અમને અંદર જવાનો અધિકાર છે. ભાજપના સાંસદ અમને અંદર જતા રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મુખ્ય મુદ્દો એ છે કે, તેઓ બંધારણ પર હુમલો કરી રહ્યા છે અને આંબેડકરજીની સ્મૃતિનું અપમાન કરી રહ્યા છે.

ડો. આંબેડકર અંગે કોંગ્રેસના સાંસદ કે.સી. વેણુગોપાલે જણાવ્યું હતું કે, ‘આખા દેશના લોકો અમિત શાહ અને ભાજપના આ વલણથી દુ:ખી છે. બુધવારે અમે સંસદની અંદર અને બહાર આ મુદ્દો ઊઠાવ્યો હતો. અમે ડો. આંબેડકરની તસવીર બતાવી રહ્યા છીએ, તેમણે તે જગ્યાએ (જ્યોર્જ) સોરોસની તસવીર મૂકી છે. આ સ્પષ્ટપણે આંબેડકરજીનું ફરીથી અપમાન છે.’

આ પણ વાંચો :-

Share This Article