સૌરાષ્ટ્ર, કચ્છના કાંઠે આ તારીખે અને આટલાં વાગ્યે ટકરાશે બિપોરજોય, ૧૩૫ KMPHની ઝડપે પવનો ફૂંકાવાની આગાહી

Share this story

Biporjoy is expected to hit Saurashtra

  • ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં મોટુ સંકટ આવી રહ્યું છે. વાવાઝોડું બિપોરજોય ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ટકરાવાનું છે. વાવાઝોડાને લીધે રાજ્યના તમામ ૩૩ જિલ્લામાં વરસાદ પડી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે વરસાદની આગાહી કરી છે.

બિપોરજોય વાવાઝોડું આફત બનીને ત્રાટકે તેની આડે ગણતરીના કલાકો જ બાકી છે. જે ઝડપે ભારતના હાઈવે પર વાહનો નથી ચલાવી શકાતા, તે ઝડપે વાવાઝોડું ફૂંકાશે, તેની કલ્પના જ વ્યક્તિને હચમચાવી મૂકે છે. 1998ના કંડલાના વિનાશક વાવાઝોડા બાદ ગુજરાતે આવા વાવાઝોડાનો અનુભવ નથી કર્યો.

બિપોરજોય…આ નામમાં ભલે જોય જેવો હળવો શબ્દ હોય, પણ આ નામ જેને અપાયું છે તે વાવાઝોડું વિનાશ વેરે તેમ છે.. તેનું કારણ છે વાવાઝોડાનું કદ અને પવનની ગતિ. વાવાઝોડું જેમ જેમ દરિયાકાંઠે આગળ વધી રહ્યું છે, તેમ તેમ વિકરાળ સ્વરૂપ ધારણ ધારણ કરી રહ્યું છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં ૧૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની આગાહી કરાઈ છે.

૧૪મીએ સવાર સુધી વાવાઝોડું ઉત્તર દિશામાં આગળ વધશે ત્યારબાદ તે જમણી તરફ ફંટાઈને ઉત્તર પૂર્વ તરફ એટલે કે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા તરફ આગેકૂચ કરશે અને ૧૫મી જૂને એટલે કે ગુરુવારે બપોરે ૧૨ વાગ્યા સુધી કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચીના તટ વચ્ચે ટકરાશે.

હવામાન વિભાગનું માનીએ તો વાવાઝોડું કચ્છના જખૌ પોર્ટ પર સૌથી પહેલા ત્રાટકશે. વાવાઝોડાનું લેન્ડફોલ ભલે કચ્છમાં થશે પણ સૌરાષ્ટ્રના સાત જિલ્લા પર પણ તેની ગંભીર અસર વર્તાશે. આ દરમિયાન પવનની ગતિ ૧૫૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

૫૦૦ કિલોમીટરથી વધુના ઘેરાવા સાથે આગળ વધી રહેલું બિપોરજોય વાવાઝોડું જ્યારે દરિયાકાંઠા પર ટકરાશે, ત્યારે રાક્ષસી ગતિએ પવનો ફૂંકાશે. ૧૪મી જૂને કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટમાં 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે. જો કે ૧૫મી જૂને વાવાઝોડા સમયે કચ્છ જામનગર અને દ્વારકામાં પવનની ગતિ વધીને ૧૩૫ કિલોમીટર પ્રતિ કલાકની થઈ શકે છે.

એટલે કે જે ઝડપે ભારતના હાઈવે પર વાહનો નથી ચલાવી શકાતા તે ઝડપે વાવાઝોડું ફૂંકાશે. તે સમયે કાંઠાના વિસ્તારોના માહોલની કલ્પના કરવી પણ અઘરી છે.

આ પણ વાંચો :-