15 ઓગસ્ટ પહેલા દિલ્હીમાં મોટું ષડ્યંત્ર નાકામ : 2 હજાર કારતૂસ સાથે 6 શખ્સો ઝડપાયા

Share this story

Big conspiracy foiled in Delhi

  • 15મી ઓગસ્ટે પહેલા દિલ્હીમાં પોલીસની મોટી કાર્યવાહી, આરોપીઓ 2 હજાર કારતુસ ક્યાં સપ્લાય કરવા જતા હતા તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ.

દિલ્હીમાં (Delhi) 15 ઓગસ્ટ પહેલા જ 2 હજાર જીવતા કારતૂસ (A live cartridge) મળી આવતા હડકંપ મચી ગયો છે. કાર્યવાહી દરમ્યાન દિલ્હીમાં કારતુસ સપ્લાય કરનારા 6 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. વિગતો મુજબ પૂર્વ દિલ્હી પોલીસે આનંદ વિહાર (Anand Vihar) વિસ્તારમાંથી 2 બેગ સાથે સપ્લાયરની ધરપકડ કરી છે. હવે આ લોકો આ 2 હજાર કારતુસ ક્યાં સપ્લાય કરવા જતા હતા તે અંગે પોલીસ દ્વારા આ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

15મી ઓગસ્ટે હાઈ એલર્ટ પર દિલ્હી :

દિલ્હી પોલીસ 15મી ઓગસ્ટે હાઈ એલર્ટ પર છે. સમગ્ર દિલ્હી સહિત લાલ કિલ્લા પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમ્યાન 15 ઓગસ્ટ પહેલા જ 2 હજાર જીવતા કારતૂસ મળી આવતા હડકંપ મચી ગયો છે. જેને લઈ પોલીસે આરોપીઓની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

કેવી રીતે કરાઇ કાર્યવાહી ? 

15મી ઓગસ્ટે હાઈ એલર્ટ પર રહેલી પૂર્વ દિલ્હી પોલીસને માહિતી મળી હતી કે આનંદ વિહાર વિસ્તારમાં બે શંકાસ્પદ છે જેમની પાસે હથિયાર હોઈ શકે છે. જેને લઈ પોલીસે ઘટના સ્થળે પહોંચી શકમંદની તલાશી લેતા તેના કબજામાંથી 2000 જીવતા કારતૂસ ભરેલી બે થેલીઓ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

આ પછી પોલીસે જ્યારે તેમની પૂછપરછ કરી તો તેમના અને અન્ય સહયોગીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. હાલ આ તમામની પૂછપરછ કરવામાં આવી રહી છે.

દિલ્હીમાં 10 હજાર પોલીસકર્મીઓ તૈનાત :

આ વખતે આખો દેશ આઝાદીની 75મી વર્ષગાંઠ ઉજવવા જઈ રહ્યો છે. આ ખુશનુમા વાતાવરણમાં કોઈ અવરોધ ન આવે તે માટે સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. આ વખતે 15 ઓગસ્ટે લાલ કિલ્લાની સુરક્ષામાં 10 હજાર પોલીસકર્મીઓ તૈનાત રહેશે. 15 ઓગસ્ટ પહેલા જ સમગ્ર દિલ્હીને એલર્ટ પર રાખવામાં આવ્યું છે.

દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરા પોતે વિવિધ ગુપ્તચર એજન્સીઓ અને સુરક્ષા સંસ્થાઓના વડાઓ સાથે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ક્ષતિ ન રહે તે માટે તેઓ પૂરા પ્રયાસ કરી રહ્યા છે.

આ તરફ સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું છે. એજન્સીઓની વાત માનીએ તો આતંકવાદી સંગઠનો દિલ્હીને હચમચાવી નાખવાનું ષડયંત્ર રચી શકે છે. 15 ઓગસ્ટે IBએ દિલ્હી પોલીસને એલર્ટ રહેવા સૂચના આપી છે.

10 પાનાના રિપોર્ટમાં ઈન્ટેલિજન્સ બ્યુરોએ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા, જૈશ આતંકવાદી ષડયંત્રની યોજના બનાવી હોવાની માહિતી આપી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ISI તેમને લોજિસ્ટિક મદદ આપીને બ્લાસ્ટ કરવા માંગે છે. જેમાં અનેક નેતાઓ સહિત મોટી સંસ્થાઓની ઈમારતોને નિશાન બનાવી શકાય છે.

આ પણ વાંચો :-