સેના, સરકારનું ઈમરાન ખાનને અલ્ટીમેટમ, “વિદેશ જતા રહો કે આર્મી…

Share this story

સેના, સરકારનું ઈમરાન ખાનને અલ્ટીમેટમ, “વિદેશ જતા રહો કે આર્મી…

  • Pakistan Army On Imran Khan : પીટીઆઈ ચીફ ઇમરાન ખાન આ દિવસોમાં નવી મુશ્કેલીમાં ફસાયેલા છે. પાકિસ્તાનની સરકાર અને સેના બંને તેની પાછળ પડયા છે. તેના પર આર્મી એક્ટ હેઠળ કેસ દાખલ કરી દેવામાં આવ્યો છે.

પાકિસ્તાનમાં (Pakistan) અફરાતફરી વચ્ચે એકવાર ફરી રાજકીય વાસ્તવિકતાનું પુનરાવર્તન થઈ રહ્યું છે. ઈમરાન ખાનની હાલત પણ પરવેઝ મુશર્રફ (Pervez Musharraf) અને નવાઝ શરીફ (Nawaz Sharif) જેવા થવા જઈ રહ્યા છે. સેનાએ ઈમરાન ખાનને (Imran Khan) દેશની બહાર જતા રહેવા માટે અલ્ટીમેટમ આપી દીધું છે. જો કે ઈમરાનને આ મંજૂર નથી.

પાકિસ્તાનના રાજકારણ અને દેશમાં છેલ્લા ઘણા દિવસથી અફરાતફરી મચી છે. ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. અત્યાર સુધી સેના સક્રિય રીતે ચિત્રમાં નહતી આવી. જો કે હવે સેના ચિત્રમાં આવી ગઈ છે અને તેનાથી ઈમરાનની મુશ્કેલી વધી છે.

સેના અને સરકારે ઈમરાનને બે વિકલ્પ આપ્યા છે કાં તો દેશ છોડીને લંડન જતા રહે અને કાંતો પાકિસ્તાનમાં રહીને આર્મી એક્ટ હેઠળ દાખલ કરાયેલા કેસનો સામનો કરવા તૈયાર રહે. જો તેઓ બીજો વિકલ્પ પસંદ કરે તો તેમને આજીવન કેદ કે ફાંસીની સજા થઈ શકે છે. ઈમરાન ખાન આ બંને વિકલ્પો પર વિચારણા કરી રહ્યા છે. જો કે એવા અહેવાલ પણ છે કે તેમણે દેશ છોડવાનો ઈન્કાર કરી દીધો છે. તેમનું કહેવું છે કે સરકાર અને સેના તેમની લોકપ્રિયતાથી ડરી ગઈ છે.

ઈમરાન ખાન ભલે પોતાની લોકપ્રિયતાનો દાવો કરતા હોય પણ વાસ્તિકતા એ છે કે તાજેતરમાં તેમના સમર્થકોએ જે રીતે પાકિસ્તાનમાં આતંક મચાવ્યો હતો. તેને જોતાં સરકાર અને સેના બંને ઈમરાન ખાન સામે રોષે ભરાયેલા છે. સેનાએ તો આ પ્રકારના વિરોધ પ્રદર્શનને ફરી સાંખી નહીં લેવાની ચીમકી પણ આપી હતી. સેનાના વડાના આકરા તેવર જોતાં ઈમરાન ખાન હવે નરમ પડયા છે. તેમનો દાવો છે કે તેમની અને સેનાની વચ્ચે અંતર વધારવાનું ષડયંત્ર રચાયું છે. આ માટે તેમણે સરકાર તરફ નિર્દેશ કર્યો છે.

પોલીસ અને સેના ઈમરાનના ઘરે રેડ પણ કરી શકે છે. જો આમ થશે તો ઈમરાન ખાન નવી અને કાયમી મુશ્કલીમાં મૂકાશે. તેમની રાજકીય કારકિર્દીનો અંત આવશે. જે હાલત પરવેઝ મુશર્રફની થઈ હતી, તે જ હાલત તેમની પણ થશે. જેને જોતાં હવે આગામી કેટલાક દિવસો પાકિસ્તાન માટે નિર્ણાયક છે. ઈમરાન સામે કાર્યવાહી કરીને સરકાર ચૂંટણીને ટાળી રહી છે. તો સેના સત્તામાં વધુ ચંચૂપાત કરવાની તક શોધી રહી છે. આ બંને બાબતો પાકિસ્તાનના લોકો માટે જોખમી છે.