અમદાવાદ અકસ્માત : હેડ કોન્સ્ટેબલ જશવંતસિંહ ચૌહાણની અંતિમયાત્રામાં ગોધરાનું આખું ગામ રડ્યું

Share this story
  • અમદાવાદમાં ગુરુવારની મોડી રાત્રે થયેલા અકસ્માતમાં ૯ લોકોના મોત નિપજ્યા હતા. જેમાં બે પોલીસકર્મીઓના પણ મોત થઈ ગયા.

ઈસ્કોન બ્રિજ પર પૂરપાટ ઝડપે કાર હંકારી રહેલા તથ્ય પટેલે અગાઉથી અકસ્માત થયેલા સ્થળ પર ઊભેલા પોલીસકર્મી સહિત અન્ય લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ગોધરા તાલુકાના સાંપા ગામના વતની અને અમદાવાદમાં પોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જશવંતસિંહ ચૌહાણનું નિધન થઈ ગયું.

જશવંતસિંહના પાર્થિવ દેહને આજે સાંપા ગામ ખાતે લઈ જવામાં આવ્યો હતો. ત્યારે આખું ગામ હીબકે ચડ્યું હતું અને સમગ્ર વાતાવરણ આક્રંદથી ગમગીન થઈ ગયું હતું. પંચમહાલ પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જશવંતસિંહ ચૌહાણ કે જે ૧૯૯૮ થી અમદાવાદમાં જ પોલીસ તરીકેની ફરજ બજાવતા હતા અને હાલમાં તેઓ સરખેજ પોલીસ સ્ટેશનમાં ટ્રાફિક પોલીસ તરીકેની ફરજ નિભાવતા હતા.

જશવંતસિંહ ચૌહાણ સારા વ્યક્તિ તરીકેની ગામમાં માન-મોભો જાળવેલ છે. જશવંતસિંહના પરિવારમાં વૃદ્ધ માતા-પિતા એક પુત્ર એક પુત્રી અને પત્ની છે. અકસ્માતમાં કારણે જ્યાં તેમના બંને સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે તો વૃદ્ધ માતા-પિતાએ પણ ઘડપણનો સહારો ગુમાવ્યો છે.

હજુ તો તેમના બાળકો ભણી રહયાં છે અને મા-બાપ ખેતી કરી રહ્યા છે બીજું કોઈ કમાનાર પણ નથી એવામાં ચાર લાખ રૂપિયાની સહાય આ પરિવાર માટે એક ચોખાના દાણા બરાબર છે. પરિવાર નરાધમ ડ્રાઈવર અમીર બાપની ઓલાદને ફાંસીની સજા મળે તેવી માંગ કરી રહ્યો છે.

આ પણ વાંચો :-