Friday, Oct 24, 2025

લાજપોર જેલમાંથી ફરાર આરોપીની ત્રણ વર્ષ બાદ ઉત્તરપ્રદેશથી સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી

2 Min Read

વરાછા સ્થિત ન્યુ બોમ્બે માર્કેટ ખાતે આવેલી મરાઠી સમાજનું અપમાન કરી ધાર્મિક લાગણી દુભાવવાના કેસમાં સુરતની લાજપોર જેલમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર થઈ ગયેલા આરોપીની ત્રણ વર્ષ બાદ ઉત્તરપ્રદેશથી ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના વરાછા સ્થિત ન્યુ બોમ્બે માર્કેટ પાસે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. જે પ્રતિમાને છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી પર મરાઠી સમાજ દ્વારા હારતોરા કરી બહુમાન આપવામાં આવે છે. એટલું જ નહીં મરાઠી સમાજમાં છત્રપતિ શિવાજી મહારાજનું એક આગવી ઓળખ અને ઉચ્ચ સ્થાન છે. જોકે આ પ્રતિમાને વર્ષ 2019માં રોહિત ઉર્ફે પુતન નરીન શુક્લા નામના શખ્સે લાત મારી શિવાજી મહારાજ અને મરાઠી સમાજનું અપમાન કરવામાં આવ્યું હતું. જે અંગેનો ગુનો પુણા પોલીસ મથકમાં નોંધાયો હતો. પુણા પોલીસે મરાઠી સમાજનું અપમાન કરવા અને ધાર્મિક લાગણી દુભાવવા બદલ આરોપીની ધરપકડ કરી હતી.

આરોપી ઉત્તર પ્રદેશના ફતેપુર જિલ્લાના પાઈ ગામ ખાતે છુપાયો હોવાની બાતમી સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ ઉત્તર પ્રદેશ ખાતે ગઈ હતી. જ્યાં ઉત્તર પ્રદેશમાં વોચ ગોઠવી આરોપીને દબોચી પાડવામાં આવ્યો હતો. હાલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કરી કબજો સુરતની લાજપોર જેલને સોંપવા અંગેની તજવીજ હાથ ધરવામાં આવી છે.

સુરતની લાજપોર જેલમાં કાચા કામના કેદી તરીકે જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ હતો. આરોપીએ વર્ષ 2020માં કોરોના મહામારી દરમિયાન 30મી માર્ચના રોજ લાજપોર જેલમાંથી વચગાળાના જામીન મેળવ્યા હતા. આરોપીને 31મી ડિસેમ્બર 2020ના રોજ લાજપોર જેલમાં પરત હાજર થવાનું હતું. પરંતુ આરોપી મુદ્દતે હાજર ન થતા પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયો હતો. છેલ્લા ત્રણ વર્ષથી આરોપી પોલીસ પકડથી દૂર હતો.

આરોપીને બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાંચે તેના વતન ઉત્તરપ્રદેશથી ઝડપી લીધો હતો. આરોપીનો સુરત ક્રાઈમ બ્રાંચે કબજો લઈ લાજપોર મધ્યસ્થ જેલ ખાતે સોંપવા તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

 

 

Share This Article