- Gujarat Weather: સમગ્ર રાજ્યમાં ચોમાસું પહોંચી ગયું છે. રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદ પડયા બાદ છેલ્લા બે દિવસથી થોડો વરસાદ ઓછો થયો છે.
રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદ શાંત પડી ગયો છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદના બીજા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ ૩૨ ટકા જેટલો વરસાદ પડ્યો છે. રાજ્યના હવામાન વિભાગે વરસાદના બીજા રાઉન્ડની તારીખો આપી દીધી છે. ત્રણ દિવસ બાદ રાજ્યમાં ફરી વરસાદ શરૂ થશે. જાણો હવામાન વિભાગની આગાહી પ્રમાણે કઈ તારીખથી કયા કયા વરસાદ પડશે.
હવામાન વિાગના ડાયરેક્ટરે આપી માહિતી :
ગુજરાત હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ રાજ્યમાં વરસાદના બીજા રાઉન્ડની આગાહી કરી છે. હવામાન વિભાગે છ અને સાત જુલાઈએ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે સુરત અને ભરૂચમાં છૂટોછવાયો વરસાદ જોવા મળી શકે છે. ૬-૭ જુલાઈ પછી સૌરાષ્ટ્રમાં વરસાદની એન્ટ્રી થશે. તો હવામાન વિભાગ પ્રમાણે ત્રણ દિવસ બાદ રાજ્યમાં ફરી વરસાદ પડવાની સંભાવના છે.
ભારેથી અતિભારે વરસાદની આગાહી :
હવામાન વિભાગે ૭ જુલાઈએ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ૭ જુલાઈએ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં સર્ક્યુલેશન બનતા વરસાદ રહેશે. તો તાપમાનમાં હવે કોઈ વધારો થવાનો નથી. એટલે કે લોકોએ હવે ભારે ગરમી સહન કરવી પડશે નહીં. ત્રણ દિવસ બાદ રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ જશે.
રાજ્યના હવામાન વિભાગ પ્રમાણે ૬ તારીખની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં ૭ જુલાઈએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. વિશેષ કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં ૪ થી ૬ જુલાઈ માછીમારો માટે પણ ચેતવણી આપવામાં આવી છે. આ દરમિયાન દરિયામાં ભારે પવન ફૂંકાઈ શકે છે.