સંસદની સુરક્ષામાં ચૂક બાદ ગૃહ મંત્રાલયનો નિર્ણય, હવે CISF સંભાળશે સુરક્ષા

Share this story

સંસદની સુરક્ષામાં ૧૩મી ડિસેમ્બરે ચૂક થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સંસદની સુરક્ષાને લઈને છેલ્લા ઘણા દિવસોથી વિરોધ પક્ષો કેન્દ્ર સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. વિરોધ પક્ષોની માંગ છે કે આ સુરક્ષા ચૂકને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગૃહમાં આવીને નિવેદન આપે. સંસદની સુરક્ષાની જવાબદારી હવે CISFને આપવાનો નિર્ણય તપાસ કમિટિની ભલામણ બાદ લેવામાં આવ્યો છે.

CISFએ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સનો એક ભાગ છે, જે પરમાણુ અને એરોસ્પેસ ડોમેન હેઠળ આવતી સંસ્થાઓ, એરપોર્ટ અને દિલ્હી મેટ્રોની સુરક્ષાનું કામ કરે છે. આ ઉપરાંત દિલ્હીમાં ઘણા મંત્રાલયોના ભવનોની સુરક્ષાની જવાબદારી પણ CISF પાસે છે. આ રીતે સરકારના આ નિર્ણય બાદ હવે CISF પાસે દેશની સૌથી સુરક્ષિત ગણાતી સંસદની સુરક્ષાની જવાબદારી પણ આવી ગઈ છે.

CISFને સંસદના એક્સેસ પોઈન્ટની જવાબદારી મળી શકે છે, જે હાલમાં દિલ્હી પોલીસ પાસે છે. કેન્દ્ર સરકારના મંત્રાલયોની રક્ષા કરતા CISFના ગવર્મેન્ટ બિલ્ડિંગ સિક્યુરિટી (GBS) યુનિટના નિષ્ણાતો સાથે CISF ફાયર અને રેસ્ક્યૂ અધિકારીઓ અને વર્તમાન સંસદ સુરક્ષા ટીમના અધિકારીઓ આ સપ્તાહના અંતમાં સર્વેક્ષણ શરૂ કરશે. નવા અને જૂના સંસદ સંકુલ અને તેની સાથે સંકળાયેલી ઇમારતોને CISFના વ્યાપક સુરક્ષા કવચ હેઠળ લાવવામાં આવશે, જેમાં સંસદ સુરક્ષા સેવા, દિલ્હી પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સનો સમાવેશ થશે.

આ પણ વાંચો :-