કેજરીવાલની ધરપકડ બાદ સુનીતાએ કમાન સંભાળી,આપનું નવું અભિયાન શરૂ

Share this story

દિલ્હી લીકર પોલિસી કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદથી આમ આદમી પાર્ટી એક્શન મોડમાં આવી ગઇ છે. કેજરીવાલ વતી હવે તેમની પત્ની સુનીતા કેજરીવાલ મોરચો સંભાળતા દેખાઈ રહ્યા છે. ફરી એકવાર તેમણે નવો વીડિયો શેર કરી આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવી રહેલા નવા અભિયાન વિશે માહિતી આપી હતી.

સુનીતા કેજરીવાલે તેમના પતિની તુલના સ્વાતંત્ર્ય સેનાની સાથે કરી હતી અને કહ્યું હતું કે તેમના રોમ રોમમાં દેશભક્તિ સમાયેલી છે. તેમણે કેન્દ્ર સરકાર પર એમ કહીને નિશાન સાધ્યું કે કેજરીવાલે તાનાશાહી પક્ષોને પડકાર ફેંક્યો છે. સુનીતાએ કહ્યું, ‘તમે સાંભળ્યું જ હશે કે ગઈ કાલે અરવિંદજીએ કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. જો તમે તે સાંભળ્યું ન હોય, તો કૃપા કરીને સાંભળો. તેમણે કોર્ટની સામે જે કહ્યું તેના માટે ઘણી હિંમતની જરૂર હતી. તેઓ સાચા દેશભક્ત છે. આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ બ્રિટિશ સરમુખત્યારશાહી સામે આ રીતે લડ્યા હતા. હું છેલ્લા ૩૦ વર્ષથી તેમની સાથે છું. તેમના શરીરના રોમ રોમમાં દેશભક્તિ હાજર છે. અરવિંદજીએ દેશની સૌથી શક્તિશાળી, ભ્રષ્ટ અને તાનાશાહી શક્તિઓને પડકાર ફેંક્યો છે.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યૂ કોર્ટે ફરી એકવાર ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા. કેજરીવાલના રિમાંડમાં ચાર દિવસનો વધારો કરતાં તેમને ૧ એપ્રિલ સુધી કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. તેમના પર ઈડીએ ૧૦૦ કરોડથી વધુના દિલ્હી લીકર પોલિસી કૌભાંડમાં મુખ્ય સુત્રધાર હોવાનો આરોપ મૂક્યો છે.

આ પણ વાંચો :-