સંકટો વચ્ચે ફસાયેલી AAP ના ગોપાલ ઈટાલિયાની વતન વાપસી, પાર્ટીએ સોંપી આ મોટી જવાબદારી

Share this story

AAP’s Gopal 

  • ગુજરાતમાં અનેક મોરચે સંકટનો સામનો કરી રહેલી આમ આદમી પાર્ટીએ એક મોટી જાહેરાત કરીને પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાને ફરી એકવાર રાજ્યમાં મોટી જવાબદારી સોંપી છે.

સુરતના (Surat) ગઢમાં પાર્ટી તૂટી રહી છે તો પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી (Isudan Gadhavi) પીએમ મોદીના કાર્યક્રમ મન કી બાત પર Tweet કરવા મામલે ફસાયેલા છે.

 ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં અનેક કટોકટીનો સામનો કરી રહેલી આમ આદમી પાર્ટી (AAP)એ મોટો નિર્ણય લીધો છે. પાર્ટીએ ફાયરબ્રાન્ડ નેતા અને પૂર્વ રાજ્ય પ્રમુખ ગોપાલ ઈટાલિયાને (Gopal Italia) રાજ્યમાં પરત આવવા આદેશ કર્યો છે. એક મહત્વપૂર્ણ જાહેરાતમાં પાર્ટીએ આગામી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીના પ્રભારી તરીકે ગોપાલ ઈટાલિયાની નિમણૂંક કરી છે.

રાજ્યની અનેક નગરપાલિકાઓની સાથે ગ્રામ પંચાયતોની ચૂંટણી આ વર્ષે યોજાવાની છે. આવા સંજોગોમાં પાર્ટી સંગઠનથી માહિતગાર ગોપાલ ઈટાલિયાને (Gopal Italia) ફરી ગુજરાત મોરચે ઉતારવામાં આવ્યા છે. વિધાનસભા ચૂંટણી બાદ પાર્ટીએ ઈસુદાન ગઢવીને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા અને ગોપાલ ઈટાલિયાને મહારાષ્ટ્રના સહપ્રભારી બનાવ્યા હતા.

કટોકટીના સમયમાં મોટી જવાબદારી :

ગુજરાત સરકારમાં અગાઉ કોન્સ્ટેબલ અને ક્લાર્ક તરીકે કામ કરી ચૂકેલા યુવા ગોપાલ ઈટાલિયાને પાર્ટી દ્વારા એવા સમયે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે પાર્ટી રાજ્યમાં એક જ સમયે અનેક પડકારોનો સામનો કરી રહી છે. સુરતમાં આઠ કાઉન્સિલરોએ પાર્ટી છોડી દીધી છે.

ત્યાં પાર્ટી પાસે માત્ર ૧૫ કાઉન્સિલર બચ્યા છે. જેમાં રાજેશ મોરડિયાને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવે તેમ માની લઈએ તો કુલ કાઉન્સિલરોની સંખ્યા ૧૪ રહી જાય છે. પાર્ટીને ત્યાં વિપક્ષમાં રહેવા માટે ૧૨ કાઉન્સિલરોની જરૂર છે. બીજું મોટું સંકટ વિદ્યાર્થી નેતા અને AAPના યુવરાજસિંહ જાડેજાનું છે. યુવરાજ પર ડમી કેસમાં વસૂલીનો આરોપ છે અને હાલમાં તે જેલમાં બંધ છે.

આ તમામ સંજોગો વચ્ચે ગોપાલ ઈટાલિયાએ ચૂંટણીની તૈયારીઓની જવાબદારી નિભાવવી પડશે. જો કે ચૂંટણી પહેલા ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ ઈટાલિયા સામે પણ કેસ ચાલી રહ્યો છે. જેમાં તાજેતરમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમને છોડી મુકવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-