કેન્દ્ર સરકારે બુધવારે પ્રથમ વખત યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની રજિસ્ટ્રેશન સમયે અને પરીક્ષાઓ તેમજ ભરતીના વિવિધ તબક્કાઓ દરમિયાન ઉમેદવારોની ઓળખ ચકાસણી માટે આધાર-બેઝ્ડ ઓથેન્ટિકેશનને મંજૂરી આપી છે. આ પછી ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ (DoPT)એ પણ આ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે.
આ પગલું એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે કેમ કે આયોગે ગત મહિને પ્રોબેશનરી આઈએએસ અધિકારી પૂજા ખેડકરની ઉમેદવારી રદ કરી હતી. આયોગે યોગ્યતાથી અલગ સિવિલ સેવા પરીક્ષામાં ગરબડ કરવાને લીધે ખેડકર સામે ભવિષ્યમાં કોઈપણ પરીક્ષામાં સામેલ થવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. સરકારનું આ પગલું પૂજા ખેડકરના કેસ સાથે જ જોડીને જોવાઈ રહ્યું છે.
કર્મચારી મંત્રાલયે તેના નોટિફિકેશનમાં જણાવ્યું છે કે, UPSCને ‘વન ટાઈમ રજિસ્ટ્રેશન’ પોર્ટલ પર રજિસ્ટ્રેશન સમયે અને પરીક્ષા/ભરતી પરીક્ષાના વિવિધ તબક્કામાં ઉમેદવારોની ઓળખની ચકાસણી માટે સ્વૈચ્છિક ધોરણે આધાર ઓથેન્ટિકેશન કરવાની પરવાનગી આપવામાં આવી છે. જેના માટે હા/ના અથવા/અને ઈ-કેવાયસી ઓથેન્ટિકેશન સુવિધાનો ઉપયોગ કરવામાં આવશે.”
નોટિફિકેશનમાં વધુમાં જણાવવામાં આવ્યું કે, “આયોગે આધાર અધિનિયમ, 2016ની તમામ જોગવાઈઓ, તેના હેઠળ બનાવેલા નિયમો, વિનિયમો અને યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરાયેલી સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.” ઉલ્લેખનીય છે કે, આધાર એ 12 અંકનો નંબર છે જે UIDAI દ્વારા તમામ પાત્ર નાગરિકોને બાયોમેટ્રિક અને ડેમોગ્રાફિક ડેટાના આધારે જારી કરવામાં આવે છે.
આ પણ વાંચો :-