મહિલા IRS અધિકારીએ કરાવ્યું લિંગ પરિવર્તન, સિવિલ સર્વિસના ઈતિહાસનો પહેલો કિસ્સો

Share this story

સિવિલ સર્વિસના ઈતિહાસમાં કદાચ આ પ્રકારનો પ્રથમ કિસ્સો જોવા મળ્યો છે. જેમાં એક મહિલા IRS અધિકારીએ લિંગ પરિવર્તન કરાવીને પુરુષ બન્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સના રેવન્યુ ડિપાર્ટમેન્ટે મંગળવારે તેને મંજૂરી આપી છે. વિભાગે કહ્યું કે, હવે સંબંધિત મહિલા અધિકારી મિસ એમ અનુસૂયા હવે મિસ્ટર એમ અનુકથિર સૂર્યા તરીકે ઓળખાશે અને તેમની ઓળખાણ મહિલાને બદલે પુરુષ તરીકે કરવામાં આવશે.

હૈદરાબાદમાં ચીફ કમિશનર ઑફ કસ્ટમ્સ એક્સાઇઝ એન્ડ સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (CESTAT)માં જોઈન્ટ કમિશનર તરીકે ફરજ નિભાવતા એમ. અનુસૂયાએ લિંગ પરિવર્તન કરાવ્યું છે. ત્યારબાદ તેમણે નાણા મંત્રાલયમાં નામ બદલવાની તેમજ લિંગ કોલમમાં પણ સ્ત્રીના બદલે પુરુષ કરવાની વિનંતી કરી હતી. જે મંત્રાલય દ્વારા સ્વીકારી લેવામાં આવી હતી. તેમણે પોતાનું નામ એમ. અનુસૂયામાંથી અનુકથિર સૂર્યા કર્યું છે.

ડિસેમ્બર ૨૦૧૩માં સૂર્યાએ ચેન્નાઈમાં આસીસ્ટન્ટ કમિશનર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. ત્યારબાદ ૨૦૧૮માં તેઓ ડેપ્યુટી કમિશનર બન્યા, તેમજ હવે ગયા વર્ષે તેમનું પોસ્ટિંગ હૈદરાબાદ કરવામાં આવ્યું હતું. સૂર્યાએ ચેન્નઈમાં મદ્રાસ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી ઈલેકટ્રોનિકસમાં ગ્રેજ્યુએશન કરેલું છે. ત્યારબાદ વર્ષ ૨૦૨૩માં નેશનલ લો ઇન્સ્ટિટ્યૂટ યુનિવર્સિટી, ભોપાલમાંથી સાયબર લો અને સાયબર ફોરેન્સિકમાં પીજી ડિપ્લોમા કર્યું હતું.

૧૫ એપ્રિલ, ૨૦૧૪ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા ભારતમાં ત્રીજા લિંગને માન્યતા આપવામાં આવી હતી. કોર્ટે કહ્યું હતું કે, લિંગ ઓળખ એ વ્યક્તિગત પસંદગી છે કે વ્યક્તિ ‘સર્જરી કરાવે છે કે નહીં.’ ઓડિશામાં એક પુરૂષ વાણિજ્યિક કર અધિકારીએ ઓડિશા ફાઇનાન્સિયલ સર્વિસિસમાં નોકરીમાં જોડાયાના પાંચ વર્ષ પછી, 2015માં તેનું લિંગ બદલીને સ્ત્રી બનવાનું નક્કી કર્યું હતું. તે પણ મંજૂર કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :-