વડોદરામાં એક તરફ શહેરમાં ઘણા ભાગોમાં પાણી ભરાયેલા છે તો બીજી તરફ હવે નદીના પાણી સાથે આવેલા મગરો જોખમ બન્યા છે. વડોદરા શહેર અને આસપાસના ગામોમાં મગરોનું સંકટ વધ્યુ છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છે તે વડોદરાના કામનાથનગર, નહરહિ હોસ્પિટ રોડ પરના રહેણાક વિસ્તારના છે. આ મહાકાય મગર રહેણાક વિસ્તારમાં ઘૂસી આવ્યો હતો.
વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં મગર મોટા પ્રમાણમાં વસવાટ કરી રહ્યા છે ત્યારે પૂરના પાણીની સાથે સાથે મગરો પણ બહાર નીકળી આવ્યા છે અને જાહેરમાં ફરતા દેખાઈ રહ્યા છે. જેથી નગરજનોના માથે વધુ એક જોખમ સર્જાયું છે. સ્થાનિકોના મતે 15 ફૂટથી મોટો આ મહાકાય મગર ઘરમાં ઘૂસી આવ્યો હતો. દ્રશ્યોમાં જોઈ શકાય છે તેમ આ મગર ઘરમાં ઘૂસતા રહીશોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જે બાદ મગરને રેસ્ક્યૂ કરી દેવાયો હતો. આ મહાકાય મગરને પકડીને વન વિભાગ લાવવામાં આવ્યો હતો.
તો બીજી તરફ સમા સાવલી રોડ પર પણ 12 ફૂટનો મગર રોડ પર આવી જતા જીવ દયા કાર્યકરોએ અઢી કલાકની જહેમત બાદ તેનું રેસ્ક્યુ કરી ફોરેસ્ટ વિભાગને સોપ્યો હતો. ફતેગઢ નરારી હોસ્પિટલ પાસે આજે સવારે મગર બહાર આવી જતા ફોરેસ્ટ વિભાગની ટીમે તેનું પણ રેસ્ક્યુ કર્યું હતું. વડોદરાના રસ્તા પર મહાકાય મગર ફરતો દેખાયો હતો. અવસર પાર્ટી પ્લોટ પાસે 10 ફૂટના મગરનું રેસ્ક્યૂ કરાયું હતું. ઘૂંટણસમા પાણીમાં ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કરાયું હતું. દોરડા વડે બાંધીને મગરને પાંજરે પુરાયો હતો. વિશ્વામિત્રી નદીના પાણી સાથે મગર બહાર આવતાં સ્થાનિકોમાં ફફડાટનો માહોલ છે.
આ પણ વાંચો :-