Home Blog

ભારે કરી! મૃત માનેલી મહિલા સુરતમાં મળી જીવિત

ઝારખંડમાં જે મહિલાને મૃત માની તેની હત્યા અને લાશ છુપાવવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો, એ જ મહિલા સુરતમાંથી જીવિત મળી આવતા સમગ્ર મામલો ચોંકાવનારા વળાંક પર પહોંચ્યો છે. રાંચી જિલ્લાના ખેલારી પોલીસ સ્ટેશનમાં વિણી દેવી ઉર્ફે વિણા દેવીની હત્યા અંગે નોંધાયેલી ફરિયાદ બાદ તપાસ ચાલી રહી હતી, ત્યારે સુરતની સચિન GIDC પોલીસે મહિલાને જીવિત શોધી કાઢતા હવે સમગ્ર કેસની હકીકત સામે લાવવાનો પડકાર ઊભો થયો છે.

મળતી માહિતી મુજબ, 2 સપ્ટેમ્બર 2026ના રોજ ઝારખંડના રાંચી જિલ્લાના ખેલારી પોલીસ સ્ટેશનમાં વિણી દેવી ઉર્ફે વિણા દેવીની હત્યા કરી તેની લાશ છુપાવવાના આરોપસર ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનામાં મહિલાના પતિ સામુ બંધુ મહતો સહિત સાસરી પક્ષના અન્ય લોકો સામે પોલીસ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. મહિલાની હત્યા થઈ હોવાનું માનીને ઝારખંડ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન મહિલાના પરિવારજનો તેમજ સાસરી પક્ષના લોકોની ભૂમિકા સહિત વિવિધ પાસાઓ તપાસવામાં આવી રહ્યા હતા. દરમિયાન આ કેસની કડી સુરત સુધી પહોંચતા સચિન GIDC પોલીસ સક્રિય બની હતી. મળેલી માહિતીના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી અને આખરે વિણી દેવી ઉર્ફે વિણા દેવીને સુરતમાંથી જીવિત શોધી કાઢી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મહિલા સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલી રાજુભાઈની ચાલ, શિવાંજલી સોસાયટી ખાતે રહેતી હતી. મહિલાને જીવિત હાલતમાં શોધી કાઢવામાં આવતા ઝારખંડમાં નોંધાયેલા હત્યાના ગુનાને લઈને અનેક સવાલો ઉભા થયા છે.

હવે સૌથી મોટો સવાલ એ છે કે મહિલા ઝારખંડમાંથી સુરત કેવી રીતે પહોંચી? તે સુરતમાં કોની સાથે રહેતી હતી? તેમજ ઝારખંડમાં તેની હત્યા થઈ હોવાનું માનીને ફરિયાદ કયા આધારે નોંધવામાં આવી હતી? આ તમામ મુદ્દાઓ પર આગળની તપાસમાં પ્રકાશ પાડવામાં આવશે.

મહિલાનું નિવેદન તેમજ સુરત અને ઝારખંડ પોલીસની તપાસ બાદ જ સમગ્ર ઘટનાની વાસ્તવિક હકીકત સ્પષ્ટ થઈ શકશે. જીવિત મહિલા મળી આવતાં ઝારખંડમાં નોંધાયેલા હત્યા અને લાશ છુપાવવાના કેસની તપાસને પણ હવે નવી દિશા મળી છે.

VIDEO:માછલીની જેમ તરે છે આ રોબોટ! જાણો આ ચીનની ટેક્નોલોજીનું રહસ્ય

પાણીમાં તરતી આ માછલીને પહેલી નજરે જોઈને તમને પણ કદાચ એ કુદરતી લાગશે, પરંતુ નજીકથી જોતા ખબર પડે છે કે આ જીવતી માછલી નહીં, અત્યંત હકીકત જેવી દેખાતી રોબોટિક ફિશ છે. ચીનમાં રજૂ થયેલી BG-5 Golden Dragon Fish પોતાની કુદરતી જેવી તરવાની ચાલ અને પાણીની અંદર સ્વચાલિત રીતે માર્ગ બદલવાની ક્ષમતાને કારણે ચર્ચામાં આવી છે.

આ રોબોટ Boya Gongdao Marine Technology Group દ્વારા વિકસાવવામાં આવ્યું છે અને તેની ડિઝાઇન આધાર ગોલ્ડન અરૉવાના એટલે કે ગોલ્ડન ડ્રેગન ફિશ પર છે. સપ્ટેમ્બર 2026માં બેઇજિંગમાં યોજાયેલી China International Fair for Trade in Services (CIFTIS) દરમિયાન તેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

BG-5માં સામાન્ય અંડરવોટર ડ્રોનની જેમ પ્રોપેલરનો ઉપયોગ થતો નથી. તેની જગ્યાએ બહુ-જોઇન્ટવાળી પૂંછડી માછલીની જેમ લહેરાતી હોવાથી તે પાણીમાં આગળ વધે છે. કંપનીના જણાવ્યા અનુસાર તેમાં સ્વચાલિત અવરોધ ટાળવાની ક્ષમતા પણ છે. તે અગાઉથી નક્કી કરાયેલા માર્ગ પર જ નિર્ભર રહેવાને બદલે સેન્સરની મદદથી આસપાસના અવરોધોને ઓળખીને દિશા બદલી શકે છે.

કંપનીના કેટલોગ પ્રમાણે BG-5નું વજન આશરે 3 કિલોગ્રામ, લંબાઈ 640 મિમી અને મહત્તમ કાર્યકારી ઊંડાઈ 5 મીટર છે, જ્યારે તેની નોંધાયેલ મહત્તમ ગતિ 0.6 મીટર પ્રતિ સેકન્ડ છે.

કંપની તેને પાણીની અંદરની શોધ, બચાવ, સંશોધન અને અન્ય જળસંબંધિત કામગીરી માટેના બાયોમિમેટિક રોબોટ તરીકે રજૂ કરે છે. તેથી ભવિષ્યમાં પાણીની અંદર અવલોકન અને સર્વેલન્સ જેવી કામગીરીમાં આવી ટેક્નોલોજીના ઉપયોગની શક્યતાઓ પર પણ ચર્ચા થઈ રહી છે.

video : ન્યૂયોર્કમાં ટ્રેનની અડફેટે ભારતીય મૂળની યુવતી અને મિત્રનાં મોત

ન્યૂયોર્કના લોઅર મેનહટનની સ્પ્રિંગ સ્ટ્રીટ સબવે સ્ટેશન પર એક ભયાનક અકસ્માતમાં ભારતીય મૂળની 24 વર્ષીય યુવતી માલાઇકા ચિત્રે અને તેના નેપાળી-અમેરિકન મિત્ર નવમ કૌલનું ટ્રેનની અડફેટે મોત થયું હતું. અમેરિકન મીડિયા અહેવાલો અનુસાર, બંનેમાંથી એક વ્યક્તિ ટ્રેક પર પડી ગયા બાદ બીજો તેને બચાવવા માટે નીચે ઉતર્યો હતો.

ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ટ્રેન નજીક આવતી વખતે બંને પ્લેટફોર્મની નીચે જોવા મળે છે. ત્યારબાદ ડાઉનટાઉન જતી નંબર-4 ટ્રેનની અડફેટે બંને આવી ગયા હતા. માલાઇકા ચિત્રે ન્યૂ જર્સીના ડેટનમાં રહેતી હતી, જ્યારે નવમ કૌલ સાયરેવિલનો રહેવાસી હતો. બંનેએ રટગર્સ યુનિવર્સિટીમાં સાથે અભ્યાસ કર્યો હતો.

મુંબઈ ઘાટકોપરના ભાજપના કરોડપતિ ધારાસભ્ય પરાગ શાહ ભિક્ષુક બનીને ભિક્ષા માંગવા નીકળ્યા!

મુંબઈગરાઓ, જૈનસમાજ અને રાજકીયતખ્તે અચરજ પમાડનારી ઘટના હતી, અનેક લોકોએ પરાગ શાહને ધુત્કાર્યા, કાઢી મુક્યા તો કેટલાંક ગરીબોએ અડધામાંથી અડધો ટુકડો પણ આપ્યો

ભિક્ષુકયાત્રા દરમિયાન પરાગ શાહને દુનિયાની વાસ્તવિકતાના અનેક અનુભવ થયા, ગરીબે આપેલા ટુકડા સામે કરોડોની સંપત્તિની કોઈ વિસાત નથી તો બીજી તરફ સમય આવ્યે પોતીકા પણ પારકા બની જતા હોવાનો અનુભવ કર્યો

નમ્રમુનિ મહારાજ સાહેબ પરાગ શાહને વાસ્તવિક દુનિયાનો અનુભવ કરાવવા માંગતા હતા અને એટલે જ ભિક્ષુક બનીને ભિક્ષા માંગવા આદેશ કર્યો હતો, પરાગ શાહ માટે નમ્રમુનિ મહારાજ સાહેબનો આદેશ સર્વોપરી હતો

મુંબઈના ઘાટકોપરના ભાજપના ધારાસભ્ય પરાગ શાહના નામથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. ખમતીધર, આર્થિક રીતે સધ્ધર અને વેપાર-ઉદ્યોગમાં મોટું નામ અને કામ ધરાવતા પરાગ શાહ જૈન ધર્મના નિયમપાલનમાં પણ એટલા જ ચુસ્ત અને પ્રામાણિક છે અને એટલે જ ભાજપે મહારાષ્ટ્રની ગત ચૂંટણીમાં ઘાટકોપર બેઠક માટે પરાગ શાહની પસંદગી કરી હતી અને તેમના પ્રચાર માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના ભાજપના આગેવાનોએ ઘાટકોપર અને અન્ય બેઠકો માટે પ્રચાર કરવા ગયા હતા.

અલબત્ત પરાગ શાહની ખુદની એટલી બધી લોકપ્રિયતા છે કે એમના માટે ચૂંટણીપ્રચાર કરવાની જરૂર નહોતી, લોકો સામે ચાલીને પરાગ શાહને નોંધપાત્ર બહુમતીથી જીતાડવા તલપાપડ હતા અને ચૂંટણીનાં પરિણામો આવતા પરાગ શાહ જંગી બહુમતિથી ચૂંટાઇ આવ્યા હતા.
ખેર, પરાગ શાહનું બીજું જમા પાસું એ છે કે તેઓ ચુસ્ત માનવતાવાદી હોવા ઉપરાંત જૈન ધર્મમાં અપાર શ્રદ્ધા ધરાવે છે અને જૈન પરંપરાનું નખશિખ આચરણ કરતા આવ્યા છે. ભગવાન મહાવીરના બોધને તેમણે જીવનચર્યામાં વણી લીધો છે.
મુંબઇ મહાનગર ભાજપ જૈનસેલના પ્રમુખ સી.વી. શાહના કહેવા મુજબ પરાગ શાહ અજાતશત્રુ છે, હંમેશાં પરોપકારમાં માનતા પરાગ શાહની સવાર પહેલું કામ પરોપકાર કરવાથી પડે છે. જાહેર જીવનમાં પરાગ શાહ ભાજપની વિચારધારાથી રંગાયેલા છે. પરંતુ પોતાની રાજકીય વિચારધારાને બાજુમાં રાખીને કોઇપણ ધર્મ, વર્ગ, સમાજને ઓળખ્યા વગર હંમેશા સમાજસેવાની આહલેક જગાવતા આવ્યા છે. પરાગ શાહ માટે માનવીય કર્મ અને માનવતા મુખ્ય વિચારધારા છે.

પર્યુષણ પર્વ દરમિયાન પરાગ શાહે જીવમાત્રના કલ્યાણ માટે બે હાથે મૂડી વહેંચી હતી અને છેલ્લે તેમના આધ્ય‌‌ાત્મિક ગુરૂ નમ્રમુનિ મહારાજના આદેશથી ભિક્ષુકનો વેશ ધારણ કરીને શેરીઓમાં ભિક્ષા પણ માંગી હતી! એક કરોડપતિ વ્યક્તિ ભિક્ષુકનું રૂપ ધારણ કરી શહેરની ગલીઓમાં ભીખ માંગવા નીકળે ત્યારે વાત સાંભળવાનું પણ અસહજ લાગે. રોજ લાખોનું દાન કરનાર માણસ રોડ ઉપર ઊતરીને લોકો પાસે ભિક્ષા માટે હાથ ફેલાવે ત્યારે સાંભળનાર કોઈના માટે પણ અચરજ પમાડનારું લાગે પરંતુ ગુરૂદેવના આદેશથી પરાગ શાહ ભિક્ષુક બન્યા હતા. કરોડો, અબજોની સંપત્તિ, ભોગવિલાસ, પદ-પ્રતિષ્ઠા આ બધું નાશવંત, ક્ષુલ્લક અને ક્ષણિક છે. આ વાતનો જીવનમાં નમ્રમુનિ મહારાજ સાહેબે વાસ્તવિક અનુભવ કરાવ્યો હતો અને પરાગ શાહ પોતાની અસલ ઓળખ છુપાવીને ભિક્ષુક બનીને મુંબઇ મહાનગરની શેરીઓમાં નીકળ્યા ત્યારે ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબે કહેલા એક એક શબ્દનો સાક્ષાત્કાર થયો હતો. પરાગ શાહે ધાર્યું હોત તો જૈન મંદિરોમાં કરોડોની રકમ ન્યોચ્છાવર કરી શક્યા હોત, કરોડોનું કીર્તિદાન પણ કરી શક્યા હોત. અલબત્ત તેમણે આ બધું કર્યું છે અને કરતા પણ આવ્યા છે. પરંતુ તેમના માટે ગુરૂદેવનો આદેશ સર્વોચ્ચ હતો.
ભગવાન મહાવીરપ્રભુ પણ ભોગ, વિલાસ, સત્તા-સંપત્તિનો ત્યાગ કરીને આત્મ કલ્યાણના માર્ગે સંસારનો ત્યાગ કર્યો હતો. ભગવાન મહાવીર પ્રભુએ કહેલી એક એક વાત, એક એક સંદેશ વર્તમાન યુગમાં યથાર્થ ઠરી રહ્યા છે.

ધારાસભ્ય પરાગ શાહ સંસારમાં રહીને સાધુ જેવું જીવન જીવી રહ્યા છે. નમ્રમુનિ મહારાજ સાહેબ પરાગ શાહને ગરીબો, મજબૂર લોકો અને સમાજના કહેવાતા શ્રીમંત લોકોનો વ્યક્તિગત પરિચય કરાવવા માંગતા હતા અને પરાગ શાહે એક દિવસની ભિક્ષુક તરીકેની યાત્રા દરમિયાન ઘણા ઘણા અનુભવો કર્યા. ઘણા એવા લોકો મળ્યા જેમની પાસે કંઇ જ નહોતું છતા અડધામાંથી અડધો ટુકડો પરાગ શાહને આપ્યો હતો! મતલબ, ગરીબ લોકોમાં પણ દાતાર અને દયાવાન બંનેનો અનુભવ પરાગ શાહને થયો હતો. કેટલાક લોકોએ બે, પાંચ દસ રૂપિયા ‌‌િભક્ષા તરીકે આપ્યા હતા. આ લોકો એવા હતા કે જેમનામાં ગરીબો માટે અનુકંપા હતી. તો કેટલાક લોકો એવા પણ હતા કે જેમણે પરાગ શાહને દરવાજા નજીક પણ ઊભા રહેવા દીધા નહોતા. સિક્યોરીટી ગાર્ડને બોલાવીને ખદેડી મુક્યા હતા!
પરાગ શાહને આવા અનેક અનુભવો થવા સાથે દુનિયા અને જીવન બન્નેને નજીકથી જોવાની સમજવાની તક મળી હતી, બલ્કે હવે પછીના તેમના જીવનમાં અનેક બદલાવ જોવા મળશે. એક દિવસની આ યાત્રાએ પરાગ શાહને સમગ્ર જીવનયાત્રાનો મર્મ, ભેદ સમજાઈ ગયા હતા અને તેમણે જીવનનું સંપૂર્ણ પારદર્શક સત્ય સમજાવવા માટે ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનો વિનમ્ર ભાવે આભાર વ્યક્ત કર્યો હતો.
ઘાટકોપરના ધારાસભ્ય પરાગ શાહ ભિક્ષુકનો વેશ ધારણ કરીને ભિક્ષા માંગી હોવાની વાત સાંભળતા લોકો ચોંકી ઊઠ્યા હતા. તેમના ચિરપરિચિતો, ભાજપના કાર્યકરો, સમાજના આગેવાનો પરાગ શાહને મળવા દોડી ગયા હતા અને નમ્રમુનિ મહારાજ સાહેબના આદેશનું અનુસરણ કરીને સમાજજીવનની વાસ્તવિકતા સમજવાના કરેલા પ્રયાસની સરાહના કરી હતી.
નમ્રમુનિ મહારાજ સાહેબ જૈન સમાજમાં આદરપાત્ર સંત છે. તેમનો પડેલો બોલ ઝીલવા સમગ્ર જૈન સમાજ હંમેશા આતુર હોય છે. નમ્રમુનિ મહારાજ સાહેબ ઉચ્ચ આસને બિરાજતા હોવા છતાં તેઓ ધરતી ઉપર પગ રાખીને કરૂણા વરસાવનારા સંત છે. છેવાડાનો સામાન્ય વ્યક્તિ પણ ઇચ્છે તો કોઇપણ પ્રકારની ઔપચારિકતા વગર તેમને મળી શકે છે. પોતાની વાત, ઇચ્છા, મુશ્કેલી વ્યક્ત કરીને માર્ગ મેળવવા સાથે આશીર્વાદ પણ મેળવી શકે છે. નમ્રમુનિ મહારાજ સાહેબને સાંભળવા લાખોની મેદનીનો સતત પ્રવાહ વહેતો રહે છે. અત્યંત પવિત્ર અને પ્રભાવી નમ્રમુનિ મહારાજ સાહેબના આદેશથી સમાજજીવનમાં પદ, પ્રતિષ્ઠા અને કરોડોનો કારોબાર ધરાવતા પરાગ શાહ જેવા ખમતીધર આગેવાન ભિક્ષા માંગવા નિકળે આ ઘટના જ નમ્રમુનિ મહારાજ સાહેબના પ્રભાવનું જીવંત ઉદાહરણ છે. વળી પર્યુષણ પર્વના અંતિમ દિવસે બનેલી ઘટનાએ માત્ર જૈન સમાજમાં જ નહીં, જાહેરજીવન માટે પણ ત્યાગની ભાવનાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

16 સપ્ટેમ્બરનું રાશિફળ: કોનું ભાગ્ય ચમકશે? જાણો મેષથી મીન સુધી 12 રાશિનું ભવિષ્યફળ

૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર માટેનું ૧૨ રાશીઓનું રાશીફળ (Rashifal) રજૂ કરેલ છે:

​મેષ (Aries):
આજે તમારી કાર્યક્ષમતા અને નિર્ણયશક્તિમાં ઉત્તમ વધારો જોવા મળશે. વેપાર-ધંધામાં નવી કાર્યયોજનાઓ શરૂ કરવા માટે અનુકૂળ સંજોગો સર્જાશે. સાંજનો સમય પરિવાર સાથે શાંતિ અને મનોરંજનમાં વિતશે. નાણાકીય દ્રષ્ટિએ દિવસ સારો રહેશે, પરંતુ ઉતાવળા નિર્ણયો લેવાથી બચવું.


​વૃષભ (Taurus):
નાણાકીય આયોજન પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવું અને બિનજરૂરી ખર્ચાઓ પર અંકુશ રાખવો હિતાવહ છે. કાર્યસ્થળે સહકર્મીઓ સાથે સારો તાલમેલ જાળવી રાખવાથી મુશ્કેલ કાર્યો પણ સરળ બનશે. પરિવારમાં કોઈ શુભ કે માંગલિક વિષય પર ચર્ચા થઈ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે, આહારમાં નિયમિતતા રાખવી.


​મિથુન (Gemini):
બુધવારના દિવસે રાશિ સ્વામી બુધની કૃપાથી તમારી બુદ્ધિ અને કુશળ વાણીનો પ્રભાવ કાર્યક્ષેત્રે વધશે. વેપારમાં નવી ભાગીદારી કે મહત્વપૂર્ણ સોદા સફળ થવાની ઉત્તમ સંભાવના છે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસ અને સંશોધન કાર્યમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો શ્રેષ્ઠ સમય છે. મિત્રો સાથેની મુલાકાત મનને પ્રફુલ્લિત કરશે.


​કર્ક (Cancer):
માનસિક શાંતિ જાળવી રાખવા માટે નકારાત્મક ચર્ચાઓ કે વિચારોથી દૂર રહેવું લાભદાયી રહેશે. નોકરીમાં તમારી મહેનત અને પ્રમાણિકતાની વરિષ્ઠ અધિકારીઓ દ્વારા યોગ્ય પ્રશંસા થશે. પારિવારિક સંબંધોમાં સ્નેહ અને મધુરતા જળવાઈ રહેશે તથા જીવનસાથીનો પૂરો સાથ મળશે. આધ્યાત્મિક વિચારોથી મનને નવી ઊર્જા મળશે.


​સિંહ (Leo):
આત્મવિશ્વાસ ઉત્તમ રહેશે અને તમારી નેતૃત્વ ક્ષમતાથી કાર્યક્ષેત્રે અટકેલા મહત્વના કાર્યો ઝડપથી પાર પડશે. સામાજિક વર્તુળમાં તમારી પ્રતિષ્ઠા અને પ્રભાવમાં સારો વધારો થશે. આર્થિક સ્થિતિ વધુ સુધરશે અને જૂના રોકાણોમાંથી સંતોષકારક લાભ મળશે. દાંપત્યજીવન સુખમય અને આનંદદાયક રહેશે.


​કન્યા (Virgo):
રાશિ સ્વામી બુધના શુભ પ્રભાવથી આજે સમય વ્યવસ્થાપન જાળવીને તમામ લક્ષ્યો સરળતાથી પૂર્ણ કરી શકશો. નાણાકીય લેવડ-દેવડમાં સાવચેતી રાખવી અને અજાણ્યા લોકો પર વધુ પડતો વિશ્વાસ ન કરવો. પરિવારના સભ્યો તરફથી મહત્વપૂર્ણ સહયોગ મળશે. નિયમિત યોગ અને વ્યાયામથી સ્વાસ્થ્ય સારું રહેશે.


​તુલા (Libra):
આજનો દિવસ તમારા માટે ભાગ્યશાળી અને આર્થિક સમૃદ્ધિ અપાવનારો સાબિત થશે. વેપાર-ધંધામાં સારો નફો થવાના અને આવકના નવા સ્ત્રોત ઊભા થવાના શુભ સંકેતો છે. કૌટુંબિક વાતાવરણ ઉત્સાહજનક રહેશે અને કોઈ સારા સમાચાર મળી શકે છે. મન દિવસભર પ્રફુલ્લિત અને સકારાત્મક રહેશે.


​વૃશ્ચિક (Scorpio):
કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે અને વિરોધીઓ પર તમારો પ્રભાવ વધશે. કાર્યક્ષેત્રે તમારું વર્ચસ્વ મજબૂત બનશે અને નવી જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી શકશો. વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શનથી અટકેલા કાર્યો સરળ બનશે. સ્વાસ્થ્ય ઊર્જાવાન અને ઉત્તમ રહેશે.


​ધન (Sagittarius):
ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ પ્રત્યે રુચિ વધશે અને દાન-પુણ્યમાં મન વિશેષ લાગશે. ભાગ્યનો પૂરો સાથ મળવાથી લાંબા સમયથી અટકેલા સરકારી કે ખાનગી કામો પૂર્ણ થવા લાગશે. નાની અને લાભદાયી યાત્રાનો સુંદર યોગ બની રહ્યો છે. સંતાનો તરફથી ઉત્સાહવર્ધક સમાચાર મળશે.


​મકર (Capricorn):
આજે દરેક કાર્યમાં ધીરજ અને સંયમ રાખવો, વાદ-વિવાદ કે ઉગ્ર ચર્ચાઓથી દૂર રહેવું હિતાવહ છે. કાર્યક્ષેત્રે પરિશ્રમ વધુ કરવો પડશે પરંતુ તેનું પરિણામ લાંબા ગાળે ફાયદાકારક સાબિત થશે. નાણાકીય બાબતોમાં આયોજનપૂર્વક આગળ વધવું જરૂરી છે. નિયમિત દિનચર્યા રાખવાથી સ્વાસ્થ્ય જળવાઈ રહેશે.


​કુંભ (Aquarius):
ભાગીદારીના ધંધામાં સારો આર્થિક લાભ થશે અને નવી વ્યવસાયિક યોજનાઓ શરૂ કરવા માટે ઉત્તમ સમય છે. વૈવાહિક જીવનમાં મધુરતા વધશે અને જીવનસાથી તરફથી મહત્વપૂર્ણ સહયોગ મળશે. તમારી સર્જનાત્મકતા અને નવીન વિચારોની પ્રશંસા થશે. સામાજિક માન-પ્રતિષ્ઠા વધશે.


​મીન (Pisces):
કાર્યસ્થળે સહકર્મીઓ તરફથી સંપૂર્ણ સહયોગ મળશે અને મહેનતનું ધાર્યું તેમજ સંતોષકારક પરિણામ પ્રાપ્ત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સારા સમાચાર મળી શકે છે. નાણાકીય બચતમાં વધારો થશે અને બિનજરૂરી ખર્ચ પર સારો અંકુશ રહેશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને આત્મસંતોષ મળશે.

VIDEO: પાણીપુરી પ્રેમીઓ માટે પણ સરપ્રાઇઝ! પૂરીથી બનાવાયી આટલા ફૂટના ગણપતિ બાપ્પાની મૂર્તિ

0

ગણપતિ બાપ્પાની મૂર્તિ તો તમે અનેક પ્રકારની જોઈ હશે, પરંતુ પુણેના FC રોડ પર સ્થાપિત આ બાપ્પાને જોઈને કદાચ તમારી નજર પણ થંભી જશે! કારણ કે અહીં 21 હજાર પાણીપુરીની પૂરીનો ઉપયોગ કરીને 11 થી 12 ફૂટ ઊંચી ગણપતિની અનોખી મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. ગણેશોત્સવના માહોલમાં આ અનોખી કલાત્મક રચના હવે લોકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે.

પુણેના પ્રખ્યાત FC રોડ, નામદાર ગોખલે પથ પર આવેલા ગણેશ ભેલના આઉટલેટની બહાર આ વિશાળ મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. રિપોર્ટ મુજબ મૂર્તિ તૈયાર કરવાની કામગીરી લગભગ બે મહિના સુધી ચાલી હતી. કલાકાર પ્રશાંત સાળુંખેએ આ અનોખા વિચારને મૂર્ત સ્વરૂપ આપ્યું છે.

આ મૂર્તિ તૈયાર કરવામાં ઉપયોગમાં લેવાયેલી પાણીપુરીની પૂરી ગણેશ ભેલની પોતાની ઉત્પાદન સુવિધામાં બનાવવામાં આવી હતી. મૂર્તિનું માળખું વાંસ અને કાગળ જેવી સામગ્રીથી તૈયાર કરાયું છે. ગણેશ ભેલ દ્વારા સતત ચોથા વર્ષે અલગ થીમ પર અનોખા બાપ્પા બનાવવામાં આવ્યા છે.

અનોખી કળા સાથે પર્યાવરણમૈત્રી વિચારને જોડતી આ મૂર્તિ અનંત ચતુર્દશી સુધી લોકોનું ધ્યાન ખેંચશે.

Blinkit Laddu Controversy: સુરતમાં ફૂગવાળા લાડુ મળ્યાનો વીડિયો વાયરલ, ઉઠ્યા ફૂડ સેફ્ટિ પર સવાલ

સુરતમાં તહેવારની પ્રસાદી માટે મંગાવેલા મોતીચૂરના લાડુનો બોક્સ ખોલતાં જ ગ્રાહક ચોંકી ઉઠ્યો હતો. લાડુ પર સફેદ ફૂગ અને દુર્ગંધ જોવા મળ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હવે ઓનલાઈન મીઠાઈઓની ગુણવત્તા અને ફૂડ સેફ્ટી ચેકિંગને લઈને સવાલો ઉઠ્યા છે. જોકે, આ લાડુ ખરેખર કેટલા સમયથી ખરાબ હતા અને તેની જવાબદારી કોની છે, તે સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં પ્રદીપ ગુપ્તાએ ગણેશ ચતુર્થી નિમિત્તે પોતાના સ્ટાફ માટે પ્રસાદ તરીકે વહેંચવા બ્લિંકિટ પરથી 1 કિલો મોતીચૂરના લાડુનો ઓર્ડર કર્યો હતો. અહેવાલ મુજબ, તેના માટે તેમણે રૂ.504 ચૂકવ્યા હતા. પાર્સલ મળ્યા બાદ પેકેટ ખોલતાં લાડુમાંથી દુર્ગંધ અને તેના પર સફેદ ફૂગ દેખાઈ હતી.

ગુપ્તાના જણાવ્યા પ્રમાણે, તેમણે ડિલિવરી કર્મચારીને લાડુની સ્થિતિ અંગે પૂછપરછ કરી હતી. તેમનો દાવો છે કે ડિલિવરી કર્મચારીએ કહ્યું હતું કે તેની જવાબદારી માત્ર પાર્સલ પહોંચાડવાની છે, તેની અંદરની વસ્તુ તપાસવાની નહીં.

આ ઘટના બાદ ગુપ્તાએ સુરત ફૂડ વિભાગનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ, ફોન પર તેમને બહુમાળી ભવન સ્થિત ફૂડ વિભાગની કચેરીએ આવીને ફરિયાદ કરવા જણાવાયું હતું. આ અંગે તેમણે નારાજગી વ્યક્ત કરતાં પ્રશ્ન ઉઠાવ્યો કે શંકાસ્પદ અને સંભવિત રીતે અસુરક્ષિત ખાદ્ય પદાર્થ અંગે જાણ થતાં સ્થળ પર તપાસ કેમ ન થાય.

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

લાડુની ખરાબ સ્થિતિનું ચોક્કસ કારણ, ઉત્પાદન સ્તર કે સ્ટોરેજ દરમિયાન થયેલી ખામી અંગે અંતિમ નિષ્કર્ષ સત્તાવાર તપાસ બાદ જ સામે આવશે.

રોકાણકારો માટે મંગળવાર બન્યો ‘અમંગળ’! સેન્સેક્સ-નિફ્ટી કેમ તૂટી પડ્યા? સામે આવ્યા 3 મોટા કારણ

0

સવારમાં તેજીની દોડ અને થોડા જ કલાકોમાં ભારે ધડામ! આજે ભારતીય શેરબજારમાં એવો અચાનક પલટો આવ્યો કે રોકાણકારો ચોંકી ગયા હતા. સેન્સેક્સ અને નિફ્ટીએ સકારાત્મક શરૂઆત કરી હતી, પરંતુ બાદમાં ભારે વેચવાલી શરૂ થતાં સેન્સેક્સ દિવસના ઉચ્ચ સ્તરથી 1,400થી વધુ પોઈન્ટ નીચે સરકી ગયો હતો. અંતે સેન્સેક્સ 777.36 પોઈન્ટ એટલે કે 1.04% ઘટીને 74,003.82 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 280.90 પોઈન્ટ ઘટીને 23,118.60 પર પહોંચ્યો હતો. નિફ્ટી માટે આ લગભગ પાંચ મહિનાનું સૌથી નીચું ક્લોઝિંગ લેવલ રહ્યું હતું.લગભગ સાત એક લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું હતું.

આ અચાનક ઘટાડા પાછળ વૈશ્વિક બજારોની ચિંતા, મોંઘું કાચું તેલ અને વધતા બોન્ડ યીલ્ડ જેવા પરિબળો મુખ્ય રહ્યા છે.

પહેલું કારણ: મોંઘું ક્રૂડ ઓઈલ
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ઉછાળો આવ્યો અને તે આશરે 107.8 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચ્યું. ભારત જેવા મોટા ક્રૂડ આયાતકાર દેશ માટે મોંઘું તેલ મોંઘવારી, કંપનીઓના ખર્ચ અને અર્થતંત્ર પર દબાણ વધવાની ચિંતા ઊભી કરે છે.

બીજું કારણ: અમેરિકી બોન્ડ યીલ્ડનો ઉછાળો
અમેરિકાની 10-વર્ષીય ટ્રેઝરી યીલ્ડ 5%ના સ્તરને પાર પહોંચી હતી. ઊંચી યીલ્ડ વૈશ્વિક રોકાણમાં જોખમ અંગે સાવચેતી વધારે છે અને ભારત જેવા ઉભરતા બજારોમાંથી વિદેશી નાણાં પર પણ અસર કરી શકે છે.

ત્રીજું કારણ: બજારમાં વધેલી અસ્થિરતા
India VIX, જે બજારની અપેક્ષિત અસ્થિરતાનો સંકેત આપે છે, શરૂઆતના સત્રમાં 3.74% વધીને 12.76 થયો હતો. ક્રૂડ, રૂપિયા અને અમેરિકી વ્યાજદર અંગેની અનિશ્ચિતતાએ રોકાણકારોને વધુ સાવચેત બનાવ્યા.

રસપ્રદ વાત એ રહી કે સમગ્ર બજાર તૂટ્યું હોવા છતાં IT શેરોએ રાહત આપી અને Nifty ITમાં તેજી જોવા મળી. બીજી તરફ નાણાકીય અને ઓટો સેક્ટર પર વધુ દબાણ રહ્યું.

નોંધ:શેરબજારમાં રોકાણ પહેલાં તમારી જોખમક્ષમતા મુજબ પ્રમાણિત નાણાકીય સલાહકારની સલાહ લેવી.

આ સૂર્ય આકાશમાં નથી… ગુજરાતની લેબમાં છે! ભારતે શરૂ કર્યો મોટો પ્રયોગ

ચાંદ-તારા તોડવાની વાતો તો તમે ઘણી સાંભળી હશે, પરંતુ હવે ગુજરાતમાં વૈજ્ઞાનિકોએ જે ટારગેટ બનાવ્યું છે તે સાંભળીને તમે પણ ચોંકી જશો—સૂર્ય! ગાંધીનગરમાં બની રહેલા આ અદ્ભુત ફ્યુઝન પ્રયોગને ‘આર્ટિફિશિયલ સન’ સાથે સરખાવવામાં આવી રહ્યું છે. સવાલ એ છે કે ધરતી પર સૂર્ય જેવી ગરમી ઊભી કરીને આખરે ભારત મેળવવા શું માગે છે?

ગુજરાતના ગાંધીનગર સ્થિત ઈન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝ્મા રિસર્ચ (IPR)માં આ દિશામાં ભારતનું મહત્વનું સંશોધન ચાલી રહ્યું છે. અહીંના SST-1 ટોકામેક સાથે નવી 82.6 ગીગાહર્ટ્ઝ અને 400 કિલોવોટ ક્ષમતાની ECRH સિસ્ટમ જોડવામાં આવી છે. આ ટેક્નોલોજી પ્લાઝ્માને ગરમ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

SST-1 એટલે Steady State Superconducting Tokamak-1. તે ભારતની ફ્યુઝન રિસર્ચ મશીન છે, જેનો આકાર ડોનટ જેવો છે. ટોકામેકની અંદર ગેસને અત્યંત ઊર્જાવાન સ્થિતિમાં લઈ જઈ પ્લાઝ્મા બનાવવામાં આવે છે. ત્યારબાદ શક્તિશાળી ચુંબકીય ક્ષેત્રોની મદદથી આ પ્લાઝ્માને નિયંત્રિત કરવામાં આવે છે.

ગાયરોટ્રોન શું છે?

આ સમગ્ર પ્રક્રિયામાં ગાયરોટ્રોન મહત્વનું સાધન છે. તે ખૂબ જ ઊંચી શક્તિ ધરાવતી માઇક્રોવેવ ઊર્જા ઉત્પન્ન કરે છે. IPRના જણાવ્યા મુજબ 82.6 GHz ECRH સિસ્ટમ SST-1ના પ્લાઝ્માને ગરમ કરવા માટે ઉપયોગમાં લેવાય છે અને તે 400 કિલોવોટ સુધીની RF પાવર આપી શકે છે.

સરળ ભાષામાં કહીએ તો, ગાયરોટ્રોન પ્લાઝ્માને જરૂરી ઊર્જા પહોંચાડવામાં મદદ કરે છે. ફ્યુઝન સંશોધનમાં આ પ્રક્રિયા ખૂબ મહત્વની છે, કારણ કે ઊંચા તાપમાન સુધી પહોંચાડેલા પ્લાઝ્માને સ્થિર રાખવું સૌથી મોટો પડકાર છે.

સૂર્ય કરતાં વધુ તાપમાનની વાત શા માટે થાય છે?

સૂર્યના કેન્દ્રનું તાપમાન આશરે 1.5 કરોડ ડિગ્રી સેલ્સિયસ માનવામાં આવે છે. પૃથ્વી પર ફ્યુઝન હાંસલ કરવા માટે સૂર્ય કરતાં પણ વધુ તાપમાનની જરૂર પડે છે, કારણ કે સૂર્યની જેમ વિશાળ ગુરુત્વાકર્ષણ શક્તિ અહીં ઉપલબ્ધ નથી. તેથી ટોકામેકમાં પ્લાઝ્માને ચુંબકીય ક્ષેત્રોથી કાબૂમાં રાખવામાં આવે છે.

અહીં “આર્ટિફિશિયલ સન”નો અર્થ ખરેખર સૂર્ય બનાવવો નથી. તેનો અર્થ એ છે કે સૂર્ય અને તારાઓમાં થતી ન્યૂક્લિયર ફ્યુઝન પ્રક્રિયાને ધરતી પર નિયંત્રિત પરિસ્થિતિમાં સમજવા અને વિકસાવવાનો પ્રયાસ.

ભવિષ્યમાં શું ફાયદો થઈ શકે?

ફ્યુઝન ટેક્નોલોજી સફળતાપૂર્વક વિકસે તો ભવિષ્યમાં મોટા પાયે ઊર્જા ઉત્પાદન માટે નવી સંભાવનાઓ ઊભી થઈ શકે છે. જોકે હાલમાં SST-1 વીજળી બનાવતો પાવર પ્લાન્ટ નથી. તે ફ્યુઝન સંશોધન માટેનું પ્લેટફોર્મ છે, જ્યાં વૈજ્ઞાનિકો અત્યંત ગરમ પ્લાઝ્માને ગરમ, નિયંત્રિત અને લાંબા સમય સુધી સ્થિર રાખવાની ટેક્નોલોજી પર કામ કરી રહ્યા છે.

ગુજરાતમાં ચાલી રહેલું આ સંશોધન ભારતને વૈશ્વિક ફ્યુઝન એનર્જી રિસર્ચમાં વધુ મજબૂત સ્થાન અપાવવાની દિશામાં મહત્વનું પગલું માનવામાં આવે છે.

VIDEO:₹3,300 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા ભાજપના ધારાસભ્ય કેમ બન્યા ભિખારી?

0

નાણા વગરનો નાથિયો નાણે નાથાલાલ કહેવત તો ઘણા લોકો એ સાંભળી હશે પણ પરાગ શાહે હક્કઈકટમાં તે વાત લોકોના નજરો સામે દર્શાવી. ₹3,300 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા ભાજપના ધારાસભ્ય જો મુંબઈના રસ્તા પર ભિખારીના વેશમાં હાથ ફેલાવતા જોવા મળે તો વાત ચોંકાવનારી છે. પરંતુ ઘાટકોપર પૂર્વના ધારાસભ્ય પરાગ શાહે આ રૂપ કોઈ રાજકીય પ્રચાર માટે ધારણ કર્યું નહોતું. જૈન ધર્મગુરુ રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજની શિક્ષાઓથી પ્રેરાઈ તેમણે પોતાની ઓળખ છુપાવીને સામાન્ય જરૂરિયાતમંદ વ્યક્તિની સ્થિતિ અનુભવવાનો અનોખો પ્રયોગ કર્યો હતો.

મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં પરાગ શાહનો ભિખારીના વેશમાં ફરતો વીડિયો સામે આવ્યો છે. શાહે મેકઅપ અને વેશભૂષા બદલીને ઘાટકોપર રેલવે સ્ટેશનની આસપાસ સામાન્ય લોકો વચ્ચે સમય પસાર કર્યો હતો. આ દરમિયાન ઘણા લોકો તેમને ઓળખી શક્યા નહોતા.

ભિખારીના વેશમાં શાહ એક એવા ફૂડ ડિસ્ટ્રિબ્યુશન પોઇન્ટ પર પણ પહોંચ્યા, જ્યાં લોકોને મફતમાં ભોજન આપવામાં આવતું હતું. તેઓ ભોજન વિતરણ પૂરું થવાના સમયની આસપાસ ત્યાં પહોંચ્યા અને ખાવા માટે કંઈ બચ્યું છે કે કેમ તે પૂછ્યું. ત્યાંના એક કર્મચારીએ તેમને ઓળખ્યા વગર દાળ, ભાત અને પાણીની બોટલ આપી.

ત્યારબાદ શાહ એક સમોસાવાળા પાસે ગયા અને તેમની પાસે ખાવા માટે કંઈ જ નથી એવું કહ્યું. સમોસાવાળાએ તેમને પાંચ સમોસા આપી દીધા. આ અનુભવોને કારણે શાહે પૈસાની અછત વચ્ચે જીવતા લોકો અંગે પોતાની અગાઉની માન્યતા પર ફરી વિચાર કર્યો.

શાહે કહ્યું કે પહેલાં તેઓ માનતા હતા કે ગરીબ લોકો માત્ર બીજાઓ પાસે મદદ માગે છે. પરંતુ આ પ્રયોગ દરમિયાન તેમને સમજાયું કે જરૂરિયાતમંદ લોકો એકબીજાની મદદ પણ કરે છે. રસ્તા પરના આ અનુભવે તેમને ગરીબી સાથે જોડાયેલી માનવતા અને પરસ્પર સહકારને અલગ રીતે સમજવામાં મદદ કરી.

વીડિયોમાં શાહ રસ્તા કિનારે બેઠેલા અને લોકો પાસેથી મદદ લેતા પણ નજરે પડે છે. કેટલાક લોકોએ તેમની મદદ કરી, જ્યારે કેટલાક લોકોએ અવગણના કરી હતી. શાહે આ અનુભવ દ્વારા ગરીબી, ઉપેક્ષા અને જરૂરિયાતમંદ લોકો પ્રત્યે સમાજના વ્યવહારને નજીકથી સમજવાનો પ્રયાસ કર્યો હતો.

2024ની વિધાનસભા ચૂંટણીના સોગંદનામા મુજબ પરાગ શાહ પાસે ₹3,383 કરોડથી વધુની સંપત્તિ છે. તેઓ રિયલ એસ્ટેટના વેપારી છે.