Home Blog

UPI QR કોડ બંધ થશે? 15 સપ્ટેમ્બરની ડેડલાઈન વચ્ચે વેપારીઓ માટે રાહતના સંકેત, જાણો શું છે આખો મામલો

0

ચાની લારીથી લઈને કરિયાણાની દુકાન સુધી આજે QR કોડથી પેમેન્ટ સામાન્ય બની ગયું છે. ત્યારે 15 સપ્ટેમ્બર 2026ની Re-KYC ડેડલાઈનને લઈને ચિંતા વધી હતી કે સમયસર વેરિફિકેશન ન થાય તો નાના વેપારીઓના QR કોડથી પેમેન્ટ અટકી શકે છે. જોકે, આનો અર્થ દેશભરમાં UPI સેવા બંધ થવાની નથી. મુદ્દો મુખ્યત્વે વેપારીઓની KYC અને Payment Aggregatorsની compliance પ્રક્રિયા સાથે સંબંધિત છે.

RBIના 15 સપ્ટેમ્બર 2025ના Payment Aggregators Directions હેઠળ હાલના વેપારીઓની જરૂરી due diligence અને KYC પ્રક્રિયા પૂર્ણ કરવાની જોગવાઈ કરવામાં આવી હતી. નાના વેપારીઓ માટે કેટલીક સ્થિતિમાં દસ્તાવેજ ચકાસણી સાથે સ્થળની ભૌતિક ચકાસણી પણ જરૂરી બની શકે છે. આ પ્રક્રિયાના મોટા પાયે અમલીકરણને કારણે પેમેન્ટ કંપનીઓ સામે મુશ્કેલી ઊભી થઈ હતી.

અહેવાલો મુજબ અનેક Payment Aggregatorsએ RBI પાસે સમયમર્યાદા વધારવાની માગ કરી હતી અને અંદાજે 80 ટકા જેટલી Re-KYC પ્રક્રિયા સમયસર પૂર્ણ થવાની શક્યતા દર્શાવવામાં આવી હતી.

8 સપ્ટેમ્બરના અહેવાલમાં RBIએ આ સમયમર્યાદા વધુ છ મહિના લંબાવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

સામાન્ય ગ્રાહકો પર શું પડી શકે અસર ?

સામાન્ય UPI ગ્રાહકોએ રોકડ માટે ગભરાવાની જરૂર નથી. હા, વેપારીઓએ પોતાની KYC સ્થિતિ અંગે પોતાના Payment Aggregator અથવા બેંક સાથે ચકાસણી કરવી જરૂરી છે અને ડેડલાઇન પહેલા Re-KYCની પ્રોસેસ પૂર્ણ કરવી જરૂરી છે.

સુરતીઓ માટે રાહતના દરવાજા ખૂલ્યા! રાંદેર કોઝવે પર ફરી વાહનવ્યવહાર થશે ચાલુ

સુરતના રાંદેર-સિંગણપોર વિસ્તારમાં રોજ અવરજવર કરતા વાહનચાલકો માટે આજે રાહતના સમાચાર. 69 દિવસથી બંધ રહેલો રાંદેર વિયર-કમ-કોઝવે ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાતા લોકોને લાંબા વૈકલ્પિક માર્ગો પરથી ફરવાની મુશ્કેલીમાંથી રાહત મળી છે. તાપી નદીનું જળસ્તર ઘટતાં સુરત મહાનગરપાલિકાએ પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લીધો હતો.

ચોમાસા દરમિયાન તાપી નદીમાં પાણીની આવક વધતા સુરક્ષાના કારણોસર કોઝવે બંધ કરવામાં આવ્યો હતો. હવે નદીનું જળસ્તર સુરક્ષિત સપાટીની નીચે આવ્યું છે. સુરત મહાનગરપાલિકાના આંકડા મુજબ 8 સપ્ટેમ્બરે તાપીનું જળસ્તર 5.52 મીટર નોંધાયું હતું, જ્યારે કોઝવે ઓવરફ્લોની સપાટી 6 મીટર છે.

કોઝવે બંધ હોવાથી રાંદેર અને સિંગણપોર વચ્ચે અવરજવર કરતા લોકોને વૈકલ્પિક બ્રિજનો ઉપયોગ કરવો પડતો હતો. તેના કારણે કેટલાક વાહનચાલકોને 3થી 4 કિલોમીટર સુધીનો વધારાનો ચકરાવો મારવો પડતો હતો. હવે કોઝવે શરૂ થતા સમય અને ઇંધણ બંનેમાં બચત થશે.

કોઝવે ખુલવાથી આસપાસના વૈકલ્પિક માર્ગો પરનું વધેલું ટ્રાફિક ભારણ પણ ઘટવાની શક્યતા છે. રોજિંદા નોકરી-ધંધા અને અન્ય કામ માટે આ માર્ગનો ઉપયોગ કરતા નાગરિકોને સીધો અને સરળ માર્ગ ફરી ઉપલબ્ધ થયો છે.

હવે Tower નહીં, સેટેલાઇટથી મળશે Internet! ભારત માટે Satellite Broadbandનો રસ્તો સાફ

આકાશમાંથી સીધું ઇન્ટરનેટ તમારા સુધી પહોંચાડવાનું સપનું હવે અગાઉ કરતાં વધુ નજીક આવ્યું છે. સેટેલાઇટ બ્રોડબેન્ડને સ્પેક્ટ્રમ ફાળવણી અંગે ડિજિટલ કમ્યુનિકેશન્સ કમિશન (DCC)ની મંજૂરી મળતાં ભારતમાં Starlink, Eutelsat OneWeb અને Jio Satellite જેવી કંપનીઓ માટે મોટી અડચણ દૂર થઈ છે. જોકે સામાન્ય મોબાઇલ યુઝર્સે હજુ થોડો સમય રાહ જોવી પડશે.

DCCએ 3 સપ્ટેમ્બર, 2026ની બેઠકમાં TRAIની સેટેલાઇટ સ્પેક્ટ્રમ અંગેની મોટાભાગની ભલામણોને મંજૂરી આપી છે. હવે ડિપાર્ટમેંટ ઓફ ટેલિકોમ (DoT) સ્પેક્ટ્રમની કિંમત અને ફાળવણીની પ્રક્રિયા અંગે કેન્દ્રીય કેબિનેટની અંતિમ મંજૂરી મેળવી શકે છે. ત્યારબાદ સેવા શરૂ કરવા માટે સંબંધિત કંપનીઓને સુરક્ષા એજન્સીઓ પાસેથી બીજી તબક્કાની સિક્યુરિટી ક્લિયરન્સ પણ લેવી પડશે.

હાલના નિર્ણય મુજબ સેટેલાઇટ કંપનીઓ માટે સ્પેક્ટ્રમ યુસેજ ચાર્જ 5 ટકા AGR રાખવાનો માર્ગ અપનાવવામાં આવ્યો છે, જ્યારે નિર્ધારિત ગ્રામ્ય અને રિમોટ વિસ્તારોમાં 4 ટકા અસરકારક દરની જોગવાઈ હોઈ શકે છે. સ્પેક્ટ્રમ પાંચ વર્ષ માટે ફાળવવાની અને વધુ બે વર્ષ સુધી વધારવાની ભલામણ પણ કરવામાં આવી હતી.

Starlinkનું નેટવર્ક તૈયાર હોવાને કારણે જરૂરી મંજૂરીઓ મળ્યા બાદ તે અન્ય સેવાઓની તુલનામાં વહેલું શરૂ થઈ શકે છે. બીજી તરફ Jio સપ્ટેમ્બર 2027માં પોતાના આશરે 1,600 LEO સેટેલાઇટ નેટવર્કનું ટેસ્ટ ફ્લાઇટ કરવાની તૈયારીમાં છે, જ્યારે મોટા પાયે કનેક્ટિવિટી 2028થી શરૂ થવાની શક્યતા છે.

લ્યો બોલો ભારતીય ક્રિકેટરની બ્રાન્ડના બુટ પહેરી રમ્યું પાકિસ્તાન!

0

વુમન્સ એશિયા કપ 2026માં પાકિસ્તાન મહિલા ક્રિકેટર નહીં પણ તેના બુટ ચર્ચાનો વિષય બનીને આવ્યા છે. પાકિસ્તાનની કેટલીક ક્રિકેટરે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની કો ફોઉન્ડેડ બ્રાંડ ‘ONE8’ ના બુટ પહેરી ગ્રાઉંડ પર શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.

મેચનો અસલી હીરો નશરા સંધૂ રહી હતી. ડાબોડી સ્પિનરે માત્ર 7 રન આપી 6 વિકેટ ઝડપી હાંગકાંગની બેટિંગ લાઇન-અપને ધ્વસ્ત કરી દીધી હતી. તેના શાનદાર પ્રદર્શનને કારણે હાંગકાંગની ટીમ 19 ઓવરમાં માત્ર 71 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાને આ મેચ 72 રને જીતી સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું હતું.

આ પહેલાં પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટે 143 રન બનાવ્યા હતા. શાવાલ ઝુલ્ફિકારે 47 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. આ સ્કોર બાદ સંધૂની ઘાતક બોલિંગે પાકિસ્તાનની જીત સરળ બનાવી હતી.

ટૂર્નામેન્ટમાં ભારત સામે પાકિસ્તાનને અગાઉ 7 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો અને ટીમ માત્ર 55 રનમાં ઓલઆઉટ થઈ હતી. જોકે, હાંગકાંગ સામેની જીતથી પાકિસ્તાને જોરદાર વાપસી કરી છે.

ગ્રુપ-Aમાં ત્રણમાંથી બે મેચ જીતીને ચાર પોઇન્ટ સાથે બીજા સ્થાને રહેલી પાકિસ્તાન ટીમ હવે સેમિફાઇનલમાં શ્રીલંકા સામે ટકરાશે. બીજી સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. બંને પરંપરાગત હરીફ ટીમો ફાઇનલમાં પહોંચે તો ફરી એક વખત ભારત-પાકિસ્તાનની હાઇવોલ્ટેજ ટક્કર જોવા મળી શકે છે.

વિદ્યાર્થીઓનું ભવિષ્ય વધુ સુરક્ષિત કરવા ગુજરાત સરકાર લાવી શકે છે આ નવો નિયમ

0

ગુજરાતમાં હવે શાળા સંચાલકોની મનમાની પર કડક લગામ કસવાની તૈયારી થઈ રહી છે. સરકારના નવા શિક્ષણ સુધારા બિલમાં શાળાની નોંધણીથી લઈને શિક્ષકોની ભરતી અને શાળા બંધ કરવાની પ્રક્રિયા સુધીના નિયમો કડક બનાવવાનો પ્રસ્તાવ છે. ખાસ કરીને મંજૂરી કે જરૂરી નોટિસ વિના શાળા બંધ કરનાર સંચાલકોને ₹20 લાખ સુધીનો દંડ અને જેલની જોગવાઈ પ્રસ્તાવિત થતાં શિક્ષણ ક્ષેત્રે ચર્ચા શરૂ થઈ છે.

ગુજરાત સરકાર દ્વારા Gujarat Secondary and Higher Secondary Education (Amendment) Bill, 2026 વિધાનસભામાં રજૂ કરવાની તૈયારી કરવામાં આવી છે. બિલનો હેતુ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પર નિયમન વધુ મજબૂત કરવાનો છે.

પ્રસ્તાવિત જોગવાઈ મુજબ, બોર્ડની મંજૂરી વિના અથવા નિર્ધારિત પ્રક્રિયા અનુસર્યા વગર શાળા બંધ કરનાર સામે ₹20 લાખ સુધીનો દંડ થઈ શકે છે. શાળા બંધ કરતાં પહેલાં બોર્ડને ઓછામાં ઓછા છ મહિના અગાઉ નોટિસ આપવાની રહેશે. હાલની જોગવાઈની સરખામણીમાં દંડમાં મોટો વધારો સૂચવાયો છે.

નોંધણી વિના શાળા ચલાવવી પણ ભારે પડશે. આવી શાળા સામે ₹10 લાખથી ₹15 લાખ સુધીનો દંડ અને 1થી 2 વર્ષની જેલની જોગવાઈ પ્રસ્તાવિત છે. હાલનો દંડ ₹1 લાખથી ₹2 લાખ છે.

નિયમો વિરુદ્ધ આચાર્ય, શિક્ષક અથવા અન્ય સ્ટાફની નિમણૂક કરનાર સંચાલકો માટે દંડ ₹1,000થી વધારી ₹10 લાખ કરવાની દરખાસ્ત છે. શિક્ષક કે હેડમાસ્ટરના સસ્પેન્શન મામલે બોર્ડ દ્વારા અધિકૃત અધિકારીએ 45 દિવસમાં નિર્ણય લેવો પડશે, નહીં તો સસ્પેન્શન આપોઆપ રદ થવાની જોગવાઈ છે.

બિલમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ એજ્યુકેટરની નિમણૂક અને સરકારી સહાયિત શાળાઓને કાયદાકીય માળખામાં વધુ સ્પષ્ટ રીતે લાવવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ તમામ ફેરફારો બિલ પસાર થયા બાદ અમલમાં આવશે.

રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી ભાજપ માટે કેમ કડવી સાબિત થઈ ?

રાજકોટ લોધિકા સહકારી ખરીદ-વેચાણ સંઘની ચૂંટણીમાં ભાજપનો આંતરિક ડખો સપાટી પર આવી ગયો છે. ભાજપના મેન્ડેડ છતાં પાંચ બેઠકોની ચૂંટણીમાં બે બળવાખોરોએ બેઠકો પર વિજય મેળવતાં પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી સહિતના દિગ્ગજ નેતાઓને મોટો રાજકીય ઝટકો ખમવો પડ્યો છે, તો જયેશ રાદડિયા જૂથનો હાથ ઉપર રહ્યો છે.

રાજકોટ-લોધિકા સંઘની કુલ 15 બેઠકોમાંથી 10 બેઠકો અગાઉ જ બિનહરીફ થઈ ગઈ હતી. ત્યારબાદ બાકી રહેલી પાંચ બેઠકો માટે 8 સપ્ટેમ્બરે મતદાન યોજાયું હતું. પાંચ બેઠકો માટે કુલ 21 મતદારોમાંથી 20 મતદારોએ મતદાન કર્યું હતું.


કુવાડવા જૂથ બેઠક પર ભાજપના મેન્ડેટ સામે ઉમેદવારી કરનાર નીતિન ચોવટિયાએ પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીને હરાવ્યા હતા. જ્યારે માધાપર બેઠક પર વિજય સખિયાએ પૃથ્વીસિંહ ઉર્ફે ઘોઘુભા જાડેજાને પરાજય આપ્યો હતો. આ બંને પરિણામોને ભાજપ માટે મોટા આંચકારૂપ ગણી શકાય કેમકે ભાજપે તેમના સભ્યોને વ્હિપ આપ્યો હતો. એમ છતાં તેને અવગણીને મતદાન થયું હોય એમ બે બળવાખોરો જીતી ગયા હતા.


ત્રંબા બેઠક પર બંને ઉમેદવારોને સમાન મત મળતાં ટાઈ થયું હતું. ત્યારબાદ ચિઠ્ઠી ઉછાળીને નિર્ણય કરવામાં આવ્યો હતો, જેમાં ભાજપના મેન્ડેટવાળા નીતિન રૈયાણી વિજેતા જાહેર થયા હતા. હલેન્ડા બેઠક પર મહેશ આસોદરિયા અને ખોખડદડ બેઠક પર બાબુ નસીતનો વિજય થયો હતો. પરિણામે પાંચમાંથી ત્રણ બેઠકો રાદડિયા જૂથના ગજવામાં ગઈ હોવાનું જાણવા મળે છે.

આ ચૂંટણીના પરિણામે રાજકોટના સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયા જૂથની પકડ વધુ મજબૂત થઈ હોવાનું પુરવાર કર્યું છે.

પંજાબી સિંગર એમી વિર્ક કેનેડામાં કેમ ચર્ચાએ ચઢ્યોે, એ જાણો

કૅનેડામાં પંજાબી ગાયક-અભિનેતા એમી વિર્કના કોન્સર્ટ બાદ બનેલી ફાયરિંગની ઘટનાએ ચકચાર મચાવી છે. બ્રિટિશ કોલંબિયાના એબોટ્સફોર્ડમાં એક કારને ડાર્ક કલરની SUVમાંથી અનેક ગોળીઓ મારવામાં આવી હતી. પોલીસ મુજબ ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી, પરંતુ સમગ્ર મામલો હવે ગંભીર તપાસ હેઠળ છે.

એબોટ્સફોર્ડ પોલીસના જણાવ્યા મુજબ, શનિવાર, 5 સપ્ટેમ્બરની રાત્રે 11 વાગ્યા બાદ મેકકેલમ રોડના 2500-બ્લોકમાંથી પસાર થતી એક કાર પર બીજી ગાડીમાં સવાર વ્યક્તિઓએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પ્રાથમિક તપાસમાં આ હુમલો ટાર્ગેટેડ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટનાની તપાસ મેજર ક્રાઇમ યુનિટ કરી રહી છે.

ફાયરિંગની ઘટના બાદ થોડા સમય પછી સનીસાઇડ પ્લેસના 2400-બ્લોકમાં એક SUV સંપૂર્ણપણે આગની લપેટમાં મળી આવી હતી. પોલીસ હાલમાં તપાસ કરી રહી છે કે આ આગ અને ફાયરિંગની ઘટના વચ્ચે કોઈ કનેક્શન છે કે નહીં.

એમી વિર્કે એ જ સાંજે એબોટ્સફોર્ડના Rogers Forumમાં ‘Unity Tour’ હેઠળ પરફોર્મ કર્યું હતું. વેન્યૂ અને ટિકિટિંગ રેકોર્ડ મુજબ તેમનો શો 5 સપ્ટેમ્બરે યોજાયો હતો.

કેટલાક ભારતીય અને ઇન્ડો-કેનેડિયન મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ફાયરિંગનો ભોગ બનેલી કાર વિર્કના કોન્સર્ટ કાફલાનો ભાગ હતી અને તેઓ તેમાં હાજર હતા. જોકે, એબોટ્સફોર્ડ પોલીસે ગોપનીયતાના કારણોસર કારમાં કોણ હતું તેની ઓળખ જાહેર કરી નથી.

હાલ સુધી કોઈ ધરપકડની જાહેરાત થઈ નથી. પોલીસે મેકકેલમ રોડ અને સનીસાઇડ પ્લેસ વિસ્તારમાં રહેલા સાક્ષીઓ તથા ડેશકેમ ફૂટેજ ધરાવતા લોકોને તપાસમાં સહકાર આપવા અપીલ કરી છે.

કોઇને જીવન આપી નહીં શકીએ નહીં તો કોઈનું જીવન છીનવી લેવાનો આપણને અધિકાર નથી : શ્રેણિક વિદાણી

જૈન ધર્મ ની ઓળખ અહિંસાથી થાય છે. “અમારિ” નો ભાવ એટલે મારવું નહીં, કોઈને ભય ન આપવું અને કોઈના અસ્તિત્વને નુકશાન ન પહોંચાડવું. અહિંસાનો વિસ્તાર માત્ર હાથ સુધી મર્યાદિત નથી, તે વિચાર, વાણી અને વ્યવહાર સુધી પહોંચે છે.

કોઈને કડવા શબ્દોથી દુ:ખ આપવું, અપમાન કરવું, ઈર્ષ્યાથી કોઇની નિંદા કરવી કે પોતાના સ્વાર્થ માટે બીજાને નુકશાન પહોંચાડવું… આ બધું પણ હિંસાના સૂક્ષ્મસ્વરૂપો છે. અહિંસા એટલે માત્ર કોઈને મારવું નહિ પણ કોઈના જીવનમાં અનાવશ્યક દુ:ખનું કારણ ન બનવું. જો આપણા સંપર્કમાં આવનાર વ્યક્તિને આપણા કારણે ભય નહિ પરંતુ શાંતિનો અનુભવ થાય તો અહિંસા આપણાં જીવનમાં ઉતરી છે એમ કહી શકાય.

    સ્થૂળ અને સૂક્ષ્મ એમ બંને પ્રકારે હિંસાથી બચવાનું છે. પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ અને વનસ્પતિમાં પણ જીવ છે તેમ માનવામાં આવ્યું છે. નાનો કે મોટો દરેક જીવ જીવવાનું ઈચ્છે છે. મરવું કોઈને ગમતું નથી. આપણે જો કોઈને જીવન ન આપી શકીએ તો કોઈનું જીવન છીનવી લેવાનો આપણને અધિકાર નથી. ઓછામાં ઓછી હિંસાથી કેવી રીતે જીવી શકાય તેવી જીવનશૈલી જૈન પરંપરામાં બતાવવામાં આવી છે. જૈન સાધુઓ આ જીવનશૈલીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. જીવો અને જીવવા દો તેટલો જ માત્ર સંદેશ જૈન ધર્મનો નથી પરંતુ આપણા પ્રાણના ભોગે પણ બીજાના જીવની રક્ષા કરવા તત્પર રહો તેવો સંદેશ આપે છે. સ્વયંના જીવનમાં જીવદયાનું આચરણ કરવું અને પોતાની શક્તિ, સત્વ, સુઝ અને સંપત્તિનો ઉચિત ઉપયોગ કરીને જીવદયાનું પાલન કરાવવું તે પર્યુષણનો સંદેશ છે.

સુરતમાં મધરાતે ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ, ધુમાડાથી મચી અફરાતફરી; કલાકો સુધી ફાયર બ્રિગેડની જહેમત

સુરતના સારોલી વિસ્તારમાં આવેલી શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં મધરાત બાદ લાગેલી ભીષણ આગે ભારે અફરાતફરી સર્જી હતી. માર્કેટના ઉપરના માળોમાં આગની જ્વાળાઓ સાથે કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગની ગંભીરતાને પગલે ફાયર વિભાગે મેજર/બ્રિગેડ કોલ જાહેર કરીને શહેરના વિવિધ વિસ્તારોમાંથી ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે ખસેડ્યા હતા.

ફાયર કંટ્રોલ રૂમને રાત્રે આશરે 12:52 વાગ્યે આગ અંગેનો પહેલો કોલ મળ્યો હતો. ત્યારબાદ ત્રણ ફાયર સ્ટેશનમાંથી શરૂઆતની ટીમો રવાના કરવામાં આવી હતી. સ્થળ પર પહોંચેલા ફાયરકર્મીઓને માર્કેટના ચોથા અને પાંચમા માળે આગની જ્વાળાઓ અને ભારે ધુમાડો જોવા મળ્યો હતો. આગની તીવ્રતા વધતા વધારાના ફાયર ટેન્ડરો પણ બોલાવવામાં આવ્યા હતા.

માર્કેટના માળની ઊંચાઈ સામાન્ય કરતાં વધારે હોવાથી આગ આશરે 30 મીટરની ઊંચાઈ પર પહોંચી હતી. આગ પર કાબૂ મેળવવા ટર્નટેબલ લેડર, હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને અન્ય ફાયરફાઇટિંગ સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અંદર ધુમાડો એટલો ગાઢ હતો કે ફાયરકર્મીઓ માટે દૃશ્યતા અત્યંત ઓછી થઈ ગઈ હતી. જરૂરી સલામતી સાધનો સાથે જવાનોને અંદર મોકલી આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરાઈ હતી.

આગને કારણે માર્કેટમાં રાખવામાં આવેલો કાપડનો મોટો જથ્થો અને તૈયાર માલને નુકસાન થયું હતું. ખાસ કરીને કોમન પેસેજમાં રાખવામાં આવેલા કાપડ અને અન્ય સામાનને કારણે ફાયરકર્મીઓને આગ સુધી પહોંચવામાં મુશ્કેલી પડી હતી. ચારેય તરફથી બંધ બિલ્ડિંગમાં ધુમાડો ભરાતા બચાવ કામગીરી વધુ પડકારજનક બની હતી.

સાવચેતીના ભાગરૂપે સમગ્ર બિલ્ડિંગનો વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. આગનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી અને તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.તાજા એહવાલ અનુસાર કોઈ જાનહાનિ થાય નથી.

એશિયા કપમાં લીગ મેચ બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ટોપ પર

0

મહિલા એશિયા કપ 2026 હવે ખિતાબથી માત્ર બે જીત દૂર છે અને લીગ તબક્કો પૂરો થતા જ સેમિફાઇનલની ચાર ટીમો નક્કી થઈ ગઈ છે. સૌથી ખાસ વાત એ છે કે ભારત અને શ્રીલંકાએ પોતાના-પોતાના ગ્રુપમાં એકપણ મેચ ગુમાવ્યા વગર ટોચનું સ્થાન મેળવ્યું છે અને બંને ગ્રુપની સરખામણીમાં ભારત નેટ રનરેટમાં આગળ હોવાથી ટોપ પર છે. જ્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશે પણ અંતિમ ચારની ટિકિટ મેળવી છે. હવે તમામની નજર નોકઆઉટ મુકાબલાઓ પર છે.

ગ્રુપ-Aમાં ભારતીય મહિલા ટીમે ત્રણેય લીગ મેચ જીતીને 6 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે. ભારતનો નેટ રનરેટ +5.471 રહ્યો, જે ગ્રુપમાં સૌથી વધુ છે. પાકિસ્તાન 4 પોઈન્ટ સાથે બીજા ક્રમે રહ્યું. થાઈલેન્ડના 2 પોઈન્ટ રહ્યા, જ્યારે હૉંગકૉંગ ચીનની ટીમને ત્રણેય મેચમાં પરાજય મળ્યો.

ગ્રુપ-Bમાં શ્રીલંકાએ પણ ત્રણેય મેચ જીતી 6 પોઈન્ટ સાથે ટોચનું સ્થાન મેળવ્યું અને +2.730 નેટ રનરેટ નોંધાવ્યો. બાંગ્લાદેશ 4 પોઈન્ટ સાથે બીજા ક્રમે રહ્યું. 8 સપ્ટેમ્બરે બાંગ્લાદેશે UAEને 34 રને હરાવીને સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું હતું. UAE 2 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે રહ્યું, જ્યારે ઇન્ડોનેશિયા કોઈ મેચ જીતી શક્યું નહીં.

હવે 10 સપ્ટેમ્બરે પ્રથમ સેમિફાઇનલમાં ભારત અને બાંગ્લાદેશ આમને-સામને થશે. જ્યારે 11 સપ્ટેમ્બરે બીજી સેમિફાઇનલમાં પાકિસ્તાનનો સામનો શ્રીલંકા સામે થશે. બંને સેમિફાઇનલના વિજેતાઓ 13 સપ્ટેમ્બરે ફાઇનલમાં ટકરાશે.