Home Blog

સુરતમાં ત્રણ યુવનો માટે જન્માષ્ટમી કાળ મુખી બની!

સુરતમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી વચ્ચે ઔદ્યોગિક વિસ્તારોમાંથી કરંટના ઝટકાની એવી કરુણ ઘટનાઓ સામે આવી છે કે ઉત્સવની ખુશી વચ્ચે અનેક પરિવારોમાં શોક છવાઈ ગયો છે. શહેરમાં અલગ-અલગ ઔદ્યોગિક એકમોમાં કામ દરમિયાન વીજકરંટ લાગવાથી એક જ રાતમાં ત્રણ યુવાન શ્રમિકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. સચિન GIDCમાં સિલાઈ મશીન ખસેડતી વખતે બનેલી દુર્ઘટનાનું CCTV પણ સામે આવ્યું છે, જ્યારે પાંડેસરા અને લીંબાયતની મિલોમાં પણ બે યુવાનો વીજકરંટની ચપેટમાં આવ્યા હતા.

સચિન GIDCની કલર્સ ડિજિટલ મિલમાં ધીરજ કુમાર સિલાઈનું કામ કરતો હતો. કામ દરમિયાન સિલાઈ મશીન ખસેડતી વખતે અચાનક તેને જોરદાર વીજકરંટ લાગ્યો હતો. કરંટ લાગતાં જ ધીરજ નીચે ઢળી પડ્યો હતો. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં સચિન GIDC પોલીસ સ્થળ પર પહોંચી હતી અને CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. ઉપલબ્ધ અહેવાલો મુજબ, ધીરજના લગ્નને માત્ર બે મહિના જેટલો સમય થયો હતો, જેના કારણે પરિવારમાં આ દુર્ઘટનાથી ભારે આઘાત ફેલાયો છે.

બીજી ઘટના પાંડેસરાની સહજ મિલમાં બની હતી. અહીં 21 વર્ષીય અનિલ શર્મા કામ દરમિયાન વીજકરંટની ચપેટમાં આવ્યો હતો. અહેવાલ મુજબ, સિલાઈ મશીન પર કામ કરતી વખતે અચાનક વીજપ્રવાહ ચાલુ થતાં તેને ગંભીર કરંટ લાગ્યો હતો. સ્થિતિ ગંભીર બનતા સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. પરિવારજનોએ મિલ સંચાલકોની બેદરકારીનો આક્ષેપ કરી યોગ્ય તપાસ અને ન્યાયની માગ કરી છે.

ત્રીજી ઘટના લીંબાયત વિસ્તારમાં આવેલી મિલમાં બની હતી, જ્યાં 22 વર્ષીય કિશાન મિત્રા કામ દરમિયાન કરંટ લાગતાં મોતને ભેટ્યો હતો. ત્રણેય બનાવોએ સુરતના ટેક્સટાઇલ અને ઔદ્યોગિક એકમોમાં કામદારોની સુરક્ષા, વાયરિંગ, અર્થિંગ અને ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સ અંગે ફરી ગંભીર સવાલો ઉભા કર્યા છે. પોલીસ તેમજ સંબંધિત તંત્ર દ્વારા સમગ્ર મામલે તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

ફરી બોમ્બની ધમકી ? ગુજરાત હાઇકોર્ટ સહિત સુરત કોર્ટમાં હાઇ અલર્ટ

0

ગુજરાતની કોર્ટોમાં આજે બોમ્બ ધમકીના ઈ-મેલથી ચકચાર મચી ગઈ હતી. ગુજરાત હાઇકોર્ટના રજિસ્ટ્રારને મળેલા ધમકીભર્યા ઈ-મેલ બાદ અમદાવાદની અનેક કોર્ટમાં તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી હતી. પોલીસ, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને SOGની ટીમોએ કોર્ટ પરિસરોમાં સઘન તપાસ શરૂ કરી હતી.

મળતી માહિતી મુજબ, ઈ-મેલમાં અમદાવાદની એક કોર્ટમાં વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી હતી. ધમકીની જાણ થતાં અમદાવાદ પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી અને વિવિધ કોર્ટ પરિસરમાં સુરક્ષા ટીમો મોકલવામાં આવી હતી. સાવચેતીના ભાગરૂપે કોર્ટની અંદર તથા આસપાસના વિસ્તારોની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે ધમકીભર્યા ઈ-મેલનો સ્ત્રોત શોધવા માટે તપાસ પણ શરૂ કરી છે.

અહેવાલ મુજબ અમદાવાદમાં ઘીકાંટા મેટ્રો કોર્ટ, લાલ દરવાજા સેશન્સ કોર્ટ અને સોલા સ્થિત ગુજરાત હાઇકોર્ટ સહિતના કોર્ટ પરિસરોમાં સુરક્ષા ચકાસણી હાથ ધરાઈ હતી.

આ તરફ સુરત જિલ્લા કોર્ટને પણ ધમકી મળતા પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક પહોંચી હતી. સુરક્ષાના પગલાંરૂપે વકીલો તથા કોર્ટ કર્મચારીઓને પરિસરમાંથી બહાર ખસેડવામાં આવ્યા હતા અને સમગ્ર સંકુલમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.

મહત્વનું છે કે ઈ-મેલમાં RDX બોમ્બ મૂક્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ અત્યાર સુધી કોઈ વિસ્ફોટક સામગ્રી મળી હોવાની પુષ્ટિ સામે આવી નથી. પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

VIDEO: લ્યો બોલો ! ભારતીય ફૂડએ તો બેલ્જિયમના પએમને પણ બનાવી દીધા ફૂડી

0

ભારતીય ભોજનની વાત આવે ત્યારે મસાલાની સુગંધ અને વિવિધ સ્વાદ દુનિયાભરના લોકોનું ધ્યાન ખેંચે છે. હવે બેલ્જિયમના વડાપ્રધાન બાર્ટ ડી વેવર પણ ભારતીય ખાવાના સ્વાદથી પ્રભાવિત થયા છે. મુંબઈમાં તેમણે ભારતીય ભોજનની પ્રશંસા કરતાં રમૂજી અંદાજમાં કહ્યું કે અહીં લોકો તમને એટલું સ્વાદિષ્ટ ખવડાવે છે કે જાણે ખવડાવતા-ખવડાવતા જ “મારી નાખવાના હોય”!

બાર્ટ ડી વેવરની આ ટિપ્પણી ભારતીય ભોજનની વૈવિધ્યતા અને મહેમાનગતિને લઈને હતી. તેમણે હળવા-ફૂલકા અંદાજમાં ભારતીયો મહેમાનોને અલગ-અલગ વાનગીઓ પીરસતા રહે છે અને એક પછી એક સ્વાદિષ્ટ ભોજનનો આનંદ કરાવતા રહે છે, એવી વાત કહી. તેમના આ નિવેદન બાદ ભારતીય ભોજન પ્રત્યેનો તેમનો ઉત્સાહ ચર્ચામાં આવ્યો છે.

બેલ્જિયમના વડાપ્રધાનનો આ પ્રવાસ મુખ્યત્વે ભારત-બેલ્જિયમ સંબંધોને મજબૂત કરવા માટે હતો, પરંતુ મુંબઈમાં ભારતીય ખાવાને લઈને કરેલી તેમની રમૂજી ટિપ્પણી પણ ચર્ચાનો વિષય બની હતી. ભારતીય રસોઈમાં વિવિધ મસાલા, પ્રદેશ પ્રમાણે બદલાતી વાનગીઓ અને અલગ સ્વાદ તેની ખાસિયત છે. ઉત્તર ભારતના પનીર, દક્ષિણ ભારતીય દોસા-ઇડલીથી લઈને ગુજરાતના ઢોકળા-ઊંધિયાં સુધી દેશની ખાણીપીણીની દુનિયા ખૂબ વિશાળ છે.

બાર્ટ ડી વેવરની આ વાતને ભારતીય ભોજન અને તેની “ફૂડ હૉસ્પિટાલિટી” માટેની પ્રશંસા તરીકે જોવામાં આવી રહી છે.

ભેંસ બની બર્થડે ગર્લ! કેક, ફુગ્ગા અને ‘હેપ્પી બર્થડે’ કેપ વીડિયો થયો વાયરલ

કેક, ફુગ્ગા અને ‘હેપ્પી બર્થડે’… આ કોઈ બાળકની બર્થડે પાર્ટી નથી, પરંતુ ભેંસ ‘બસંતી’ના ચોથા જન્મદિવસની ઉજવણી છે! ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં એક વ્યક્તિએ પોતાની પાળેલી ભેંસને પરિવારના સભ્યની જેમ માન આપીને તેનો જન્મદિવસ એવી ધામધૂમથી ઉજવ્યો કે તેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

બલિયાના બડગાંવ ગામમાં રાજેશ કુમાર વર્માએ પોતાની પાળેલી ભેંસ ‘બસંતી’નો ચોથો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો હતો. મંગળવારે રાત્રે યોજાયેલી આ ઉજવણી માટે ઘર અને આસપાસનો વિસ્તાર રંગબેરંગી ફુગ્ગાઓથી સજાવવામાં આવ્યો હતો. બસંતીને પણ આ ખાસ પ્રસંગ માટે તૈયાર કરવામાં આવી હતી. તેના ગળામાં ફૂલોની માળા પહેરાવવામાં આવી હતી અને માથા પર ‘હેપ્પી બર્થડે’ લખેલી કેપ મૂકવામાં આવી હતી.

આ પાર્ટીમાં એક નહીં પરંતુ બે કેક રાખવામાં આવી હતી. ગામના લોકોની હાજરીમાં કેક કાપવામાં આવી અને લોકોએ તાળીઓ પાડીને ‘હેપ્પી બર્થડે બસંતી’ કહીને તેને શુભેચ્છા પાઠવી હતી. ત્યારબાદ રાજેશ વર્માએ બસંતીને કેકના ટુકડા અને કેળા ખવડાવ્યા હતા. ઉજવણીમાં ગ્રામજનોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

રાજેશ કુમાર વર્માનું કહેવું છે કે બસંતી તેમના માટે માત્ર પશુ નથી, પરંતુ પરિવારના એક સભ્ય જેવી છે. તેના પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા માટે તેમણે તેનો જન્મદિવસ પણ પરિવારના સભ્યની જેમ ઉજવવાનું નક્કી કર્યું હતું. તેમણે જણાવ્યું કે બસંતી તેમની વાત સમજે છે અને તેમની સાથે ખાસ લાગણીનું જોડાણ છે.

આ સમગ્ર ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકોનું ધ્યાન બસંતી તરફ ખેંચાયું છે. ઘણા લોકો રાજેશના પશુપ્રેમની પ્રશંસા કરી રહ્યા છે, જ્યારે આ અનોખી બર્થડે પાર્ટી લોકોમાં ઉત્સુકતા અને ચર્ચાનું કારણ બની છે.

ઉજ્જૈનથી વિયેતનામ સુધી નિકિતા પોરવાલની સફર, શું ભારતને મળશે 7મો મિસ વર્લ્ડ તાજ?

વિયેતનામમાં આજે 5 સપ્ટેમ્બર, શનિવારે મિસ વર્લ્ડ 2026નો ભવ્ય ફિનાલે યોજાઈ રહી છે અને ભારતની નજર ઉજ્જૈનની નિકિતા પોરવાલ પર ટકેલી છે. 111 દેશોની પ્રતિનિધિઓ વચ્ચે ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલી નિકિતાએ ‘Dances of the World’માં પોતાના અનોખા અંદાજથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. દેવી મીનાક્ષીથી પ્રેરિત તેમના પરંપરાગત લુકમાં ભારતીય સંસ્કૃતિ, રંગો અને કારીગરીની સુંદર ઝલક જોવા મળી હતી.

ઉજ્જૈનથી મિસ વર્લ્ડના મંચ સુધી સફર

નિકિતા પોરવાલ મધ્ય પ્રદેશના ઉજ્જૈનની રહેવાસી છે. તેનું સ્કૂલિંગ Carmel Convent Senior Secondary Schoolમાંથી થયું હતું અને તેણે Maharaja Sayajirao University of Barodaમાંથી અભ્યાસ કર્યો હતો. Miss Worldની સત્તાવાર પ્રોફાઇલ મુજબ નિકિતા ફેશન મોડલ, અભિનેત્રી, નાટ્યલેખિકા અને થિયેટર કંપની Rangraysની ક્રિએટિવ ડિરેક્ટર છે. તેણે 60થી વધુ થિયેટર પ્રોડક્શનમાં અભિનય કર્યો છે.

2024માં જીત્યો હતો મિસ ઇન્ડિયા વર્લ્ડનો તાજ

ઓક્ટોબર 2024માં નિકિતા પોરવાલે Femina Miss India World 2024નો ખિતાબ જીત્યો હતો. આ જીત બાદ તેને મિસ વર્લ્ડના આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળીહતી. તે પહેલાં તેણે Femina Miss India Madhya Pradesh 2024નો ખિતાબ પણ પોતાના નામે કર્યો હતો.

અભિનય અને લેખનમાં પણ છે નિપુણ

નિકિતાનો પહેલો પ્રેમ થિયેટર છે. તેણે ‘Krishna Leela’ નામનું 250 પાનાનું નાટક લખ્યું છે અને રંગમંચ પર અનેક ભૂમિકાઓ ભજવી હતી. મીડિયા અહેવાલો અનુસાર તે નાની ઉંમરથી જ અભિનય સાથે જોડાઈ હતી અને 18 વર્ષની ઉંમરે ટીવી હોસ્ટ તરીકે પણ કામ શરૂ કર્યું હતું. રામલીલામાં તેણે માતા સીતાની ભૂમિકા પણ ભજવી હતી.

‘Dances of the World’માં દેખાયો ભારતીય રંગ

મિસ વર્લ્ડ 2026ના ‘Dances of the World’ સેગમેન્ટમાં નિકિતાએ ડિઝાઇનર કરણ ટોરાનીના વિશેષ પરિધાનમાં દેવી મીનાક્ષીથી પ્રેરિત લુક રજૂ કર્યો હતો. સોનાના જ્વેલરી, ભરતકામ અને પરંપરાગત ડ્રેપ સાથેનો આ અવતાર ભારતીય કળા અને આધ્યાત્મિક પરંપરાને વૈશ્વિક મંચ પર રજૂ કરતો હતો.

ભારત માટે સાતમા તાજની આશા

ભારત અત્યાર સુધી છ વખત મિસ વર્લ્ડનો ખિતાબ જીતી ચૂક્યું છે. છેલ્લે 2017માં માનુષી છિલ્લરે ભારતને આ તાજ અપાવ્યો હતો. 2025માં થાઈલેન્ડની ઓપલ સુચાતા ચુઆંગસ્રી મિસ વર્લ્ડ બની હતી. હવે નિકિતા પોરવાલ ભારતને સાતમો મિસ વર્લ્ડ તાજ અપાવીને દેશના બ્યુટી-પેજન્ટ ઇતિહાસમાં નવું અધ્યાય ઉમેરે છે કે નહીં, તેના પર સૌની નજર છે.

ઉંમર છુપાવીને ક્રિકેટ રમવું પડ્યું ભારે! BCCIએ 62 ખેલાડીઓ પર કરી કાર્યવાહી

0

ભારતીય ક્રિકેટમાં અંડર-19 સ્તરે ઉંમર છુપાવીને રમવાના આરોપો સામે BCCIએ હવે કડક કાર્યવાહી શરૂ કરી છે. બંગાળ ક્રિકેટમાં થયેલી દસ્તાવેજી તપાસમાં એકસાથે 62 ખેલાડીઓ સામે કાર્યવાહી થતાં ક્રિકેટ જગતમાં ખળભળાટ મચ્યો છે. સૌથી ચોંકાવનારું નામ 2022 અંડર-19 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય રવિ કુમારનું છે, જ્યારે વર્તમાન અંડર-19 ખેલાડી રોહિત યાદવ પર બે વર્ષનો પ્રતિબંધ મૂકાયો છે.

ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB)ની પ્રી-સિઝન ડોક્યૂમેન્ટેશન પ્રક્રિયા દરમિયાન ખેલાડીઓના જન્મ અને ઓળખ સંબંધિત રેકોર્ડની તપાસ કરવામાં આવી હતી. તેમાં 62 ખેલાડીઓને 2026-27 અને 2027-28 સીઝન દરમિયાન કોઈપણ ટૂર્નામેન્ટ માટે રજીસ્ટ્રેશન અથવા ટ્રાન્સફર માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે. તેમની સામે દસ્તાવેજો અને ઉંમર સંબંધિત વિસંગતિઓ મળી હતી.

રોહિત યાદવ મામલે ગંભીર ગેરરીતિ સામે આવી હતી. તેના અલગ-અલગ દસ્તાવેજોમાં જન્મ વર્ષ 2007, 2009 અને 2010 દર્શાવવામાં આવ્યા હતા. આધાર રેકોર્ડમાં પણ અલગ-અલગ વિગતો મળી હતી. ત્યારબાદ BCCIએ તેને બે વર્ષ માટે ઘરેલુ ક્રિકેટમાંથી પ્રતિબંધિત કર્યો છે અને તેની ઓસ્ટ્રેલિયા અંડર-19 સામેની શ્રેણીની પસંદગી પણ રદ થઈ છે.

બીજી તરફ રવિ કુમારના CAB રેકોર્ડમાં જન્મતારીખને લઈને 45 મહિનાની વિસંગતિ નોંધાઈ છે. રવિ 2022માં ભારતની અંડર-19 વર્લ્ડ કપ વિજેતા ટીમનો મહત્વનો સભ્ય હતો. આ સમગ્ર કાર્યવાહીનો હેતુ ઉંમર સંબંધિત છેતરપિંડી અટકાવીને વય જૂથની ક્રિકેટમાં નિષ્પક્ષતા જાળવવાનો છે.

આજે ભારત-પાકિસ્તાન મહિલા ટીમો વચ્ચે મુકાબલો!

0

દુબઈમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહિલા એશિયા કપ 2026નો હાઇવોલ્ટેજ મુકાબલો રમાશે. ભારતીય ટીમ શરૂઆતની બે મેચ જીતીને સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરી ચૂકી છે, જ્યારે પાકિસ્તાન માટે આ મેચ આગળની સફર માટે મહત્વપૂર્ણ રહેશે. બંને ટીમો વચ્ચેની પરંપરાગત હરીફાઈને કારણે મેચને લઈને ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

દુબઈની પિચ સામાન્ય રીતે ધીમી રહેતી હોવાથી શરૂઆતમાં બેટિંગ માટે અનુકૂળ પરિસ્થિતિ બાદમાં સ્પિનરોને મદદ મળી શકે છે. આવી સ્થિતિમાં ટોસ જીતનાર ટીમ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે.

ભારતીય મહિલા ટીમના સંપૂર્ણ ખેલાડીઓ: સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, પ્રતિકા રાવલ, હરમનપ્રીત કૌર (કપ્તાન), ભારતી ફુલમાલી, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પ્રેમાં રાવત, નંદની શર્મા, શ્રી ચરણિ, ક્રાંતિ ગૌડ, ગુંજનાલ કમલિની, રેણુકા સિંહ ઠાકુર, અરુણધતિ રેડ્ડી અને રાધા યાદવ.

પાકિસ્તાન મહિલા ટીમના સંપૂર્ણ ખેલાડીઓ: મુનીબા અલી (વિકેટકીપર), શવાલ જુલ્ફિકાર, ગુલ ફિરોઝા, આયશા ઝફર, સદફ શમાસ, ફાતિમા સના (કપ્તાન), ઉમ્મ-એ-હાની, અયમાન ફાતિમા, તૂબા હસન, નાશરા સંધુ, સાદિયા ઇકબાલ, સાયરા જબિના, મોમીના રિયાસત, ઈમાન નસિર અને વહીદા અખ્તર.

ભારતનો હેડ-ટુ-હેડ રેકોર્ડ પાકિસ્તાન સામે મજબૂત રહ્યો છે. જોકે ભારત સેમિફાઇનલમાં પહોંચી ગયું હોવાથી પાકિસ્તાન સામેની આજની મેચમાં ટીમ મેનેજમેન્ટ ખેલાડીઓના સંયોજન અને આગામી નોકઆઉટ મુકાબલાને ધ્યાનમાં રાખીને વ્યૂહરચના બનાવી શકે છે. બીજી તરફ પાકિસ્તાન માટે આ મેચમાં જીત ટૂર્નામેન્ટની સ્થિતિને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ બની શકે છે.

ભારત તરફથી સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, હરમનપ્રીત કૌર અને દીપ્તિ શર્મા પર ખાસ નજર રહેશે, જ્યારે પાકિસ્તાન તરફથી ફાતિમા સના, મુનીબા અલી, તૂબા હસન, નાશરા સંધુ અને સાદિયા ઇકબાલ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

ગ્રહોની ચાલથી કોને મળશે ફાયદો, કોને રહેવું પડશે સાવધાન? જાણો આજનું રાશિફળ

05 સપ્ટેમ્બર 2026ના રોજ 12 રાશિઓ નું રાશિફળ આ મુજબ રહેશે:

♈ મેષ: આજે કાર્યક્ષેત્રમાં નવી તક અથવા મહત્વની જવાબદારી મળી શકે છે. આવક વધારવાના વિચારો સફળ થઈ શકે. સંબંધોમાં ખુલ્લી વાતચીતથી ગેરસમજ દૂર થશે. ઉતાવળમાં નિર્ણય લેવાનું ટાળો. સાંજે મનને શાંતિ આપતી પ્રવૃત્તિ કરવી લાભદાયી રહેશે.


♉ વૃષભ: ચંદ્ર તમારી રાશિમાં હોવાથી આત્મવિશ્વાસ અને માનસિક સ્થિરતા વધશે. અધૂરાં કામ પૂર્ણ કરવાની સારી તક મળશે. નાણાકીય બાબતમાં સારો નિર્ણય લઈ શકશો. પરિવાર તરફથી સહયોગ મળશે. આરામ અને ઊંઘનું ધ્યાન રાખવું જરૂરી છે.


♊ મિથુન: મંગળ તમારી રાશિમાં હોવાથી ઊર્જા અને ઉત્સાહ વધારે રહેશે. કામમાં ઝડપ આવશે પરંતુ વાણીમાં કઠોરતા ટાળવી. નવા સંપર્કો ભવિષ્યમાં ફાયદાકારક બની શકે. પૈસાની લેવડદેવડમાં સાવચેતી રાખો. પ્રવાસ અથવા નવી યોજના માટે દિવસ અનુકૂળ છે.


♋ કર્ક: ગુરુ તમારી રાશિમાં હોવાથી સકારાત્મકતા અને આત્મવિશ્વાસ વધશે. પરિવાર અને નાણાકીય બાબતોમાં લાભના સંકેત છે. કામમાં તમારી પ્રતિભાની પ્રશંસા થશે. કોઈ જૂની ચિંતા દૂર થઈ શકે. આધ્યાત્મિક પ્રવૃત્તિથી મનને શાંતિ મળશે.


♌ સિંહ: સૂર્ય અને બુધ તમારી રાશિમાં હોવાથી વ્યક્તિત્વનો પ્રભાવ વધશે. મહત્વપૂર્ણ ચર્ચા અથવા મીટિંગમાં તમારી વાત અસરકારક રહેશે. કરિયર સંબંધિત નિર્ણય માટે દિવસ સારો છે. અહંકાર કે જિદ્દથી બચવું. સંબંધોમાં પ્રેમ અને નમ્રતા જાળવો.


♍ કન્યા: આજે ખર્ચ અને માનસિક ચિંતાઓ પર નિયંત્રણ રાખવાની જરૂર છે. કામમાં પાછળ રહી ગયેલી બાબતો પૂર્ણ કરવાનો સમય છે. ગુપ્ત રીતે ચાલી રહેલી કોઈ યોજના સફળ થઈ શકે. આરોગ્ય માટે રૂટિન અને આહાર પર ધ્યાન આપો. ધ્યાન અને પ્રાર્થનાથી લાભ મળશે.


♎ તુલા: શુક્ર તમારી રાશિમાં હોવાથી આકર્ષણ, સર્જનાત્મકતા અને સંબંધોમાં મધુરતા વધશે. સોશિયલ અથવા બિઝનેસ સંપર્કોથી લાભ થઈ શકે. નાણાકીય રીતે નવી તક મળી શકે. પ્રેમજીવનમાં સુંદર ક્ષણો આવશે. તમારી પ્રતિભા દર્શાવવા માટે ઉત્તમ દિવસ છે.


♏ વૃશ્ચિક: કરિયર અને જવાબદારીના ક્ષેત્રમાં આજે ગંભીરતાથી કામ કરવું પડશે. કોઈ વરિષ્ઠ વ્યક્તિની સલાહ ઉપયોગી સાબિત થશે. આવક સંબંધિત સારા સમાચાર મળી શકે. પરિવારની બાબતમાં વધારે નિયંત્રણ રાખવાનું ટાળો. ધીરજથી આગળ વધશો તો પરિણામ તમારા પક્ષમાં રહેશે.


♐ ધનુ: ભાગ્યનો સાથ મળતો જણાય છે અને નવી દિશામાં આગળ વધવાની તક મળશે. પ્રવાસ, શિક્ષણ અથવા આધ્યાત્મિક બાબતોમાં રસ વધશે. કાર્યક્ષેત્રમાં નવા સંપર્કો ઉપયોગી બનશે. ખર્ચ વધે નહીં તેનું ધ્યાન રાખો. કોઈ જૂની ઈચ્છા પૂર્ણ થવાની શરૂઆત થઈ શકે.


♑ મકર: આજે સંયમ અને આયોજનથી કામ કરવું જરૂરી છે. નાણાકીય બાબતમાં અચાનક ખર્ચ થઈ શકે છે. કામમાં ધીમે પરંતુ સ્થિર પ્રગતિ થશે. સંબંધોમાં શંકા કરતાં વિશ્વાસને મહત્વ આપો. જૂના અધૂરા કામ પૂર્ણ કરવા દિવસ યોગ્ય છે.


♒ કુંભ: ભાગીદારી અને સંબંધોમાં નવી સમજણ વિકસશે. બિઝનેસમાં નવા પ્રસ્તાવ અથવા સંપર્ક મળી શકે. કામનો ભાર વધે છતાં પરિણામ સારા મળશે. નાણાકીય નિર્ણય લેતા પહેલાં સંપૂર્ણ માહિતી તપાસો. મિત્ર અથવા જીવનસાથી તરફથી મહત્વપૂર્ણ સહયોગ મળશે.


♓ મીન: વક્રી શનિ તમારી રાશિમાં હોવાથી જૂના પ્રશ્નો ફરી ધ્યાન ખેંચી શકે છે. ધીરજ અને વ્યવસ્થિત આયોજનથી પરિસ્થિતિ સંભાળી શકશો. કાર્યક્ષેત્રમાં જવાબદારી વધશે. સ્વાસ્થ્ય અને દૈનિક રૂટિનને અવગણશો નહીં. આજે ઓછું બોલીને વધારે કામ કરવું તમારા માટે લાભદાયી રહેશે.

બાળકના નામમાં પિતાનું નામ હવે ફરજિયાત નહીં? જાણો જન્મ પ્રમાણપત્રના નવા નિયમ

0

બાળકનું નામ રાખતી વખતે પિતાનું નામ વચ્ચે એટલે કે ‘Middle Name’ તરીકે લખવું હવે ફરજિયાત નહીં રહે. ગુજરાતમાં જન્મ અને મરણના પ્રમાણપત્રમાં નામ, અટક તથા માતા-પિતાના નામમાં સુધારા અંગે નવી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આ નવી સૂચનાઓથી નામમાં ફેરફાર કરાવવા ઇચ્છતા નાગરિકો માટે કયા દસ્તાવેજો જરૂરી છે અને કયા સંજોગોમાં સુધારો થઈ શકે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે.

નવી માર્ગદર્શિકા મુજબ બાળકના પોતાના નામમાં પિતાનું નામ ‘Middle Name’ તરીકે રાખવું વૈકલ્પિક છે. જોકે તેનો અર્થ એવો નથી કે જન્મના દાખલામાં જૈવિક પિતાનું નામ ‘Father’s Name’ તરીકે મનસ્વી રીતે દૂર કરી શકાય. પિતાનું નામ અને બાળકના પોતાના નામમાં તેના ઉપયોગ વચ્ચેનો તફાવત નવી એડવાઈઝરીમાં સ્પષ્ટ કરવામાં આવ્યો છે.

માતા-પિતા સાથે રહેતા હોય અને બાળકના નામમાં માતાનું નામ અથવા અટકનો સમાવેશ કરવો હોય તો જરૂરી પ્રક્રિયા સાથે પિતાની લેખિત સંમતિના આધારે સુધારો કરી શકાય છે. જ્યારે માતા-પિતાના છૂટાછેડા થયા હોય અને બાળકની કસ્ટડી માતા પાસે હોય, ત્યારે કોર્ટના આદેશમાં સ્પષ્ટ જોગવાઈ હોય તો તેના આધારે બાળકના નામમાં માતાનું નામ અને અટક રાખી શકાય છે.

બાળકના નામ અથવા અટકમાં ફેરફાર માટે સરકારી ગેઝેટ અને સુધારેલા નામવાળા માન્ય સરકારી ફોટો ઓળખપત્ર જેવા દસ્તાવેજો રજૂ કરી શકાય છે. મરણના દાખલામાં પણ મૃતકના નામ પાછળ પિતા અથવા પતિનું નામ ‘Middle Name’ તરીકે રાખવું ફરજિયાત નહીં રહે.

સૌથી મહત્વની રાહત એ છે કે આવા સુધારા માટે દરેક કિસ્સામાં સોગંદનામું કરાવવું જરૂરી નહીં રહે. જરૂરી સ્વ-પ્રમાણિત અને આધારભૂત દસ્તાવેજોના આધારે રજિસ્ટ્રાર અથવા સબ-રજિસ્ટ્રાર નિયમ મુજબ કાર્યવાહી કરી શકશે. નવી એડવાઈઝરી દ્વારા અગાઉની 25 નવેમ્બર 2025ની સૂચનાઓ અંગે રહેલી ગૂંચવણ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

‘હનુમાન અંશ’માં ગૂંજ્યો સુનીલનો અવાજ, દૃષ્ટિબાધિત હોવા છતાં કેવી રીતે પહોંચ્યા બોલિવૂડ સુધી?

એક તરફ દુનિયાને જોવામાં મુશ્કેલી અને બીજી તરફ સપનાઓને સાકાર કરવાની અડગ હિંમત. બુંદેલખંડના સુનીલ લોધીની કહાની માત્ર એક લોકગાયકની સફળતા નથી, પરંતુ સંઘર્ષ અને પ્રતિભાની એવી સફર છે, જેણે તેમને ગામડાંની મહેફિલોથી સીધા બોલિવૂડ સુધી પહોંચાડી દીધા. આજે ફિલ્મ ‘હનુમાન અંશ’નું ગીત ‘મૈંને તેરે હી ભરોસે’ને કારણે 25 વર્ષીય સુનીલ દેશભરમાં ચર્ચામાં છે.

સુનીલ લોધી મધ્યપ્રદેશના સાગર વિસ્તારના બુંદેલખંડ પ્રદેશનો રહેવાસી છે અને તે જન્મથી જ દૃષ્ટિબાધિત છે. બાળપણથી જ તેને સંગીત પ્રત્યે ઊંડો લગાવ હતો. આશરે 10-11 વર્ષની ઉંમરથી તેણે બુંદેલી લોકગીતો અને ભજનો ગાવાનું શરૂ કર્યું. પરિવારના ભરણપોષણમાં મદદરૂપ થવા માટે તેઓ સ્થાનિક ટ્રેનો અને ગામડાંઓમાં પરંપરાગત તમૂરા સાથે ભક્તિગીતો ગાતા હતા. ધીમે-ધીમે તેમની ગાયકી આસપાસના લોકોમાં ઓળખાવા લાગી હતી.

સુનીલનું ‘મોરે સંકટ કે કટૈયા’ ભજન સોશિયલ મીડિયા પર વાયરલ થયું અને તેમની પહોંચ અચાનક અનેકગણી વધી. વિશ્વસનીય અહેવાલો અનુસાર, આ ભજનને ઓનલાઈન 2.9 કરોડથી વધુ વ્યૂઝ મળ્યા હતા. આ જ રેકોર્ડિંગ સંગીત નિર્માતા પંકજ VRK સુધી પહોંચ્યું અને તેમણે સુનીલનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ સુનીલ ઇન્દોરથી મુંબઈ પહોંચ્યા અને સ્ટુડિયોમાં ગીતો રેકોર્ડ કરવાની તક મળી હતી.

મુંબઈમાં સુનીલે આશરે આઠ ગીતો રેકોર્ડ કર્યા, જેમાંથી ‘મૈંને તેરે હી ભરોસે’ હનુમાન અંશનો ભાગ બન્યું હતું. ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર અપેક્ષા કરતાં સારી સફળતા મેળવી છે.

સુનીલની સફર બતાવે છે કે શારીરિક પડકારો પ્રતિભાની ઉડાન રોકી શકતા નથી. બુંદેલખંડના ગામડાં અને ટ્રેનોથી શરૂ થયેલો તેમનો અવાજ આજે દેશભરના શ્રોતાઓ સુધી પહોંચી રહ્યો છે.