ધન :
માનસિક સ્થિતિ અને શારીરિક તંદુરસ્તી : મે 2025થી 3 જૂન, 2027 સુધી તમારી શનિની નાની પનોતી છે. આ પનોતી હોવાથી છેલ્લા લગભગ દોઢ વર્ષથી તમે સંઘર્ષ કરી રહ્યા છો. 3 જૂન, 2027ના દિવસે તમારી શનિની નાની પનોતી પૂરી થશે પરંતુ શનિ ફરી પાછા વક્રી અવસ્થામાં 20 ઓક્ટોબર, 2027ના દિવસે મીન રાશિમાં પ્રવેશ કરશે જેથી કરીને 20 ઓક્ટોબર, 2027થી 24 ફેબ્રુઆરી, 2028 સુધી તમારી નાની પનોતી રહેશે.
હવે આવનારા સમયની વાત કરીએ તો તંદુરસ્તી બાબતે તમારે નવેમ્બર 2026થી 2027 સુધી કાળજી રાખવાની છે. આ સમય દરમિયાન નાની ઈજા થઈ શકે છે કે અકસ્માત થઈ શકે છે. આ સમય દરમિયાન ગુપ્તાંગમાં તકલીફ થઈ શકે છે. ઘણા લોકોની સર્જરી પણ થઈ શકે છે. ઘણા લોકોને દાંતનો દુખાવો થાય અને ચશ્માના નંબર વધે એવી શક્યતા પણ છે.
માનસિક રીતે વિચારીએ તો આ સમય દરમિયાન એકલતાનો અનુભવ થાય, કાલ્પનિક ડર લાગે પરંતુ ખોટી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. 3 જૂન, 2027 પછી ધીમે ધીમે બધું સારું થવા લાગશે. આ સમય દરમિયાન તમારે રામાયણના સુંદરકાંડના પાઠ કરવા અને હનુમાન ચાલીસા કરવી, ગણપતિના પાઠ કરવાથી પણ ફાયદો થશે. સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર 2027માં તંદુરસ્તીની ખાસ કાળજી રાખવી, આ સમય દરમિયાન ઈજા થાય, સર્જરી થાય અથવા અકસ્માત થાય એવી શક્યતા છે.

આર્થિક સ્થિતિ, નોકરી અને વેપાર : નાની પનોતીને કારણે છેલ્લા દોઢેક વર્ષથી તમારી આર્થિક સ્થિતિ થોડી ઘણી સંઘર્ષવાળી રહી હશે. આગળ જતાં જોઈએ તો 12 નવેમ્બરથી ફેબ્રુઆરીમાં સામાન્ય સુધારો આવી શકે છે. ફરી પાછું માર્ચ અને એપ્રિલ મહિનામાં આર્થિક સંઘર્ષનો સામનો કરવો પડે, થોડી નાણાકીય ભીડ પડે.
જે લોકો વેપાર સાથે જોડાયેલા છે એ છેલ્લા ઘણા સમયથી વેપારમાં ચાલતી હરીફાઈમાં ઝઝૂમી રહ્યા છે. આગળ જતા પણ તમારે વેપારમાં ચાલતી ગળાકાપ હરીફાઈનો સામનો કરવો પડશે, હિંમત હારવી નહીં, ગણપતિના પાઠ કરતા રહેવું. આગળ જતા તમને સફળતા મળશે, ખાસ કરીને જૂનથી ઓગસ્ટ મહિનામાં થોડીઘણી સફળતા મળશે. આ વર્ષ દરમિયાન ભાગીદારીમાં પણ નાની-મોટી સમસ્યા થઈ શકે છે, આ બાબતની કાળજી રાખવી.
નોકરી કરતા માણસોની વાત કરીએ તો સપ્ટેમ્બર 2026થી માર્ચ 2027ની વચ્ચે નોકરીમાં નાની સફળતા મળી શકે એવું છે. આગળ જતાં જોઈએ તો જૂનથી સપ્ટેમ્બર 2027 મહિનામાં થોડી સફળતા મળી શકે છે અને નવેમ્બર 2027થી ડિસેમ્બર 2027માં પણ સફળતા મળી શકે છે.

લગ્નજીવન અને પ્રેમસંબંધ : નવેમ્બર 2026થી નવેમ્બર 2027ની વચ્ચે લગ્નજીવન માટે સારા દિવસો છે. જૂન 2027 પછી લવ રોમાન્સ માટે પણ સારા દિવસો છે. જે યુવાનો લગ્ન કરવાની ઈચ્છા ધરાવે છે, આ વર્ષ દરમિયાન એમના લગ્ન થઈ શકે છે અથવા તો સગાઈ (એંગેજમેન્ટ) થઈ શકે છે.
જે લોકો લવ રિલેશનશિપમાં છે તેમણે ઓગસ્ટથી સપ્ટેમ્બર 2027માં પોતાની રિલેશનશિપ બાબતે સાચવવાનું છે નહીં તો લવ બ્રેકઅપ થઈ શકે છે. જેમના એંગેજમેન્ટ થઈ ચૂક્યા છે એમણે ફેબ્રુઆરીથી માર્ચ 2027 અને સપ્ટેમ્બરથી ડિસેમ્બર 2027માં પોતાનો સંબંધ નહીં બગડે એનું ધ્યાન રાખવાનું છે.
માતા-પિતા : શનિની નાની પનોતી દરમિયાન તમારે તમારા માતા-પિતાની તંદુરસ્તીનું ધ્યાન રાખવાનું છે એટલે કે 3 જૂન, 2027 સુધી તમારે તમારા માતા-પિતાની તંદુરસ્તીનું વિશેષ ધ્યાન રાખવું. ધનુ રાશિના ઘણા જાતકો વ્યવસાયના કામ માટે માતા-પિતાથી દૂર જાય એવું પણ શક્ય છે.
મકાન, વાહન અને મિલકત : જૂન 2026થી જૂન 2027ની વચ્ચે નવી પ્રોપર્ટી લેવા માટે સારો સમય છે. આ સમય દરમિયાન નવું મકાન અથવા નવી મિલકત લઈ શકાય છે અથવા તો જૂની મિલકતનું રીનોવેશન પણ કરાવી શકાય છે. આ સમય દરમિયાન તમને હાઉસિંગ લોન પણ મળી જશે પરંતુ કાયદાકીય બાબતોમાં થોડીઘણી ગડમથલ થશે. ઓક્ટોબરથી ડિસેમ્બર 2027માં પણ નવી મિલકતના યોગ બને છે પરંતુ શનિની નાની પનોતી ચાલતી હોવાથી તમારું કામ ધીમી ગતિએ થશે અને થોડો સંઘર્ષ તો રહેશે જ.

જે સમય મિલકત લેવાનો છે એ સમયમાં ફિક્સ એસેટ અથવા તો મુવેબલ એસેટ એટલે કે વાહન પણ લઈ શકાય એમ છે. એપ્રિલ, મે અને જૂન 2027માં નવું વાહન પણ લઈ શકાય છે.
સંતાનસુખ : આ વર્ષ દરમિયાન તમારા સંતાન વિશે તમને થોડી રાહતનો અનુભવ થશે, ખાસ કરીને નવેમ્બર 2026થી મે 2027માં તમારા સંતાનની પ્રગતિથી તમને થોડીઘણી રાહત થશે. જે મહિલાઓ માતા બનવા માટે ઉત્સુક છે એમને માટે પણ આ વર્ષ દરમિયાન સારો સમય છે. 11 નવેમ્બર, 2026થી 25 જાન્યુઆરી, 2027ની વચ્ચે સંતાન સુખની શક્યતા વધારે છે, તે જ પ્રમાણે 26 જૂન, 2027થી નવેમ્બર 2027ની વચ્ચે પણ સંતાન સુખની શક્યતા વધારે છે.
આ સમય દરમિયાન ગુડ ન્યૂઝ મળી શકે છે છતાં પણ ગર્ભવતી મહિલાઓએ માર્ચ અને એપ્રિલ 2027માં પોતાની તંદુરસ્તીની કાળજી રાખવી, ડોક્ટરની સલાહ મુજબ ચાલવું અને ડોક્ટરની સલાહનું પૂરેપૂરું પાલન કરવું.
વિદ્યાર્થીજીવન : શનિ રાશિ બદલે એ પહેલા એટલે કે જૂન 2027 પહેલા વિદ્યાર્થીઓનું પ્રદર્શન સારું રહેશે અને મહેનતના પ્રમાણમાં સારા માર્ક્સ આવશે. જે વિદ્યાર્થીઓ રમતગમત સાથે જોડાયેલા છે એમનું પ્રદર્શન જૂનથી ઓક્ટોબર 2027ની વચ્ચે સારું રહેશે, એમને એમને મહેનતના પ્રમાણમાં સારું ફળ મળશે.

જે વિદ્યાર્થીઓ વિદેશ જવાની ઈચ્છા ધરાવે છે એ વિદ્યાર્થીઓ આ વર્ષ દરમિયાન વિદેશ જઈ શકે છે. 2026ની દિવાળીથી 2027ની દિવાળી વચ્ચે વિદેશના વિઝા મળી જાય એવી શક્યતા છે. ધનુ રાશિવાળાનો વિદેશી યોગ જૂન 2026થી શરૂ થઈ ચૂક્યો છે.
શેરબજાર : ભારતીય શેરબજારમાં જૂન 2027 પછી સુધારો આવે એવી શક્યતા છે. આ સુધારો ભારતીય શેરબજારમાં આવશે તો દરેક રાશિવાળા જાતક આ સમયમાં લાભ ઉઠાવી શકે છે પરંતુ આપણે માત્ર ધનુ રાશિવાળા જાતકોની વાત કરીએ તો 12 નવેમ્બર, 2026થી જાન્યુઆરી 2027માં સામાન્ય ફાયદો થશે અને એ પછી જૂનથી ઓક્ટોબર 2027માં હજુ બીજો થોડો ફાયદો થશે. જોકે પ્રેક્ટિકલ વાત કરીએ તો માર્કેટની ચાલ કોઈના હાથમાં નથી, ક્રિકેટ મેચ અને શેરબજાર આ બંને વિષય પર ફળકથન કરવું ઘણું મુશ્કેલ છે.
કોર્ટકચેરી અને કાયદાકીય બાબતો : જૂન 2027 સુધી કોર્ટકચેરી સંબંધિત કામકાજ તમારું ધીમી ગતિથી ચાલશે. શનિના રાશિ પરિવર્તન પછી સરકારી કચેરી સંબંધિત તમારું કામકાજ ઝડપથી ચાલશે. ઓક્ટોબરથી નવેમ્બર 2027માં ફરી પાછું કામકાજ ધીમું પડી જશે. સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બરમાં કોર્ટ કેસ બાબતમાં ખૂબ જ કાળજી રાખવી નહીં તો હારનો સામનો કરવો પડી શકે એમ છે. રામરક્ષા સ્તોત્ર અને બજરંગ બાણના પાઠ કરવા.
જે લોકોનો લગ્નજીવન સંબંધી કોર્ટ કેસ ચાલે છે એમને પણ જૂનથી ઓગસ્ટ મહિનામાં સમસ્યાનું સમાધાન મળી શકે છે.
સામાજિક અને મિત્રમંડળ : તમારી નાની પનોતી ચાલતી હોવા છતાં પણ સામાજિક બાબતે અને મિત્રમંડળ બાબતે સારો સમય છે પરંતુ જો તમે કોઈ ચૂંટણીમાં ઊભા રહેવાના હોય તો આ વર્ષ તમારે માટે અનુકૂળ નથી. ડિસેમ્બર 2026 પછી નાના ભાઈ સાથેના સંબંધોમાં સુધારો થશે.
વિદેશપ્રવાસ : જૂન 2026થી જુલાઈ 2028 વિદેશપ્રવાસ માટે સારો સમય છે. જેમનું કામ અટકેલું છે એમને પણ દિવાળી પછી વિદેશના વિઝા મળી જાય એવી શક્યતા છે અને જૂન 2027 પછી વિઝા મળી જાય એવી શક્યતા ઓર વધારે છે. આ સમય દરમિયાન ધાર્મિક પ્રવાસ પણ થઈ શકે છે. ધાર્મિક પ્રવાસ માટે નવેમ્બર 2026થી જાન્યુઆરી 2027 અને જૂનથી નવેમ્બર 2027 વધારે અનુકૂળ રહેશે. આ સમય દરમિયાન તંદુરસ્તી પણ એકંદરે સારી રહેશે.








