HomeAstrologyકુંભ રાશિ : નવું વર્ષ તમારા માટે કેવું રહેશે? જાણો વર્ષભરનું ભવિષ્ય,...

કુંભ રાશિ : નવું વર્ષ તમારા માટે કેવું રહેશે? જાણો વર્ષભરનું ભવિષ્ય, પંચાંગ અને શુભ મુહૂર્તોની સંપૂર્ણ માહિતી

Date:

Related stories

spot_img

કુંભ :

માનસિક સ્થિતિ અને શારીરિક તંદુરસ્તી : જાન્યુઆરી 2020થી 3 જૂન, 2027 સુધી કુંભ રાશિની મોટી પનોતી છે. શનિ ગોચરમાં વક્રી ચાલ કરીને ફરી પાછા ઓક્ટોબર 2027માં મીન રાશિમાં પ્રવેશ કરશે અને 24 ફેબ્રુઆરી, 2028થી શનિ મેષ રાશિમાં પ્રવેશ કરશે એટલે કે 24 ફેબ્રુઆરી, 2028થી કુંભ રાશિની પનોતી સમાપ્ત થશે. હાલમાં ઉત્તરતી પનોતીમાં નવેમ્બર 2026થી એપ્રિલ 2027ની વચ્ચે ખૂબ જ સાચવવું પડશે. આ સમય દરમિયાન માનસિક તણાવ વધી જાય, વધુ પડતા વિચારો આવે અને અનિદ્રા થઈ શકે છે. લગભગ તમે છેલ્લા એક-દોઢ વર્ષથી માનસિક દબાણનો અનુભવ કર્યો છે. માનસિક સ્થિતિ બગડવાને કારણે પેટની તકલીફ થઈ શકે છે, એસિડિટી થઈ શકે છે.

નવેમ્બરથી એપ્રિલની વચ્ચે નાની-મોટી ઈજા, સર્જરી અથવા અકસ્માત થવાની સંભાવના છે. ખાસ કરીને ઉત્તરાયણથી એપ્રિલ મહિનાના એન્ડ સુધી સાચવવાનું રહેશે. ઘણાંને દાંતનો દુખાવો થઈ શકે છે, ચશ્માના નંબર વધી શકે છે. સપ્ટેમ્બર 2027થી ફેબ્રુઆરી 2028ની વચ્ચે હૃદયરોગના દર્દીઓએ સમયસર બોડી ચેકઅપ કરાવવું. માર્ચ અને એપ્રિલ મહિનામાં નાની ઈજા કે સર્જરી પણ થઈ શકે છે. તમારે શ્રી ગણપતિના પાઠ અને રામાયણના સુંદરકાંડના પાઠ કરવા.
આર્થિક સ્થિતિ, નોકરી અને વેપાર : આ વર્ષ દરમિયાન કુંભ રાશિવાળા જાતકોની આર્થિક સ્થિતિમાં ફેબ્રુઆરીથી જૂનની વચ્ચે સામાન્ય સુધારો આવશે પરંતુ નવેમ્બર 2026થી નવેમ્બર 2027ની વચ્ચે ખોટા ખર્ચાનું પ્રમાણ વધશે. આ સમય દરમિયાન પૈસાનો વ્યય થાય અને લોન લેવાની જરૂર પડે એવી શક્યતા છે, જેથી કરીને સાચવીને ચાલવું. પોતાની ચાદર જોઈને પગ પસારવા. જો લોન લેવાની જરૂર પડે તો ગણતરીપૂર્વક લોન લેવી. આ વર્ષ દરમિયાન લોન લેવા માટે પણ વધુ સંઘર્ષ કરવો પડે. જો તમે ધંધાના વિકાસ માટે લોન લેતા હોય તો વાત થોડીઘણી યોગ્ય કહેવાય. પરંતુ જો તમે ડૂબતા ધંધાને બચાવવા માટે લોન લેતા હોય તો એ સલાહભરેલું નથી. આગળ જતાં જોઈએ તો જૂની લોન ચૂકવવા માટે તમે નવી લોન લો, એ પણ યોગ્ય નથી. જો જૂની લોન વધુ વ્યાજવાળી હોય અને નવી લોન ઓછા વ્યાજે મળે તો આ વિશે વિચારી શકાય. આસમાન સે ગીરા ખજૂર પે અટકા એવી પરિસ્થિતિ ન થાય તે જોવાનું છે.

આ વર્ષ દરમિયાન વેપાર ધીમી ગતિએ ચાલશે અને વેપારી વર્ગને ગળાકાપ હરીફાઈનો સામનો કરવો પડશે. હિંમત હારવી નહીં, ધીમી ગતિએ ચોકસાઈપૂર્વક આગળ વધવું. “અપના દિન ભી આયેગા…” એવું પણ બની શકે કે 2025 અને 2026ના વર્ષમાં તમારી ભાગીદારી તૂટે અને જેથી કરીને ધંધામાં સેટ થતાં તમને વાર લાગે પરંતુ 2027, 2028 અને 2029 સુધીમાં તમે ધંધામાં સેટ થઈ જશો. થોડી મોડેથી સફળતા મળશે પણ મળશે જરૂર. ઉતાવળમાં ખોટાં કે ભૂલભરેલાં કામ કરવા નહીં.
જે લોકો નોકરી સાથે જોડાયેલા છે, એમની નોકરીમાં અચાનક પરિવર્તન આવી શકે છે. નોકરી બદલાય અથવા તો જૂની નોકરીમાં ટ્રાન્સફર આવી શકે છે. નવેમ્બર 2026થી નવેમ્બર 2027ની વચ્ચે તમને ન ગમતી જગ્યાએ ટ્રાન્સફર આપી દેવામાં આવે એવું પણ શક્ય છે પરંતુ નિરાશ થવું નહીં. 2028ના વર્ષમાં સુધારો પણ આવશે. એક વર્ષ થોડું સહન કરીને કામ ચલાવી લો. હાલમાં માથું ઝુકાવીને સમય પસાર કરી લો એ જ રણનીતિ રહેશે.

લગ્નજીવન અને પ્રેમસંબંધ : લગ્નજીવનની બાબતમાં નવેમ્બર 2026થી ડિસેમ્બર 2026 થોડો સારો સમય છે, એ પછી જૂનથી નવેમ્બર 2027 ખૂબ સારો સમય છે. જે લોકોએ લગ્ન કરવાના બાકી છે એ લોકોના આ સમયમાં લગ્ન અથવા સગાઈ (એંગેજમેન્ટ) થઈ શકે છે. પરંતુ જે લોકો લવ રિલેશનશિપમાં છે એ લોકોએ જૂન-જુલાઈ 2027 પછી થોડી કાળજી રાખવી પડશે નહીં તો નજીવી વાતમાં લવ બ્રેકઅપ થઈ શકે છે.
માતા-પિતા : જૂન 2027 પછી તમારી માતાની તંદુરસ્તીમાં સુધારો આવે એવી શક્યતા છે. આ વર્ષ દરમિયાન કુંભ રાશિના જાતકોને પોતાની કારકિર્દી માટે માતા-પિતાથી દૂર જવું પડે એવી શક્યતા પણ છે. જો પોતાની કારકિર્દી માટે માતા-પિતાથી દૂર જવું પડે તો એમાં કંઈ ખોટું નથી. પિતાની તંદુરસ્તી વિશે 14 જાન્યુઆરીથી 26 એપ્રિલની વચ્ચે સાચવવું પડે. આ બધી બાબતોમાં સાથે સાથે વ્યક્તિગત કુંડળીનો અભ્યાસ કરવો પણ જરૂરી બને છે.
મકાન, વાહન અને મિલકત :
મિલકત અને વાહન માટે આ વર્ષ દરમિયાન વધારે સારો સમય નથી. આ સમય દરમિયાન તમે ઓછા ભાવથી તમારી મિલકત વેચો એવું શક્ય છે અથવા તો મિલકત ખરીદવા જાવ તો મોંઘી પડે અને ફસાઈ જવાય એવી શક્યતા છે, જેથી બે વાર વિચારીને અને સાચવીને આગળ વધવું. “દુર્ઘટના સે દેરી ભલી” એમ સમજીને ચાલવું.

સંતાનસુખ : જૂન 2027 પછી તમને તમારા બાળકોની બિનજરૂરી ચિંતા થઈ શકે છે. જે મહિલાઓ માતા બનવાની ઈચ્છા ધરાવે છે એમને માટે પણ જૂન 2027 પછી થોડા અઘરા દિવસો છે. આ વર્ષ દરમિયાન કુંભ રાશિની મહિલાઓને પુત્રી (ફીમેલ ચાઈલ્ડ) થાય એવી શક્યતા વધારે છે. 14 જાન્યુઆરીથી 30 એપ્રિલની વચ્ચે ગર્ભવતી મહિલાઓએ પોતાની તબિયતની ખૂબ જ કાળજી રાખવી અને સમયસર ડોક્ટરની સલાહ લેતા રહેવું, ડોક્ટરની સલાહનું પૂરેપૂરું પાલન કરવું. સુંદરકાંડના પાઠ કરવા, પોતાની કુળદેવીની પૂજા કરવી.
વિદ્યાર્થીજીવન : વિદ્યાર્થીઓએ આ વર્ષ દરમિયાન વધારે મહેનત કરવી પડશે. ધાર્યા કરતા થોડા ઓછા માર્ક્સ આવે એવું શક્ય છે, જેથી ઓવરકોન્ફિડન્સમાં રહેવું નહીં અને ચોકસાઈપૂર્વક વધારે મહેનત કરવી. રમતગમત સાથે જોડાયેલા વિદ્યાર્થીઓએ પણ આ વર્ષ દરમિયાન વધારે મહેનત કરવી પડશે.
શેરબજાર : શેરબજારમાં ખૂબ જ સાચવીને આગળ વધવું નહીં તો મોટી નુકસાની થઈ શકે છે. “હારેલો જુગારી બમણું રમે” અને બધું ગુમાવે એવો ઘાટ થઈ શકે છે. લોન લઈને શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કામ “ખૂબ જ ભૂલભરેલું” છે. ઇન્ટ્રા-ડે, કોમોડિટી, એફએન્ડઓ અને ક્રિપ્ટોકરન્સી જેવા જોખમકારક કામ કરવા નહીં. રાતોરાત કરોડપતિ કોઈ બન્યું નથી અને બનવાનું પણ નથી.
કોર્ટકચેરી અને કાયદાકીય બાબતો : આ વર્ષ દરમિયાન કોઈની ગેરંટી લેવી નહીં અને કોઈને ગેરંટી આપવી નહીં, પારકી પંચાતમાં પડવું નહીં. આ વર્ષ દરમિયાન વગર વાંકે ફસાઈ જવાય અને પોલીસ સ્ટેશનનું પગથિયું ચડવું પડે એવી શક્યતા છે, વગર વાંકે કોર્ટ-કચેરીના ધક્કા ખાવા પડે. જો તમે લોન લીધી હોય તો લોનવિષયક બાબતોમાં પણ સંઘર્ષનો સામનો કરવો પડે જેથી કાયદાકીય સમસ્યા પણ થઈ શકે. જો તમારો પહેલેથી કોઈ કોર્ટ કેસ ચાલતો હોય તો એમાં તમારે વધારે સમય લઈને ખૂબ જ ધીરજપૂર્વક આગળ વધવાનું છે નહીં તો આ બાબતમાં તમને નુકસાની થઈ શકે છે. આ સમય દરમિયાન તમારો કોર્ટ કેસ વધુ લાંબો ચાલે એવી શક્યતા છે. ખાસ કરીને કાનૂની બાબતોમાં માર્ચ અને એપ્રિલ 2027—આ બે મહિના ખૂબ જ સાચવજો. તમને કોઈ ખોટી રીતે ફસાવવાની કોશિશ કરે એવું પણ શક્ય છે.
સામાજિક અને મિત્રમંડળ : તમારી વાણીમાં મીઠાશ કેળવવાની જરૂર છે. કોઈ વ્યક્તિને ‘અંધજન’ બોલવા કરતાં ‘સૂરદાસ’ બોલવાનું રાખો. આ વર્ષ દરમિયાન ચૂંટણીમાં ઊભા રહેવું યોગ્ય નથી. આ વર્ષ દરમિયાન નાના ભાઈ સાથે વાદવિવાદ થઈ શકે છે. ખાસ કરીને જૂન 2027થી નાના ભાઈ-બહેન સાથે વાદવિવાદ થાય એવી શક્યતા છે. તમને કોઈ ખોટી રીતે ફસાવવાની કોશિશ કરે એવું પણ શક્ય છે.
વિદેશપ્રવાસ : આ વર્ષ દરમિયાન વ્યર્થ પ્રવાસ થાય એવી શક્યતા છે એટલે કે પ્રવાસ તો થાય પરંતુ પ્રવાસનો ઉદ્દેશ પૂરો ન થાય, કામ વગરનો ધક્કો થાય એવું બની શકે. જે લોકોની ધાર્મિક પ્રવાસ કરવાની ઈચ્છા છે, એ લોકો જૂન 2027 પહેલા ધાર્મિક પ્રવાસ કરી શકે છે. માર્ચ અને એપ્રિલમાં તબિયતની કાળજી રાખવી. આ સમય દરમિયાન પ્રવાસ કરવો જોઈએ નહીં.

Subscribe

Latest stories