મિથુન :
માનસિક અને શારીરિક તંદુરસ્તી : આ વર્ષ દરમિયાન મિથુન રાશિમાં શનિ ભગવાનની પનોતી નથી. ડિસેમ્બર 2026 થી રાહુ ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરશે, જે મિથુન રાશિમાં ચંદ્રથી બારમા સ્થાને હશે. રાહુ ભગવાનના ગોચર ભ્રમણને કારણે આ વર્ષ દરમિયાન મિથુન રાશિવાળા જાતકોને પ્રાઇવેટ પાર્ટમાં બળતરા થઈ શકે છે ખાસ કરીને નવેમ્બર 2026 અને એપ્રિલ 2027ની વચ્ચે ગુપ્તાંગોમાં સમસ્યા થઈ શકે છે. ઘણા જાતકોને દાંતનો દુઃખાવો થાય અથવા ચશ્માના નંબર વધે એવું પણ થઈ શકે છે. નવેમ્બર 2026 થી જૂન 2027ની વચ્ચે હૃદયરોગના દર્દીઓએ સાચવવું. મિથુન રાશિના ઘણા વ્યક્તિને ઘૂંટણનો દુઃખાવો પણ થઈ શકે છે. જૂનથી સપ્ટેમ્બર 2027ની વચ્ચે પાચનતંત્રની સમસ્યા થઈ શકે છે. ખુલ્લા પગે ગાર્ડનમાં ઘાસ પર ચાલવાનું રાખવાથી ફાયદો થશે. ઓગસ્ટથી ઓક્ટોબર 2027ની વચ્ચે નાની ઈજા થાય અથવા સર્જરી થાય એવી શક્યતા છે. આ સમય દરમિયાન નાનો અકસ્માત પણ થઈ શકે છે

આ વર્ષ દરમિયાન તમારી માનસિક સ્થિતિ સારી રહેશે પરંતુ તમારી વાણીમાં કડવાશ આવી જાય એવી શક્યતા છે, જેથી વાણીમાં મીઠાશ કેળવવી અને બોલતાં પહેલાં બે વાર વિચાર કરવો. જૂન 2027 પછી માનસિક તણાવ લાગી શકે છે. મોટી ઉંમરના વ્યક્તિઓએ ખાસ સાચવવું. મિથુન રાશિનો સ્વામી ગ્રહ બુધ હોવાથી તમે ગણપતિનો પાઠ કરશો તો ઘણી રાહત થશે.
આર્થિક સ્થિતિ અને વ્યવસાય : આ વર્ષ દરમિયાન તમારી આર્થિક સ્થિતિ એકંદરે સારી રહેશે તમારે જો કોઈ નવો વ્યવસાય સ્ટાર્ટ કરવો હોય તો તમે કરી શકશો. જાન્યુઆરીથી એપ્રિલ 2027માં થોડીઘણી નાણાંભીડ પડી શકે છે પરંતુ વધારે ચિંતા કરવા જેવું નથી. આગળ જતાં તમારી પ્રગતિ થશે. જો તમે પાર્ટનરશીપમાં કોઈ વ્યવસાય શરૂ કરવા માંગતા હોય તો જૂન પછી પાર્ટનરશીપ માટેની ઓફરો આવશે. બે વાર વિચાર કરીને યોગ્ય ઓફર તમે એક્સેપ્ટ કરી શકો છો. ઘણા જાતકો આ સમય દરમિયાન પોતાની પત્ની સાથે પણ વ્યવસાય શરૂ કરી શકે છે. જે લોકો નોકરી સાથે જોડાયેલા છે એમની જુલાઈ 2027 પહેલા પ્રગતિ થશે, પ્રમોશન મળશે અથવા આવકમાં વધારો થશે. જૂન 2027 પહેલા શેર માર્કેટમાંથી પણ તમને બે પૈસા મળી શકે એવું છે. પરંતુ ઇન્ડિયન સ્ટોક માર્કેટ જૂન 2027 સુધી થોડું અનિયમિત રહેશે, જેથી બે વાર વિચાર કરવો. જે લોકો નોકરી કે વેપાર માટે વિદેશ જવાની ઈચ્છા ધરાવે છે એમને સફળતા મળશે. ખાસ કરીને જૂન 2027 પછી જન્મસ્થળથી દૂર જઈને વ્યવસાય કે નોકરી કરવાની શક્યતાઓ વધી જાય છે. નોકરી કરતા વ્યક્તિઓને જણાવવાનું કે નવેમ્બર 2026 થી જુલાઈ 2027ની વચ્ચે નોકરી બદલાય અથવા તો જૂની નોકરીમાં ટ્રાન્સફર આવે એવી શક્યતા પણ છે. 5 ઓક્ટોબર, 2027 પછી પણ ટ્રાન્સફર આવે એવી શક્યતા છે

લગ્નજીવન અને પ્રેમસંબંધ : જે લોકો લગ્ન કરવા ઈચ્છુક છે એવા લોકો માટે નવેમ્બર 2026થી નવેમ્બર 2027 સુધી સારો સમય છે અને જૂન 2027થી વધારે સારો સમય છે. જૂન 2027થી ઘણા યુવક-યુવતીઓના એંગેજમેન્ટ થઈ જાય અથવા તો લગ્ન થઈ જાય એવી શક્યતા છે. અહીં 26 જૂન, 2027ની આસપાસ ગુરુ ભગવાન સિંહ રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ ભગવાનનું આ ગોચર ભ્રમણ મિથુન રાશિના યુવક-યુવતીઓ માટે લગ્નવિષયક બાબતોમાં અનુકૂળ રહેશે પરંતુ એ પહેલા જાન્યુઆરીથી મેં 2027ની વચ્ચે પતિપત્ની વચ્ચે કંકાસ થાય, વિચારોમાં મતભેદ થાય એવી શક્યતા છે. આ બાબતે તમારે વ્યવહારકુશળ બનીને આગળ વધવું, એકબીજાની લાગણીઓની કદર કરવી અને એકબીજાની રિસ્પેક્ટ કરવી.
21 માર્ચ, 2027 થી 3 જુન સુધી રોમાન્સ માટે અનુકૂળ સમય છે. જે લોકો પહેલેથી જ રિલેશનશિપમાં છે એ લોકોએ આ વર્ષ દરમિયાન રિલેશનશિપ ટકાવી રાખવા માટે વધારે પ્રયત્ન કરવા પડશે. ખાસ કરીને જૂન 2027 થી શનિ ભગવાન મેષ રાશિમાં આવશે અને એ પછી તમારે પ્રેમસંબંધમાં વધારે સાચવવું પડશે, નહીં તો બ્રેકઅપ થવાની પૂરેપૂરી શક્યતા છે
સંતાનસુખ : માતા બનવા માટે ઈચ્છુક યુવતીઓએ આ વરસ દરમિયાન થોડી રાહ જોવી પડશે. ગર્ભવતી મહિલાઓએ એપ્રિલ 2027 સુધી પોતાની તંદુરસ્તીનું ખાસ ધ્યાન રાખવું અને ડોક્ટરની સલાહ મુજબ ચાલવું. ગર્ભ ધારણ કરવા માટે 29 જાન્યુઆરીથી 23 જુલાઈ અનુકૂળ સમય છે. આ વર્ષ દરમિયાન મિથુન રાશિની સ્ત્રીઓને બાળકી થાય એવી શક્યતા વધારે છે એટલે કે ફીમેલ ચાઈલ્ડ થાય એવી શક્યતા વધારે છે. મિથુન રાશિના ઘણા જાતકોને જૂન 2027 પછી પોતાના બાળકો વિશેની ચિંતા થશે એ ચિંતા બિનજરૂરી પણ હોઈ શકે છે. ઓગસ્ટ 2027 થી ઓક્ટોબર 2027ની વચ્ચે તમારા બાળકને નાની સમસ્યા થઈ શકે એમ હોવાથી એ બાબતમાં કાળજી રાખવી.

માતાપિતા : મિથુન રાશિના જાતકોના માતા-પિતા ઉંમરલાયક હોય તો એમણે જૂન 2027 સુધી માતા-પિતાની તંદુરસ્તીનું ખાસ ધ્યાન રાખવું. ખાસ કરીને 14 માર્ચથી 15 એપ્રિલની વચ્ચે તમારા માતા-પિતાની તંદુરસ્તી થોડી નરમ-ગરમ રહે એવું શક્ય છે. “મમ્મી હું તમને કોઈ દિવસ કહેતો નથી પણ મને પણ તમારી ચિંતા તો હોય જ છે”. જે લોકો પોતાના માતાપિતાથી દૂર રહે છે એવા લોકો જૂન 2027 પછી માતાપિતાની નજીક આવી શકે છે.
મકાન અને વાહન સુખ : આ વર્ષ દરમિયાન તમે જૂન 2027 થી આવતી દિવાળી સુધીમાં નવું મકાન કે નવું વાહન લઈ શકો છો. ખાસ કરીને જુનથી ઓક્ટોબર 2027 ની વચ્ચે તમારું કામ થઈ શકે છે. પરંતુ આ વર્ષે તમે થોભી જાવ અને પછીના વર્ષે જો કામ કરો તો વધારે ફાયદાકારક રહેશે એટલે કે 202 8 માં મકાન અને વાહન સંબંધિત કામ વધારે સરળતાથી થશે અને વધુ ફાયદા કારક રહેશે.
વિદ્યાર્થીજીવન : આ વર્ષ દરમિયાન 30 એપ્રિલ, 2027 પછી વિદ્યાર્થીઓની પ્રગતિ થશે અને એમને એમની મહેનતનું પૂરેપૂરું ફળ મળશે. જે વિદ્યાર્થીઓ વિદેશ જવાની ઈચ્છા ધરાવે છે એમનું કામ જુલાઈ 2027થી સરળતાપૂર્વક થવા લાગશે, સ્ટુડન્ટ વિઝા મળી જશે. જે વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સમાં રસ છે એમની પણ પ્રગતિ થશે. જૂન 2027 સુધીનો સમય મેચ જીતવા માટે અનુકૂળ છે. આર્ટ્સના વિદ્યાર્થીઓનું પરફોર્મન્સ પણ સારું રહેશે.

શેરબજાર :આ વર્ષ દરમિયાન શેરબજારમાં મામૂલી ફાયદો થઈ શકે છે પરંતુ કોઈ મોટો ફાયદો થાય એવું કંઈ લાગતું નથી જેથી કાળજી રાખીને કામ કરવું, ખોટું સાહસ કરવું નહીં. એપ્રિલ, મે અને ઓક્ટોબર 2027માં શેરબજારમાં મામૂલી ફાયદો થઈ શકે છે. જો તમારે જુના લીધેલા શેર વેચવા હોય તો 20 માર્ચથી 3 જુનની વચ્ચે શેરબજારમાં ધ્યાન આપવું અને યોગ્ય કિંમત આવે ત્યારે શેર વેંચી દેવા.
કોર્ટકચેરી અને કાયદા કાનુન :કાનુની બાબતોમાં આ વરસ દરમિયાન તમારા કામ સફળતાપૂર્વક થશે. ખાસ કરીને માર્ચ એપ્રિલ મહિનામાં તમારું કામ થઈ શકે છે. એ પછી જુલાઈથી સપ્ટેમ્બરમાં પણ તમારું સરકારી કામ સફળતાપૂર્વક થઈ શકે છે. આ સમય દરમિયાન તમને જરૂરી લાયસન્સ મળી શકે છે અથવા તો જુના ચાલતા કોર્ટ કેસનો ઉકેલ આવી શકે છે. જો લગ્નવિષયક બાબતોમાં તમારો કોર્ટકેસ ચાલતો હશે તો ઓગસ્ટ 2027 પહેલા એનો ઉકેલ આવશે. આ બધી બાબતોમાં વ્યક્તિગત કુંડળીનો અભ્યાસ કરવો પણ જરૂરી છે.
વિદેશપ્રવાસ : જૂન 2027 થી આવતી દિવાળી સુધીમાં વિદેશપ્રવાસ થાય અથવા તો ધાર્મિક પ્રવાસ થાય એવી શક્યતા વધારે છે. આ સમયગાળામાં તમને વિદેશના વિઝા પણ મળી જશે. આ વર્ષ દરમિયાન મિથુન રાશિવાળા જાતકો વ્યાપારના કામ માટે, નોકરીના કામ માટે અથવા ભણવા માટે વિદેશ જઈ શકે એવી શક્યતા છે. ઘણા લોકો વિદેશ નહીં જાય પણ જન્મસ્થળથી દૂર જાય એવી શક્યતા પણ છે.








