HomeGujaratનિરમા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો મોટો વિરોધ: કાળા કપડાં, પ્લેકાર્ડ અને Black Day પાછળનું...

નિરમા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો મોટો વિરોધ: કાળા કપડાં, પ્લેકાર્ડ અને Black Day પાછળનું કારણ શું?

Date:

Related stories

spot_img

અમદાવાદની પ્રતિષ્ઠિત ગણાતી નિરમા યુનિવર્સિટીમાં છેલ્લા એક અઠવાડિયાથી વિવાદોનો વંટોળ શમવાનું નામ નથી લઈ રહ્યો. ગર્લ્સ હોસ્ટેલ પાસે એક શ્રમિક દ્વારા કરાયેલી બિભત્સ હરકતની ગંભીર ફરિયાદ બાદ યુનિવર્સિટી પ્રશાસને કડક કાર્યવાહી કરવાના બદલે બિલ્ડીંગ પર લીલી નેટ લગાવીને આંખ આડા કાન કર્યા છે. પ્રશાસનના આ અત્યંત ઉદાસીન વલણ અને પીડિતાઓને જ દોષિત ઠેરવતી માનસિકતાના વિરોધમાં આજે 1 ઓક્ટોબરના રોજ કેમ્પસમાં 1000થી વધુ વિદ્યાર્થીઓએ કાળા કપડાં પહેરીને ‘બ્લેક ડે’ મનાવ્યો હતો. હાથમાં વિવિધ બેનરો અને પ્લેકાર્ડ સાથે ઉતરેલા યુવા આક્રોશે સત્તાધીશોની ઉંઘ હરામ કરી દીધી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, નિરમા યુનિવર્સિટીના કેમ્પસમાં H-4 બ્લોકમાં ગર્લ્સ હોસ્ટેલ આવેલી છે. આ હોસ્ટેલની બરાબર સામે જ નવા બની રહેલા ગર્લ્સ હોસ્ટેલના H-5 બ્લોકનું બાંધકામ ચાલી રહ્યું છે. આ બાંધકામ સાઇટ પર કામ કરતા એક શ્રમિક દ્વારા હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓ સામે અશ્લીલ અને બિભત્સ હરકતો કરવામાં આવી રહી હતી. આ શરમજનક ઘટનાનો ભોગ બનેલી વિદ્યાર્થિનીઓએ હિંમત દાખવીને પુરાવા રૂપે તેનો વીડિયો ઉતાર્યો હતો અને યુનિવર્સિટી સત્તાધીશોને સત્તાવાર રીતે ફરિયાદ કરી હતી. છાત્રાઓને અપેક્ષા હતી કે દીકરીઓની સુરક્ષાને પ્રાધાન્ય આપીને પ્રશાસન કડક પોલીસ કાર્યવાહી કરશે, પરંતુ પરિણામ તદ્દન નિરાશાજનક રહ્યું હતું.

આક્ષેપ છે કે, કેમ્પસના એક ગાર્ડ દ્વારા વિદ્યાર્થિનીઓના પહેરવેશ અને કપડાંને લઈને જ અયોગ્ય ટિપ્પણી કરવામાં આવી હતી. આટલું જ નહીં, યુનિવર્સિટી મેનેજમેન્ટ દ્વારા શ્રમિક સામે કડક કાનૂની કાર્યવાહી કરવાના સ્થાને માત્ર ગર્લ્સ હોસ્ટેલની ઇમારત પર લીલા કલરની નેટ બાંધી દેવામાં આવી. મેનેજમેન્ટના મતે સમસ્યાનો ઉકેલ નેટ બાંધવામાં હતો, પરંતુ આ પ્રકારના ઢાંકપિછોડાથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.

સામાન્ય રીતે યુનિવર્સિટીમાં જ્યારે પણ કોઈ વિદ્યાર્થી ખુલીને અવાજ ઉઠાવે ત્યારે તેની સામે જ શિસ્તભંગના નામે કડક પગલાં લેવાતા હોવાનો ડર વિદ્યાર્થીઓમાં રહેલો છે. આથી, સીધો વિરોધ કરવાના બદલે વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયાનો સ્માર્ટ સહારો લીધો હતો. ઇન્સ્ટાગ્રામ પર એક ખાસ પેજ બનાવીને ઓનલાઈન કેમ્પેન શરૂ કરવામાં આવ્યું અને ગુરુવાર, 1 ઓક્ટોબરના રોજ ‘બ્લેક ડે’ મનાવવાની વ્યાપક હાકલ કરવામાં આવી છે. આ અભિયાનને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો અને આજે સવારથી જ નિરમા યુનિવર્સિટી કેમ્પસમાં હજારોની સંખ્યામાં યુવક-યુવતીઓ કાળા કપડાં પહેરીને પહોંચી ગયા હતા. પ્લેકાર્ડ સાથે નોંધાવેલો આ વિરોધ પ્રશાસનની નિષ્ક્રિયતા સામે એક મોટો તમાચો છે.

વિદ્યાર્થીઓના આ શાંતિપૂર્ણ પરંતુ મક્કમ વિરોધે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે મહિલા સુરક્ષા જેવા અત્યંત સંવેદનશીલ મુદ્દે યુનિવર્સિટીનું ઢીલું વલણ હવે કોઈ પણ ભોગે ચલાવી લેવામાં નહીં આવે. ગુજરાતભરમાં ચર્ચાનો વિષય બનેલી આ ઘટનાએ વાલીઓ અને શિક્ષણવિદોમાં પણ ભારે ચિંતા જન્માવી છે, ત્યારે હવે જોવું એ રહ્યું કે આટલા મોટા આક્રોશ બાદ નિરમા યુનિવર્સિટી પ્રશાસન શ્રમિક સામે અને બેદરકારી દાખવનાર સ્ટાફ સામે કોઈ નક્કર કાર્યવાહી કરે છે કે કેમ.

Subscribe

Latest stories