મોરબી જિલ્લાના વીરપરડા ગામમાં છેલ્લા ચાર દિવસથી એક કૂવો લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. દરિયાના મોજાં જેવી રીતે કૂવાના પાણીમાં આપોઆપ હિલોળા ઊઠતા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકો મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી રહ્યા છે. પ્રથમ નજરે આ દૃશ્ય ચમત્કાર જેવું લાગતું હોવા છતાં પ્રાથમિક વૈજ્ઞાનિક અભ્યાસ મુજબ તેની પાછળ કુદરતી ભૂસ્તરશાસ્ત્રીય અને ભૂગર્ભજળ સંબંધિત પ્રક્રિયાઓ જવાબદાર હોઈ શકે છે. હાલ સ્થાનિક તંત્રે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.
મોરબીથી આશરે 30 કિલોમીટર દૂર જામનગર–અમૃતસર નેશનલ હાઇવે નજીક આવેલા વીરપરડા ગામમાં ખેડૂત પ્રાણજીવનભાઈ સાદરિયાની વાડીમાં લગભગ ત્રણ મહિના પહેલાં બનાવવામાં આવેલા 30 ફૂટ વ્યાસ અને 18 ફૂટ ઊંડા કૂવામાં આ ઘટના જોવા મળી રહી છે. ભારે વરસાદ બાદ કૂવો સંપૂર્ણ ભરાઈ ગયો હતો અને ત્યારથી બે અલગ-અલગ પ્રસંગે પાણીમાં સતત હિલોળા જોવા મળ્યા છે. નોંધનીય બાબત એ છે કે આસપાસના અન્ય કૂવાઓમાં પાણી સંપૂર્ણપણે સ્થિર છે.
ઘટનાની જાણ થતાં ગ્રામ્ય મામલતદારે સર્કલ અધિકારીને તપાસના આદેશ આપ્યા છે. સ્થાનિકો આ ઘટનાને લઈને અલગ-અલગ અનુમાન લગાવી રહ્યા છે જાણે ભૂત પ્રેત બીજી તરફ ઘણા લોકો નું કહવું છે કે આ વિડિયો AI થી બનાવમાં આવ્યો હોય શકે , જોકે નિષ્ણાતો કોઈપણ અંધશ્રદ્ધાથી દૂર રહી વૈજ્ઞાનિક કારણો પર ભાર મૂકી રહ્યા છે.
સાયન્સ કોમ્યુનિકેટર ધનંજય રાવલના જણાવ્યા મુજબ મોરબી વિસ્તાર ફોલ્ટ લાઇનની નજીક હોવાથી અત્યંત સૂક્ષ્મ ભૂકંપીય આંચકા અથવા આફ્ટરશોકની અસર નાના જળસ્ત્રોતોમાં લાંબા સમય સુધી પાણીના હિલોળા તરીકે જોવા મળી શકે છે. બીજી તરફ જિયોલોજિસ્ટ મહેશ ઠક્કરનું કહેવું છે કે ભારે વરસાદ બાદ કન્ફાઇન્ડ એક્વિફરમાં વધેલા દબાણને કારણે સર્જાતી ‘વેલ સેશ (Well Seiche)’ નામની ભૂગર્ભજળ પ્રક્રિયા પણ તેનું કારણ હોઈ શકે છે. જ્યારે ગાંધીનગરના સિસ્મોલોજી વિભાગના એક સિનિયર વૈજ્ઞાનિકે પ્રાથમિક અનુમાનમાં આ ઘટના નજીકના વિન્ડ એનર્જી પ્રોજેક્ટથી સર્જાતી કંપનજન્ય અસર સાથે પણ સંકળાયેલી હોઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે. જોકે ચોક્કસ કારણ જાણવા માટે સ્થળ પર વિગતવાર વૈજ્ઞાનિક તપાસ જરૂરી હોવાનું તેમણે જણાવ્યું છે.
હાલ કોઈ જોખમની સ્થિતિ નોંધાઈ નથી. તંત્ર અને નિષ્ણાતોની તપાસ પૂર્ણ થયા બાદ જ કૂવામાં જોવા મળતી આ અનોખી ઘટનાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.