દક્ષિણ ગુજરાતમાં ચોમાસું જોર પકડતા જ પાણીજન્ય અને પ્રાણીઓથી ફેલાતા રોગોનો ખતરો પણ વધ્યો છે. આવી સ્થિતિમાં સુરત અને નવસારી જિલ્લામાં લેપ્ટોસ્પાયરોસિસના સિઝનના પ્રથમ બે કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે સમયસર સારવાર મળે તો દર્દી સાજો થઈ શકે છે, પરંતુ બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે.
મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામના 46 વર્ષીય વ્યક્તિને 25 જુલાઈએ નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તાવ અને અન્ય લક્ષણોને આધારે કરાયેલી તપાસમાં તેમને લેપ્ટોસ્પાયરોસિસ હોવાનું નિદાન થયું હતું. બીજી તરફ, 1 ઓગસ્ટે નવસારી જિલ્લાના કાશીવાડી ગામના 78 વર્ષીય વૃદ્ધમાં પણ આ ચેપની પુષ્ટિ થઈ હતી અને તેમની સારવાર નવસારી સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. હાલ બંને દર્દીઓની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
ચોમાસા પહેલાં જ આરોગ્ય વિભાગે ઉચ્ચસ્તરીય બેઠક યોજી જોખમવાળા ગામોમાં ડોક્સીસાયક્લિન ગોળીઓનું વિતરણ, જાગૃતિ અભિયાન અને નિવારક પગલાંની યોજના બનાવી હતી. તેમ છતાં સિઝનની શરૂઆતમાં જ કેસ નોંધાતા રોગપ્રતિકારક વ્યવસ્થાની અસરકારકતા અંગે ચર્ચા શરૂ થઈ છે.
લેપ્ટોસ્પાયરોસિસ શું છે?
લેપ્ટોસ્પાયરોસિસ એક ગંભીર બેક્ટેરિયલ ચેપી રોગ છે, જે લેપ્ટોસ્પિરા નામના બેક્ટેરિયાના કારણે થાય છે. આ ચેપ મુખ્યત્વે સંક્રમિત ઉંદર, પશુઓ અને અન્ય પ્રાણીઓના મૂત્રથી દૂષિત થયેલા પાણી, કાદવ અથવા ભીની જમીનના સંપર્કમાં આવવાથી ફેલાય છે. ચામડી પરના નાના ઘા, આંખ, નાક અથવા મોઢા દ્વારા બેક્ટેરિયા શરીરમાં પ્રવેશી ચેપ ફેલાવે છે.
આ રોગના સામાન્ય લક્ષણોમાં અચાનક તાવ આવવો, શરીર અને સ્નાયુઓમાં દુખાવો, માથાનો દુખાવો, ઉલટી, આંખો લાલ થવી અને થાકનો સમાવેશ થાય છે. સમયસર સારવાર ન મળે તો ચેપ ગંભીર સ્વરૂપ ધારણ કરી કિડની, યકૃત અને ફેફસાંને નુકસાન પહોંચાડી શકે છે. કેટલીક ગંભીર પરિસ્થિતિઓમાં આ રોગ જીવલેણ પણ સાબિત થઈ શકે છે. તેથી ચોમાસા દરમિયાન પાણી ભરાયેલા વિસ્તારોમાં સાવચેતી રાખવી અને લક્ષણો દેખાય તો તાત્કાલિક તબીબી સારવાર લેવી અત્યંત જરૂરી છે.
આંકડાઓ દર્શાવે છે કે વર્ષ 2011માં દક્ષિણ ગુજરાતમાં આ રોગે સૌથી ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં 916 કેસ અને 177 મોત નોંધાયા હતા. કડક નિયંત્રણ પગલાંને કારણે 2023માં માત્ર 5 કેસ અને એકપણ મૃત્યુ નોંધાયું નહોતું. જોકે 2025માં ફરી વધારો નોંધાઈ 37 કેસ સામે આવ્યા હતા અને 4 લોકોના મોત થયા હતા, જેમાં સુરત, નવસારી, તાપી અને વલસાડ સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓ રહ્યા હતા. આવી સ્થિતિમાં ચોમાસા દરમિયાન વ્યક્તિગત સ્વચ્છતા અને સાવચેતી જ સૌથી મોટું રક્ષણ માનવામાં આવી રહ્યું છે.